<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

હોસ્‍પિટલના બિલમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમેઃ ગામડાઓમાં ખર્ચ ઓછો

ગુજરાતીઓના ખિસ્‍સા પર હોસ્‍પિટલના બિલનો ભારઃ દેશના ટોપ-૫ મોંઘા રાજ્‍યોમાં સમાવેશ : ઝારખંડ પ્રથમ રૂ.૫૯,૪૫૫ ખર્ચ સાથે પ્રથમ ક્રમેઃ ત્‍યારબાદ ઉત્તર પ્રદેશ રૂ.૫૬,૫૩૭ ખર્ચ સાથે બીજા, મહારાષ્ટ્ર રૂ.૫૫,૬૯૭ ખર્ચ સાથે ત્રીજા અને આસામ રૂ.૫૧,૮૨૫ ના ખર્ચ સાથે ચોથા ક્રમે છે

 

અમદાવાદ,તા.૪: ગુજરાતીઓનું સ્‍વાસ્‍થ્‍યને લઈ મોટા સમાચાર છે. હોસ્‍પિટલના બિલમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે. શહેરી દર્દીઓ હોસ્‍પિટલમાં દાખલ થવાના સરેરાશ રૂ.૫૧,૭૪૨ ચુકવે છે. મિનિસ્‍ટ્રી ઓફ સ્‍ટેટિસ્‍ટિક્‍સ એન્‍ડ પ્રોગ્રામ ઇમ્‍પ્‍લીમેન્‍ટેશનના રિપોર્ટ  મુજબ, ગુજરાતના શહેરી વિસ્‍તારોમાં એકવાર હોસ્‍પિટલમાં દાખલ થવાનો સરેરાશ ખર્ચ રૂ.૫૧,૭૪૨ છે, જે રૂ.૪૬,૭૭૪ ના રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. તાજેતરમાં બહાર પડેલા આ અહેવાલમાં ઝારખંડ પ્રથમ રૂ.૫૯,૪૫૫ ખર્ચ સાથે પ્રથમ ક્રમે છે. ત્‍યારબાદ ઉત્તર પ્રદેશ રૂ.૫૬,૫૩૭ ખર્ચ સાથે બીજા, મહારાષ્ટ્ર રૂ.૫૫,૬૯૭ ખર્ચ સાથે ત્રીજા અને આસામ રૂ.૫૧,૮૨૫ ના ખર્ચ સાથે ચોથા ક્રમે છે.

રિપોર્ટ પ્રમાણે, ગુજરાતના ગામડા અને શહેરી વિસ્‍તારોના હોસ્‍પિટલ ખર્ચમાં મોટો તફાવત જોવા મળ્‍યો હતો. ગુજરાતના ગ્રામીણ વિસ્‍તારોમાં આ ખર્ચ રૂ.૨૫,૮૭૭ હતો, જ્‍યારે શહેરોમાં  રૂ.૫૧,૭૪૨ હતો. શહેરી અને ગ્રામીણનો સરેરાશ હોસ્‍પિટલ ખર્ચ રૂ.૩૮,૮૦૯ થાય છે. રિપોર્ટ પ્રમાણે, ગ્રામીણ વિસ્‍તારોમાં દર્દીઓ  સરેરાશ રૂ.૨૫,૩૪૭ અને શહેરી વિસ્‍તારોમાં રૂ.૩૯,૫૭૨ નો ખર્ચ ઉઠાવે છે. એટલે કે કુલ ખર્ચના લગભગ ૮૩% દર્દીઓએ પોતે ભોગવ્‍યા છે, જ્‍યારે બિન-તબીબી ખર્ચ (મેડિકલ સિવાયના ખર્ચ) સરેરાશ રૂ.૨,૩૦૦ ની આસપાસ રહ્યા હતા. આ રિપોર્ટમાં ગુજરાતના ૬,૦૦૦ થી વધુ પરિવારોના ૩૦,૩૦૦ થી વધુ ઉત્તરદાતાઓના ડેટાને આવરી લેવામાં આવ્‍યો હતો.

સૂત્રોએ જણાવ્‍યું કે, રાજ્‍યમાં વીમા કવચ, ખાસ કરીને ખાનગી કંપનીઓ દ્વારા, ઘણું ઓછું છે. મુખ્‍યકવરેજ PM-JAY અને મુખ્‍યમંત્રી અમૃતમ યોજના જેવી સરકારી યોજનાઓના સ્‍વરૂપમાં છે. સરકારી સુવિધાઓની તુલનામાં ખાનગી હોસ્‍પિટલોમાં દાખલ દર્દીઓને સ્‍વાભાવિક રીતે વધુ ખર્ચ થશે. ઇમરજન્‍સી પ્રક્રિયાઓ માટે મધ્‍યમ અને નાની હોસ્‍પિટલોમાં ખિસ્‍સામાંથી થતો ખર્ચ વધુ હોય છે. અહેવાલ મુજબ, તબીબી સલાહ સહિતનો બિન-હોસ્‍પિટલ તબીબી ખર્ચ ગ્રામીણ ગુજરાતમાં રૂ.૮૫૨ અને શહેરી વિસ્‍તારોમાં રૂ.૯૬૮ છે. આમાંથી, દર્દીઓ અનુક્રમે રૂ.૮૫૧ અને રૂ.૯૪૦ પોતાની રીતે ચૂકવે છે.

ગુજરાતમાં છેલ્‍લા એક વર્ષમાં દર ૧,૦૦૦ વ્‍યક્‍તિએ ૨૯ લોકો હોસ્‍પિટલમાં દાખલ થયા હોવાનું નોંધાયું છે, જે રાષ્ટ્રીય ટ્રેન્‍ડ જેવું જ છે. આમાંથી દર ૧,૦૦૦ માંથી ૩૦ પુરુષો અને ૨૭ મહિલાઓ હતી. શહેરી ગુજરાતમાં હોસ્‍પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ૩૨ હતું, જ્‍યારે ગ્રામીણ વિસ્‍તારોમાં તે ૨૬ હતું. હોસ્‍પિટલમાં દાખલ દર્દીઓની વય વિશ્‍લેષણ દર્શાવે છે કે ૬૦ વર્ષથી વધુ વયના દર ૧,૦૦૦ માંથી લગભગ ૭૫ લોકો હોસ્‍પિટલમાં દાખલ થયા હતા. ૫ થી ૨૯ વર્ષની વયજૂથ માટે આ ગુણોત્તર ૧૦-૧૪ ની આસપાસ રહ્યો હતો.

(1:46 PM IST)