તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
ગુજરાતનું રાજકારણ ગરમાયુ : કોળી સમાજ બાદ હવે સિંધી સમાજ મેદાને, ભાજપ પાસે 5 બેઠકો પર ટિકિટની માગ, જાણો બીજું શું કહ્યું
વિધાનસભા ચૂંટણી 2027 પહેલા સિંધી સમાજે ભાજપને પત્ર લખીને મૂકી 3 મોટી માગ, મંત્રીમંડળ, વિધાનસભા અને સંગઠનમાં પ્રતિનિધિત્વની રજૂઆત, 12થી 15 લાખ મતદારોનો દાવો

ગાંધીનગર તા.૨૧ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ને હજુ સમય છે, પરંતુ રાજકીય પક્ષોમાં અત્યારથી જ તૈયારીઓ અને સામાજિક સમીકરણોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોળી સમાજ બાદ હવે સિંધી સમાજના આગેવાનો પણ મેદાનમાં આવ્યા છે. સિંધી સમાજે ભાજપ પાસે મંત્રીમંડળ, વિધાનસભા અને પક્ષના સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માગ કરી છે.
સિંધી સમાજના આગેવાનોએ પોતાની માગણીઓ અંગે એક પત્ર તૈયાર કરીને ભાજપને મોકલ્યો છે. આ પત્રમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં રાજ્યના મંત્રીમંડળમાં સિંધી સમાજને સ્થાન આપવું, વિધાનસભામાં સમાજનું પ્રતિનિધિત્વ વધારવું અને ભાજપના સંગઠનમાં યોગ્ય જવાબદારી આપવાનો સમાવેશ થાય છે. આગેવાનોનું કહેવું છે કે સમાજની સંખ્યા અને રાજકીય યોગદાનને ધ્યાનમાં રાખીને તેને રાજકીય વ્યવસ્થામાં યોગ્ય સ્થાન મળવું જોઈએ.
માત્ર ચૂંટણી સમયે સમાજના મત મેળવવા પૂરતું નહીં, પરંતુ સરકાર અને સંગઠનની નિર્ણય પ્રક્રિયામાં પણ સમાજની ભાગીદારી હોવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. સિંધી સમાજના આગેવાન મેઘરાજભાઈએ જણાવ્યું છે કે રાજ્યમાં સિંધી સમાજની મોટી વસ્તી વસવાટ કરે છે. ગુજરાતમાં 12થી 15 લાખ લોકો વસવાટ કરે છે.
સિંધી સમાજના આગેવાનોએ આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યાના આધારે ટિકિટ ફાળવવાની પણ માગ કરી છે. આગેવાનોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સિંધી સમાજના અંદાજે 12થી 15 લાખ મતદારો છે. આ સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યની પાંચ બેઠકો પર સમાજના પ્રતિનિધિઓને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ગુજરાતના 5 શહેરોમાં ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. આ માગ દ્વારા સિંધી સમાજે ચૂંટણીમાં પોતાની રાજકીય ભાગીદારીનો મુદ્દો ઉઠાવ્યો છે. આગેવાનોનું માનવું છે કે સમાજના મતદારોની સંખ્યાને અનુરૂપ રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીધામ સહિત ગુજરાતના અનેક શહેરોમાં સિંધી સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે અને રાજ્યના વેપાર, ઉદ્યોગ, આર્થિક તથા સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. સિંધી સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા રહી પક્ષની પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યોમાં પોતાનું યોગદાન આપતા આવ્યા છે. સિંધી સમાજને રાજકીય સ્તરે વધુ પ્રતિનિધિત્વ મળવું જરૂરી છે.
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સિંધી સમાજના એક યોગ્ય, અનુભવી અને સક્ષમ આગેવાનને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવે, જેથી સમાજના પ્રશ્નો અને રજૂઆતો સરકાર સુધી અસરકારક રીતે પહોંચી શકે તેવી પણ માગ કરવામાં આવી છે. સિંધી સમાજના આગેવાનોએ પોતાની માગણીઓ સાથેનો પત્ર પોસ્ટ મારફતે ભાજપ સુધી પહોંચાડ્યો છે. પત્ર મોકલ્યા બાદ હવે આ મુદ્દે સિંધી સમાજના આગેવાનો પક્ષના નેતાઓ સાથે રૂબરૂ મુલાકાત પણ કરશે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
