<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ગુજરાત રાજ્યને PMAY-U હેઠળ દેશભરમાં સૌથી વધુ 3 એવોર્ડ મળ્યા

આવાસ ક્ષેત્રે ગુજરાતની નોંધપાત્ર સિદ્ધિ; સુધારા, આવાસ પૂર્ણતા અને ટાઉન પ્લાનિંગમાં શ્રેષ્ઠ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિશ્વ હેબિટેટ ડે નિમિત્તે નવી દિલ્હીમાં યોજાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) એવોર્ડ્સ–2026 સમારોહમાં ગુજરાતે દેશભરમાં સૌથી વધુ ત્રણ PMAY-U એવોર્ડ મેળવી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ એવોર્ડ્સ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા હતા.
  ગુજરાતને આ ત્રણેય એવોર્ડ આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી ટોકન સાહુના હસ્તે રેમ્યા મોહન IAS (ઇન્ચાર્જ સેક્રેટરી હાઉસિંગ), હરપાલ દવે (અધિક મુખ્ય નગર આયોજક), ભાવિન પટેલ (પ્રોજેક્ટ સ્પેશિયાલિસ્ટ, અફોર્ડેબલ હાઉસિંગ મિશન) અને અમિત પટેલ (એ.એચ.એમ ગુજરાત) ને એનાયત કરવામાં આવ્યા હતા. પરવડે તેવા આવાસ ક્ષેત્રે ગુજરાતની ઉત્કૃષ્ટ કામગીરી તથા નવીન પદ્ધતિઓની માન્યતા રૂપે આ સન્માન મળ્યું છે.
  ગુજરાતે PMAY-U 2.0 હેઠળ સૌથી વધુ સુધારા અમલમાં મૂકનાર રાજ્ય તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું છે. PMAY-U 2.0માં જમીન અને આયોજન, નિયમનકારી પ્રક્રિયાઓ, નાણાકીય વ્યવસ્થા, ભાડાના આવાસ, ટેક્નોલોજી અને ડિજિટલ સિસ્ટમ, સંસ્થાકીય સંકલન તથા સમાવેશી આવાસ જેવા ક્ષેત્રોમાં સુધારાઓને મહત્વ આપવામાં આવે છે.
બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન (BLC) ઘટક હેઠળ મંજૂર થયેલા આવાસોમાં ગુજરાતે 96 ટકા પૂર્ણતા હાંસલ કરી છે. આ કામગીરી બદલ ગુજરાતને PMAY-U હેઠળ મંજૂર થયેલા કુલ BLC આવાસોની સૌથી વધુ પૂર્ણતા ધરાવતું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે.
ગુજરાતની ટાઉન પ્લાનિંગ સ્કીમ (TPS) પ્રક્રિયાને પણ રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રથા તરીકે પસંદ કરવામાં આવી છે. ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ, 1976 અંતર્ગત અમલમાં રહેલી TPS વ્યવસ્થા સુવ્યવસ્થિત શહેરી વિકાસ સાથે પરવડે તેવા આવાસને પ્રોત્સાહન આપે છે.
રાજ્યની TPS વ્યવસ્થા હેઠળ રહેણાંક ઝોન ઉપરાંત EWS માટેના 10 ટકા પ્લોટ પરવડે તેવા આવાસ માટે અનામત રાખવામાં આવે છે. તેના કારણે પરવડે તેવા આવાસના પ્રોજેક્ટ્સ માટે સમર્પિત જમીનનો જથ્થો ઊભો થાય છે.
ગુજરાતની આ TPS પદ્ધતિએ Affordable Housing in Partnership (AHP) ઘટકને મજબૂત બનાવવામાં મદદ કરી છે અને શહેરી વિસ્તારોમાં નોંધપાત્ર પરવડે તેવા આવાસનું નિર્માણ કરવામાં યોગદાન આપ્યું છે. આ નવીન અને અસરકારક કામગીરી બદલ ગુજરાતને “Best Practice in Town Planning Scheme (TPS) Procedure” કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યું છે.
PMAY-U 2.0 હેઠળ સૌથી વધુ સુધારા, BLC આવાસોની 96 ટકા પૂર્ણતા અને ટાઉન પ્લાનિંગ સ્કીમની શ્રેષ્ઠ પ્રથા—આ ત્રણેય ક્ષેત્રોમાં મળેલા એવોર્ડ ગુજરાતની શહેરી આવાસ વ્યવસ્થામાં થયેલી કામગીરીને રાષ્ટ્રીય સ્તરે મળેલી મહત્વપૂર્ણ માન્યતા દર્શાવે છે

(6:18 PM IST)