તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 20th April 2026
ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન-ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે સુરતમાં ગુજરાત પોલીસનું સિલેક્શન : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું માર્ગદર્શન
લખનૌ ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધા માટે પાલની એરો એકેડેમીમાં આઈપીએસ અધિકારીઓ સહિત ૪૨ ખેલાડીઓએ બતાવ્યું કૌશલ્ય : ડીજીપી ડો. પી.એલ. માલ દ્વારા સુરત પોલીસ કમિશનરને સોંપાઈ મહત્વની જવાબદારી

સુરત: સોમવાર, તા. ૨૦-૦૪-૨૦૨૬ ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આગામી ૯ થી ૧૩ મે ૨૦૨૬ દરમિયાન થવા જઈ રહ્યું છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત પોલીસનો દબદબો જાળવી રાખવા માટે એક મજબૂત ટીમ તૈયાર કરવાના હેતુથી સુરતના પાલ વિસ્તારમાં આવેલી એરો એકેડેમી ખાતે ખાસ સિલેક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યના ડીજીપી ડો. પી.એલ. માલ દ્વારા આ ટીમ તૈયાર કરવાની વિશેષ જવાબદારી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સોંપવામાં આવી છે.
આઈપીએસ અધિકારીઓ અને જવાનોએ મેદાનમાં પરસેવો પાડ્યો:
૨૦ એપ્રિલ, સોમવારના રોજ વહેલી સવારથી જ સિલેક્શન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પસંદગી મેળામાં ગુજરાત પોલીસના ૪૨ જેટલા ચુનંદા ખેલાડીઓ, કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ખાસિયત એ છે કે તેમાં આઈપીએસ અધિકારી રાહુલ ત્રિપાઠી પણ ખેલાડી તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સિલેક્શન માટે મેદાનમાં ઉતરીને રમતનું કૌશલ્ય બતાવ્યું હતું. તમામ સ્પર્ધકોએ ગુજરાત પોલીસ દેશભરમાં પ્રથમ નંબરે રહે તેવા નિર્ધાર સાથે સખત મહેનત અને પરસેવો પાડીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
નિષ્ણાત કોચ દ્વારા કડક ધારાધોરણો મુજબ પસંદગી:
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર એલ.એ. ઝાલા અને પોલીસ હેડ ક્વાર્ટર્સના મદદનીશ પોલીસ કમિશનર એમ.કે. રાણા (જેઓ પોતે પણ અગાઉ ઓલ ઈન્ડિયામાં પ્રથમ નંબરે રહ્યા છે) આ આયોજનને સંભાળી રહ્યા છે. ખેલાડીઓની ટેકનિકલ પસંદગી માટે બેડમિન્ટનના ખેલઘર તરીકે જાણીતા કોચ એસ.બી. રાવત અને ટેબલ ટેનિસ માટે નીરવ અગ્રવાલ દ્વારા મેરિટના આધારે ચકાસણી કરવામાં આવી રહી છે. ફિટનેસથી લઈને ગેમના અલગ-અલગ પરિમાણો મુજબ કોચ દ્વારા ખેલાડીઓને વિશેષ સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. સમગ્ર સ્પોર્ટ્સ સહાયક તરીકેની જવાબદારી પરેશ ત્રિપાઠીને સોંપવામાં આવી છે.
ગુજરાત પોલીસનો ડંકો વગાડવા માટેની તૈયારી:
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ ઓલ ઈન્ડિયા પોલીસ ટુર્નામેન્ટમાં ગુજરાત પોલીસનું પ્રદર્શન બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં શ્રેષ્ઠ રહ્યું છે. ગત વર્ષોની જેમ આ વર્ષે પણ નેશનલ લેવલે ગુજરાત પોલીસનો ડંકો વાગે અને ટીમ વિજેતા બનીને રાજ્યનું નામ રોશન કરે તે માટે આટલી ઝીણવટભરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના વધે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓની જ પસંદગી થાય તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ૯ મેથી શરૂ થનારી ટુર્નામેન્ટ માટે હવે ગુજરાત પોલીસની સજ્જ ટીમ લખનૌ જવા માટે તૈયાર થઈ રહી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
