તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ગુજરાત પોલીસની 'ઓપરેશન મિલાપ' ને વધુ સફળતા: માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને પરિવારો સાથે મિલાવાયા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યવ્યાપી ઝુંબેશ, વડોદરાની 14 વર્ષની બાળકીને કર્ણાટકથી 1200 કિમી દૂરથી શોધી પરત લવાઈ

ગાંધીનગર તા.૪ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલી રાજ્યવ્યાપી *'ઓપરેશન મિલાપ'* ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે. ઝુંબેશને વધુ 10 દિવસ લંબાવ્યા બાદ ગુજરાત પોલીસે માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના નાગરિકોને શોધીને તેમના પરિવારો સાથે મિલન કરાવ્યું છે.
ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (વુમન સેલ, CID ક્રાઈમ) શ્રી અજય ચૌધરીએ જણાવ્યું કે, 12 જૂનથી 21 જૂન દરમિયાન ચાલેલી આ લંબાવેલી ઝુંબેશમાં 288 મહિલાઓ, 88 બાળકીઓ, 21 છોકરાઓ અને 103 પુરુષો સહિત કુલ 500 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢવામાં આવ્યા છે.
આ ઝુંબેશ દરમિયાનની સૌથી નોંધપાત્ર કામગીરી વડોદરાની છે. વડોદરાના છાણી વિસ્તારમાંથી 18 ડિસેમ્બર 2025ના રોજ ગુમ થયેલી 14 વર્ષની સગીર બાળકીને પોલીસે કર્ણાટકના શિવમોગાથી શોધીને પરિવાર સાથે મિલાવી છે.
ટેકનિકલ સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે વડોદરા AHTUની 5 સભ્યોની ટીમ કર્ણાટક પહોંચી હતી. આરોપી સુનિલકુમાર કેસરીસિંહ બારીયા જયપુરમાં પૂજારીનો કોર્સ કરી નવું નામ ધારણ કરી શિવમોગાના એક જૈન મંદિરમાં પૂજારી તરીકે રહેતો હતો. તેણે બાળકીને પત્ની તરીકે ખોટી ઓળખ આપી ગોંધી રાખી હતી.
ભારે વરસાદ વચ્ચે 2 દિવસ સુધી મંદિર પર નજર રાખ્યા બાદ ત્રીજા દિવસે સવારે 4 વાગ્યે આરોપીની ધરપકડ કરી બાળકીને સુરક્ષિત રીતે બચાવવામાં આવી.
ઉલ્લેખનીય છે કે અગાઉ 7 મે થી 5 જૂન દરમિયાન ચાલેલા પ્રથમ તબક્કામાં ગુજરાત પોલીસે 857 મહિલાઓ અને 234 સગીર બાળકીઓ સહિત કુલ 1,478 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા હતા.
આમ, 'ઓપરેશન મિલાપ' દ્વારા હવે સુધી કુલ 1,978 ગુમ થયેલા નાગરિકોને તેમના પરિવારો સાથે મિલાવીને 1978 પરિવારોના જીવનમાં નવી રોશની લાવવામાં આવી છે.
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ ગુમ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
