તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
ગુમ કે ચોરાયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે : ૫૦.૭૫ ટકાની ઊંચી વસૂલાત દર સાથે મેળવી મોટી સફળતા : CEIR પોર્ટલના ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ નોડલ અધિકારીઓનું સન્માન
સીઆઈડી ક્રાઈમ અને રેલવેના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ તેમજ DoT ગુજરાત LSA ના અપર મહાનિર્દેશક ગિરીશ કટારિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં આણંદ પ્રથમ, ડાંગ બીજા અને અમદાવાદ શહેર ત્રીજા ક્રમે રહ્યા : રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨,૩૮,૫૩૩ મોબાઈલ બ્લોક કરી ૭૪,૮૨૩ મોબાઈલ અસલી માલિકોને પરત અપાયા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુમ થઈ ગયેલા કે ચોરાયેલા મોંઘાટ સેટ્સને બ્લોક કરવા અને તેને ટ્રેસ કરીને મૂળ માલિકો સુધી પહોંચાડવાની દિશામાં ગુજરાત રાજ્યે સમગ્ર દેશમાં મજબૂત ડંકો વગાડ્યો છે. 'સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર' (CEIR) પોર્ટલના અત્યંત સફળ અને ઉત્કૃષ્ટ અમલીકરણના પરિણામે ગુજરાતે ૫૦.૭૫ ટકા જેટલો શાનદાર રિકવરી રેટ હાંસલ કર્યો છે, જેના આધારે રાજ્યે દેશના મોટા રાજ્યોમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાના નોડલ અધિકારીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે.
દૂરસંચાર વિભાગ (DoT), ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયા (LSA) અને ગુજરાત પોલીસના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સીઆઈડી ક્રાઈમ અને રેલવેના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ તેમજ DoT ગુજરાત એલએસએના અપર મહાનિર્દેશક ગિરીશ કટારિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમણે ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર અધિકારીઓને શીલ્ડ અને પ્રશંસાપત્ર એનાત કર્યા હતા.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ની પ્રથમ ક્વાર્ટર (૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬) દરમિયાનના પ્રદર્શન આંકડાઓ અનુસાર, સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર જિલ્લાઓમાં આણંદ, ડાંગ અને અમદાવાદ શહેર મોખરે રહ્યા છે. જેમાં આણંદ જિલ્લાના સાયબર સેલના પી.આઈ. જૈમિન ડોડિયાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ડાંગ જિલ્લાના એલસીબીના પીએસઆઈ જે. જી. અનડક્ટ બીજા ક્રમે અને અમદાવાદ શહેરના એએસઆઈ ભાવેશકુમાર વિષ્ણુપ્રસાદ તેમજ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંઘ જયંતિલાલે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ તમામ અધિકારીઓએ ટેક્નોલોજી આધારિત અને નાગરિક-કેન્દ્રીય પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દેશવ્યાપી આંકડાઓ પર નજર કરીએ તો, ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ સુધીના ડેટા વિશ્લેષણ મુજબ સમગ્ર દેશમાં મોબાઈલ રિકવરીનો સરેરાશ દર ૩૭.૪ ટકા રહ્યો છે. તેની સામે ગુજરાતે ૫૦.૭૫ ટકાનો ઊંચો રિકવરી રેટ હાંસલ કરીને અગ્રેસર સ્થાન જાળવી રાખ્યું છે. અગાઉ ઓક્ટોબર ૨૦૨૫ માં રાજ્યનો રિકવરી દર ૪૧ ટકા હતો, જેમાં આ વર્ષે ૯.૭૫ ટકા જેટલો મોટો અને નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨,૩૮,૫૩૩ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે, જેમાંથી ૧,૪૭,૪૨૩ હેન્ડસેટ સફળતાપૂર્વક ટ્રેસ થયા છે અને તેમાંથી ૭૪,૮૨૩ મોબાઈલ ફોન સાચા માલિકોને પરત સુપરત કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ અને ટેલિકોમ વિભાગ વચ્ચેનો આ પરસ્પર મજબૂત સમન્વય મોબાઈલ ઉપકરણોના દુરુપયોગને રોકવા, નાગરિકોની કીમતી મિલકત સુરક્ષિત રાખવા અને સાયબર ફ્રોડની ઘટનાઓ પર કડક લગામ કસવા માટે અત્યંત કારગર સાબિત થઈ રહ્યો છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
