તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ગુજરાત વિધાનસભામાં 'ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬' સર્વાનુમતે પસાર : મુંબઈ ભાડા અધિનિયમ ૧૯૪૭ ના સ્થાને રાજ્યની આધુનિક જરૂરિયાતોને અનુરૂપ નવો ક્રાંતિકારી કાયદો સમગ્ર રાજ્યમાં લાગુ થશે - શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ
મકાન માલિકો અને ભાડૂઆતોના હિતોનું સમાન રક્ષણ કરતી નવી જોગવાઈઓ : વિવાદોના ઝડપી નિકાલ માટે ત્રિ-સ્તરીય ન્યાયિક વ્યવસ્થા, ડિજિટલ પ્લેટફોર્મ, યુનિક આઈડી અને લેખિત કરાર ફરજિયાત કરાયા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન માલિકો તેમજ ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં શિસ્ત તથા સંતુલન લાવવાના ઉદ્દેશ્યથી રજૂ કરાયેલું 'ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬' વિધાનસભા ગૃહમાં વિના વિરોધે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ ક્રાંતિકારી વિધેયક રજૂ કરતા શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત ભાડા અધિનિયમ એ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ ગુજરાતના આર્થિક અને સામાજિક તાણાવાણાને જોડતી એક મહત્વની કડી છે. આ કાયદો મકાન માલિકને યોગ્ય ન્યાય અને ભાડૂઆતને આદરપૂર્વક જીવવાની છત આપે છે, જેનાથી રાજ્યમાં 'ઈઝ ઓફ લિવિંગ' વધશે અને પરસ્પર વિશ્વાસનું વાતાવરણ વધુ મજબૂત બનશે.
મંત્રીએ વિધેયકની વિગતો આપતાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં મિલકત ભાડે આપવાની વ્યવસ્થા 'મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, ૧૯૪૭' હેઠળ સંચાલિત થતી હતી, જેની મુદત વખતોવખત લંબાવવી પડતી હતી અને તેની મર્યાદાઓને કારણે બંને પક્ષોને કાનૂની ગૂંચવણોનો સામનો કરવો પડતો હતો. તે જૂના કાયદાના સ્થાને હવે નવો કાયદો રાજ્યભરમાં અમલી બનશે.
'ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬' ની મુખ્ય જોગવાઈઓ:
* લેખિત કરાર ફરજિયાત: હવેથી કોઈપણ રહેણાંક કે વાણિજ્યિક મિલકત લિખિત ભાડા કરાર વિના ભાડે આપી શકાશે નહીં અને આ કરારની માહિતી સંયુક્ત રીતે 'રેન્ટ ઓથોરિટી' ને આપવાની રહેશે.
* ડિજિટલ પ્લેટફોર્મ અને યુનિક આઈડી: ભાડા સત્તાધિકારી દ્વારા ૩ મહિનામાં માતૃભાષા ગુજરાતીમાં એક ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. દરેક કરારને એક વિશેષ આઈડેન્ટિફિકેશન નંબર (ID) ફાળવી વેબસાઈટ પર અપલોડ કરાશે, જે માલિક અને ભાડૂઆત બંને માટે નિર્ણાયક પુરાવો બનશે.
* સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા: ભાડૂઆતોના હિતમાં એડવાન્સ સિક્યોરિટી ડિપોઝિટની રકમ વધુમાં વધુ ૩ મહિનાના ભાડા જેટલી જ રાખી શકાશે. મિલકત ખાલી કરતી વખતે તમામ હિસાબ ચુકતે કરીને ૧ મહિનામાં આ ડિપોઝિટ પરત કરવાની રહેશે.
* ત્રિ-સ્તરીય ન્યાયિક વ્યવસ્થા: કોઈપણ વિવાદના સમયબદ્ધ અને ઝડપી નિવારણ અર્થે રાજ્યમાં રેન્ટ ઓથોરિટી (Rent Authority), રેન્ટ કોર્ટ (Rent Court) અને રેન્ટ ટ્રિબ્યુનલ (Rent Tribunal) એમ ત્રણ સ્તરની ન્યાયિક વ્યવસ્થા અસ્તિત્વમાં લાવવામાં આવશે.
* જીવનજરૂરી સેવાઓ પર રોક નહીં: કોઈપણ મકાન માલિક ભાડૂઆતની વીજળી, પાણી કે ગેસ કનેક્શન જેવી આવશ્યક સેવાઓ રોકી શકશે નહીં. જો આવું કરવામાં આવશે, તો રેન્ટ ઓથોરિટી તુરંત તે સેવાઓ પુનઃજીવિત કરવાનો આદેશ કરશે.
* મિલકત ખાલી કરાવવાના સ્પષ્ટ આધારો (કલમ ૨૧): મકાન માલિકના હકોનું રક્ષણ કરતા કલમ ૨૧ હેઠળ મિલકત ખાલી કરાવવાના આધારો સ્પષ્ટ કરાયા છે. જો ભાડૂઆત સતત ભાડું ન ચૂકવે, મિલકતને નુકસાન પહોંચાડે કે માલિકની મંજૂરી વગર પેટા-ભાડે આપે, તો માલિક ભાડા અદાલત મારફતે મિલકત ખાલી કરાવી શકશે.
* કુદરતી આપત્તિમાં રાહત: પૂર, ભૂકંપ કે ચક્રવાત જેવી કુદરતી આપત્તિ સમયે જો મિલકત રહેવા યોગ્ય ન રહે, તો ભાડૂઆતને ભાડામાંથી મુક્તિ મળશે અથવા કરાર લંબાવવાની વાજબી તક અપાશે.
* પ્રોપર્ટી મેનેજરને કાનૂની માન્યતા (કલમ ૧૮): કલમ ૧૮ મુજબ મકાન માલિક પોતાની સુવિધા માટે પ્રોપર્ટી મેનેજરની નિમણૂક કરી શકશે, જેની ભૂમિકા અને ફરજો કાયદાકીય માળખામાં નિર્ધારિત કરવામાં આવી છે.
* ચોક્કસ સંસ્થાઓને મુક્તિ (કલમ ૩): સરકારી પરિસરો, કંપનીઓ દ્વારા કર્મચારીઓને અપાતા સર્વિસ ક્વાર્ટર, ધાર્મિક-સખાવતી સંસ્થાઓ, વક્ફ બોર્ડ અને પબ્લિક ટ્રસ્ટની માલિકીની મિલકતોને આ કાયદામાંથી મુક્તિ અપાઈ છે. જોકે, બંને પક્ષોની પરસ્પર સંમતિ હોય તો તેઓ પણ આ કાયદા હેઠળ જોડાઈ શકે છે.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
