<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ગુજરાત પોલીસનો સપાટો: નાર્કોટિક્સના વધુ 5 રીઢા આરોપીઓ PIT NDPS હેઠળ જેલ હવાલે

2025માં 86, ચાલુ વર્ષે 4 મહિનામાં 21 આરોપીઓની અટકાયત; રાજ્ય સરકારની નશીલા પદાર્થ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ

ગાંધીનગર તા.૧૭ : ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ રીઢા આરોપીઓની અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે. આ આદેશો DGP-CID Crime ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવ્યા છે. 

 

એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને CID ક્રાઈમની ટીમોએ રાજકોટ શહેર, અરવલ્લી, બનાસકાંઠા, નવસારી અને જુનાગઢ જિલ્લાના આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. અટકાયત કરાયેલામાં ભિલોડાના બાબુભાઈ નીનામા (49), પાલનપુરના ઈશ્વર ઉર્ફે હેંડલ સલાટ (28), વાંસદાના મનોજગીરી ગોસ્વામી (45), જુનાગઢના વહીદ પંજા (50) અને રાજકોટના ઇમરાન બેલીમ (32)નો સમાવેશ થાય છે. આ તમામ અગાઉ NDPSની વિવિધ કલમો હેઠળ ધરપકડ બાદ જામીન પર મુક્ત હતા.

 

ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર PIT NDPS અધિનિયમ હેઠળ આવા વ્યક્તિઓને પૂર્વગામી અટકાયત હેઠળ રાખી શકાય છે જેથી તેઓ નશીલા પદાર્થોના વેચાણ, ખરીદી, પરિવહન કે સંગ્રહમાં ફરી ન જોડાય. જેમ અસામાજિક તત્વો સામે PASA લાગુ થાય છે, તેમ નાર્કોટિક્સના આરોપીઓ સામે PIT NDPS લાગુ કરાય છે. 

 

રાજ્ય સરકારે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છે અને રાજ્યને ‘નશામુક્ત’ બનાવવા પ્રતિબદ્ધ છે. વર્ષ 2025 દરમિયાન કુલ 86 આરોપીઓને PIT NDPS હેઠળ અટકાયત કરી જેલમાં મોકલાયા હતા, જ્યારે ચાલુ વર્ષે ચાર મહિનામાં 21 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

(4:11 PM IST)