<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ‘ઇ-સરકાર’ પોર્ટલની પેન્ડન્સી ગણતરી પદ્ધતિ અને નાયબ સેક્શન અધિકારીઓ સામે લેવાયેલા આકરા દંડાત્મક પગલાં સામે ઉગ્ર વિરોધ : તાજેતરના બદલી અને ફરજમોકૂફીના આદેશો ૭ દિવસમાં રદ કરવા મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી સુધી ઉચ્ચસ્તરીય રજૂઆત

સેવન ડેઝ કેલેન્ડર પદ્ધતિ, મંજૂર રજાઓની ગણતરી અને કર્મચારીના નિયંત્રણ બહારની પેન્ડન્સી જેવા મુદ્દે વહીવટી સુધારા કરવાની માંગ : ન્યાય નહીં મળે તો આંદોલનની ગંભીર ચીમકી

ગાંધીનગર - ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીમાં ઝડપ, પારદર્શિતા અને કાગળવિહોણી કાર્યપદ્ધતિ લાવવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલા ‘ઇ-સરકાર’ પોર્ટલની વર્તમાન પેન્ડન્સી ગણતરી પદ્ધતિ અને સચિવાલય સંવર્ગના કર્મચારીઓ સામે લેવાતા આકરા પગલાં સામે ‘ધી ગુજરાત સચિવાલય ફેડરેશન’ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ સંદર્ભે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવાલયને વિગતવાર આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને સચિવાલયના કર્મચારીઓને ન્યાય આપવાની માગણી કરવામાં આવી છે.

ફેડરેશનના પ્રમુખ કીર્તિ પટેલ, મહામંત્રી હિરેન પટેલ, સેક્શન અધિકારી એસોસિએશનના પ્રમુખ પ્રતાપસિંહ ચૌહાણ, મહામંત્રી શ્યામ ગીલવા, સ્ટાફ એસોસિએશનના પ્રમુખ પાર્થરાજસિંહ ડોડીયા, મહામંત્રી હેમાંશુ રાઠોડ, સ્ટેનોગ્રાફર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર સોની અને મહામંત્રી આનંદ શ્રીમાળી દ્વારા સંયુક્તપણે કરવામાં આવેલી આ રજૂઆતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફેડરેશન સરકારના ડિજિટલ અભિગમ કે ઝડપી નિકાલ સામે વિરોધ નથી કરતું, પરંતુ હાલની પેન્ડન્સી ગણતરીની પદ્ધતિમાં રહેલી મૂળભૂત વ્યવહારુ ખામીઓના કારણે કર્મચારીઓ પર અતિશય માનસિક તાણ અને કાર્યદબાણ વધી ગયું છે.

ફેડરેશન દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય વિસંગતતાઓ અને મુદ્દાઓ:

 * એકસમાન ૭ દિવસની સમયમર્યાદા અવ્યવહારુ: સરકારી ફાઇલો માત્ર રૂટીન પત્રવ્યવહારની હોતી નથી, પરંતુ તેમાં નીતિવિષયક બાબતો, કાયદાકીય પ્રશ્નો, નાણાકીય મંજૂરીઓ, તપાસલક્ષી કેસો, કોર્ટ કેસો અને અન્ય વિભાગોના અભિપ્રાય જેવી જટિલ બાબતો સામેલ હોય છે. આવી તમામ ફાઇલોને પ્રકૃતિ જોયા વગર ૭ દિવસની ‘વન સાઈઝ ફિટ્સ ઓલ’ એરણ પર મૂકવી યોગ્ય નથી.

 * કેલેન્ડર ડેઝ વિરુદ્ધ વાસ્તવિક કામકાજના દિવસો (Actual Working Days): પોર્ટલ પર ૭ દિવસની ગણતરી કેલેન્ડર ડેઝના આધારે થાય છે, જેમાં શનિવાર-રવિવાર અને જાહેર રજાઓ પણ ગણાઈ જાય છે. જો ફાઇલ ગુરુવાર કે શુક્રવારે આવે તો કર્મચારીને ૩ કે ૪ દિવસ જ વાસ્તવિક કામ માટે મળે છે.

 * મંજૂર રજાઓને પેન્ડન્સીમાં ગણવી અન્યાયી: કર્મચારીની નિયમસર મંજૂર થયેલી રજાના દિવસોને પણ પેન્ડન્સીના સમયગાળામાં ગણીને કર્મચારીને જવાબદાર ઠેરવવો તર્કસંગત નથી.

