<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

ગુજરાત પોલીસે ડ્રગ્સના દૂષણને નેસ્તનાબૂદ કરવા લીધો ઐતિહાસિક નિર્ણય : રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે દરેક જિલ્લા અને શહેરોમાં ડેડિકેટેડ 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' સ્થાપવાનો કર્યો આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ 'ઝીરો ટોલરન્સ' નીતિ : આગામી ૭ દિવસમાં ANW ના તમામ યુનિટ્સ કાર્યરત થશે : સ્થાનિક પોલીસની નિષ્કાળજી જણાશે તો થશે કડક કાર્યવાહી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા ગુજરાતને સંપૂર્ણ 'ડ્રગ-ફ્રી' બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકારે ડ્રગ માફિયાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસે રાજ્ય અને દેશના યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે અભિયાન ચલાવ્યું છે. આ જંગને વધુ તીવ્ર બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા દરેક જિલ્લા અને કમિશનરેટ કક્ષાએ ડેડિકેટેડ 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' (ANW) કાર્યરત કરવાનો ઐતિહાસિક આદેશ જારી કરવામાં આવ્યો છે. આગામી ૭ દિવસમાં આ તમામ યુનિટ્સને કાર્યરત કરવાનો આદેશ પણ અપાયો છે.

૫ વર્ષમાં ૧૩,૬૦૦ કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કરાયું:
હાલમાં દરેક શહેર અને જિલ્લામાં LCB, SOG અને લોકલ પોલીસની ટીમ નશીલા પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી કરે છે. હવે આ કામગીરી ઉપરાંત ડેડીકેટેડ 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' પણ આ દિશામાં કામ કરશે. વિતેલા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે NDPS એક્ટ હેઠળ ૩,૭૦૦થી વધુ ગુના નોંધી ૫,૩૪૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ સમયગાળા દરમિયાન આશરે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુ કિંમતનો ૧.૩૬ લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખવામાં આવી છે.

ANW યુનિટનું માળખું અને સુપરવિઝન:
રાજ્ય કક્ષાએ કાર્યરત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની તર્જ પર ગઠિત થનાર દરેક ANW યુનિટમાં ૧-પોલીસ ઇન્સ્પેક્ટર, ૧-પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ૨-ASI/હેડ કોન્સ્ટેબલ અને ૪-પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ ૮ સક્ષમ અધિકારી-કર્મચારીઓનું મહેકમ રહેશે. આ ટીમને અલાયદું વાહન અને ડ્રાઇવર પણ ફાળવવામાં આવશે.

જિલ્લા કક્ષાએ આ યુનિટ પોલીસ અધિક્ષકના સીધા સુપરવિઝન હેઠળ કાર્ય કરશે. જ્યારે અમદાવાદ શહેરમાં ૨, સુરત શહેરમાં ૨, વડોદરા શહેરમાં ૧ અને રાજકોટ શહેરમાં ૧ યુનિટ જોઈન્ટ/એડિશનલ સીપીના સુપરવિઝન હેઠળ કામ કરશે. ANW એક 'સ્પેશિયલાઇઝ્ડ ટાસ્ક ફોર્સ' તરીકે માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર જ કામ કરશે અને આ ટીમને અન્ય કોઈ કામગીરી સોંપાશે નહીં.

કામગીરી અને સ્થાનિક પોલીસ પર વોચ:
ANTF દ્વારા સૂચિત ડ્રગ્સ પેડલરો અને હોટસ્પોટ્સ પર ANW સતત સર્વેલન્સ રાખશે અને ડ્રગ્સના રીઢા ગુનેગારો સામે PIT-NDPS હેઠળ અટકાયતી પગલાં ભરવા CID ક્રાઇમને દરખાસ્ત મોકલશે. ANWની રચના બાદ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનોએ NDPS કેસો શોધવાના રહેશે. જો ANWની તપાસ દરમિયાન સ્થાનિક પોલીસની નિષ્કાળજી કે બેદરકારી જણાશે, તો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત દેશનું રોલ મોડેલ - નવીન નીતિઓ અને ટેકનોલોજી:

ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે ડ્રગ નેટવર્ક પકડનાર પોલીસકર્મીઓ અને બાતમીદારોને પ્રોત્સાહન આપવા 'ડ્રગ રિવોર્ડ પોલિસી' તથા જીવના જોખમે કામગીરી કરનાર જવાનો માટે 'આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન' નીતિ અમલી બનાવી છે. આ ઉપરાંત ડાર્ક વેબ, ફાઇનાન્સિયલ ટ્રેઇલ અને આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ પકડવા માટે દેશમાં સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત 'NARIT' સોફ્ટવેર તૈયાર કરી કોર્ટમાં કન્વિક્શન રેટ વધારવા વૈજ્ઞાનિક તપાસ હાથ ધરાઈ રહી છે.

ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ નશાના ભોગ બનેલા યુવાનો માટે સંવેદનશીલ બની રાજ્યભરના વ્યસનમુક્તિ કેન્દ્રોને આધુનિક બનાવી યોગ્ય કાઉન્સિલિંગ અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

(10:13 AM IST)