<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પો.સ.ઇ. કેડરની ૮૫૮ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન

રાજ્યના ૪ મુખ્ય શહેરોમાં ૩૭૧ શાળાઓ ખાતે યોજાયેલી પરીક્ષામાં આશરે ૮૬૦૦૦ ઉમેદવારો ઉત્સાહપૂર્વક જોડાયા : ટૂંક સમયમાં વેબસાઈટ પર OMR શીટ જાહેર કરાશે

અમદાવાદ:ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પો.સ.ઇ.) કેડરની વિવિધ જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા આજે તા. ૧૯.૦૪.૨૦૨૬ના રોજ રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ બિન હથિયારી પો.સ.ઇ., હથિયારી પો.સ.ઇ. અથવા પ્લાટુન કમાન્ડર અને જેલર ગૃપ-૨ ની કુલ ૮૫૮ જગ્યાઓ ભરવામાં આવનાર છે.

 

પરીક્ષાનું આયોજન અને ઉમેદવારોની સંખ્યા:

આ મહત્ત્વની પરીક્ષાનું આયોજન અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ કુલ ૪ મુખ્ય શહેરોમાં કરવામાં આવ્યું હતું. આ શહેરોની કુલ ૩૭૧ શાળાઓને પરીક્ષા કેન્દ્રો તરીકે ફાળવવામાં આવી હતી, જ્યાં આશરે ૮૬૦૦૦ જેટલા ઉમેદવારોએ હાજર રહીને ખૂબ જ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી.

 

પરીક્ષાનું માળખું:

ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે બે અલગ-અલગ પેપરની પરીક્ષા લેવામાં આવી હતી:

  પેપર-૧: જનરલ સ્ટડીઝ (General Studies) જે ૨૦૦ ગુણનું હેતુલક્ષી (MCQ) પેપર હતું.

  પેપર-૨: ગુજરાતી અને અંગ્રેજી લેંગ્વેજ સ્કીલ (Gujarati and English Language Skill) જે ૧૦૦ ગુણનું વર્ણનાત્મક (Descriptive) પેપર હતું.

 

ચુસ્ત બંદોબસ્ત અને આગામી પ્રક્રિયા:

સમગ્ર પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. પરીક્ષાને નિયમબદ્ધ અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ, ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાજર રહેલ તમામ ઉમેદવારોની સ્કેન કરેલી OMR શીટ ટૂંક સમયમાં જ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in પર અપલોડ કરવામાં આવશે.

(7:01 PM IST)