 * કર્મચારીના નિયંત્રણ બહારની પેન્ડન્સી: નાણા વિભાગની સહમતિ, કાયદાકીય અભિપ્રાય, અન્ય વિભાગો કે ક્ષેત્રિય કચેરીઓનો રિપોર્ટ બાકી હોય તેવી ‘સિસ્ટમ પેન્ડન્સી’ માટે સીધો જ કર્મચારીને દોષિત ગણી શકાય નહીં.

 * બદલી વખતે અગાઉની પેન્ડન્સી નવા અધિકારીના માથે નાખવી: ચાર્જ છોડ્યા બાદ નવા અધિકારીએ જે ફાઇલ જોઈ જ નથી, તેની અગાઉની પેન્ડન્સી નવા અધિકારીના ખાતામાં દર્શાવવી વાસ્તવિક જવાબદારીના સિદ્ધાંત વિરુદ્ધ છે.

 * વૈજ્ઞાનિક માનવબળનું મૂલ્યાંકન અને દરરોજ ૧૫.૬ કેસનું ધોરણ: છેલ્લા ૨૫ વર્ષમાં વહીવટી કાર્યક્ષેત્ર અને વિષયો ખૂબ વધ્યા છે. માત્ર આંકડાકીય કેસોની સંખ્યા (જેવા કે દરરોજ ૧૫.૬ કેસ) ના આધારે કર્મચારીની ક્ષમતા માપવાના બદલે કેસની જટિલતા (Case Complexity) ને ધ્યાને લેવી જોઈએ.

 * ડિફેન્સિવ ડિસિઝન-મેકિંગ અને ગુણવત્તા પર અસર: સતત નોટિસ કે બદલીના ભયથી કર્મચારીઓ સાચી તપાસ કરવાના બદલે માત્ર ફાઇલ ઝડપથી આગળ ધકેલવા (Defensive Decision-making) પ્રેરાય છે, જેનાથી સરકારના નીતિગત નિર્ણયોની ગુણવત્તા નબળી પડે છે.

 * ગુણદોષ વગરનું મીડિયા ટ્રાયલ: તાજેતરમાં નાયબ સેક્શન અધિકારીઓ વિરુદ્ધ લેવાયેલા આકરા પગલાં અને ફરજમોકૂફીના હુકમોમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થયા વગર જ કાર્યવાહી થવાથી કર્મચારીઓ અને તેમના પરિવારને માનસિક ત્રાસ તેમજ મીડિયા ટ્રાયલનો ભોગ બનવું પડે છે.

ફેડરેશનની સ્પષ્ટ અને સમયબદ્ધ માંગણીઓ:
૧. સચિવાલય સંવર્ગના નાયબ સેક્શન અધિકારીઓ સામે તાજેતરમાં લેવાયેલા બદલી, ફરજમોકૂફી તથા અન્ય દંડાત્મક હુકમોની તાત્કાલિક પુનઃસમીક્ષા કરી તે આગામી ૭ દિવસમાં રદ કરવામાં આવે.
૨. ઇ-સરકાર પોર્ટલ પર પેન્ડન્સીની ગણતરી કેલેન્ડર ડેઝના બદલે વાસ્તવિક કામકાજના દિવસો (Actual Working Days) ના આધારે થાય તેવી ઓટોમેટેડ વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેમાં રજાઓ અને સાપ્તાહિક રજાઓ બાદ કરવામાં આવે.
૩. ફાઇલની જટિલતા મુજબ કેટેગરીવાર વાજબી સમયમર્યાદા નક્કી કરવામાં આવે અને કર્મચારી-આધારિત તથા સિસ્ટમ-આધારિત પેન્ડન્સી અલગ દર્શાવવામાં આવે.
૪. જીએડી (GAD), એનઆઈસી (NIC) અને સચિવાલય ફેડરેશનના પ્રતિનિધિઓની સંયુક્ત સમિતિ બનાવીને ઇ-સરકારના લોજિક્સમાં જરૂરી ટેકનિકલ સુધારા કરવામાં આવે.
૫. જો આ ખામીયુક્ત વ્યવસ્થા અને દંડાત્મક કાર્યશૈલી તાત્કાલિક સુધારવામાં નહીં આવે, તો નાછૂટકે આંદોલન કરવાનો માર્ગ અપનાવવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ફેડરેશન દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

(10:51 PM IST)