News of Tuesday, 1st September 2026
ગુજરાતઃ પેપરની તપાસણીમાં ભૂલ કરનારા ૩૩૩૪ શિક્ષકોને દંડ
શિક્ષકોને ૧ ગુણની ભૂલ બદલ રૂ. ૧૦૦ પ્રમાણે દંડ કરવામાં આવ્યો છે. તપાસ કરતા શિક્ષકોએ ૧ ગુણથી માંડીને ૧૦૦ ગુણ કરતા વધુની ભૂલો કરી હોવાનું સામે આવ્યું

અમદાવાદ,તા.૦૧: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ માસમાં લીધેલી ધો-૧૦ અને ધો-૧૨ની વાર્ષિક પરીક્ષાઓ બાદ હાથ ધરવામાં આવેલી ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરીમાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. પરિણામો બાદ યોજાયેલી આ તપાસમાં પેપર ચકાસણીમાં ભૂલો કરનારા રાજ્યના ૩૩૩૪ શિક્ષકો સામે બોર્ડે કડક દંડાત્મક કાર્યવાહી કરી છે. આ શિક્ષકોને ૧ ગુણની ભૂલ બદલ રૂ. ૧૦૦ પ્રમાણે દંડ કરવામાં આવ્યો છે. તપાસ કરતા શિક્ષકોએ ૧ ગુણથી માંડીને ૧૦૦ ગુણ કરતા વધુની ભૂલો કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, મૂલ્યાંકન કામગીરીમાં હાજર રહ્યા ન હોય તેવા શિક્ષકોને પણ નોટિસ ફટકારી તેમનો ખુલાસો માગવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરિણામો જાહેર કર્યા બાદ ઉત્તરવહી મૂલ્યાંકન અને ગુણ ચકાસણી સહિતની કામગીરી હાથ ધરતું હોય છે. આ કામગીરી બાદ ઘણા વિદ્યાર્થીઓના માર્કમાં સુધારો થયો હતો. આમ, મૂલ્યાંકનની કામગીરીમાં ક્ષતિને કારણે ગુણ ચકાસણી વખતે ગુણમાં વધારો થયો હતો. જેથી આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બોર્ડે તપાસ હાથ ધરતા રાજ્યના ૩૩૩૪ શિક્ષકોએ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં બેદરકારી દાખવી હોવાનું જણાયું હતું. જેથી બોર્ડના નિયમો અનુસાર, ઉત્તરવહી તપાસમાં ભૂલ કરનારા શિક્ષકોને એક ગુણની ભૂલ બદલ રૂ. ૧૦૦ પ્રમાણે દંડ કરવામાં આવ્યો છે. જેમાં ધો-૧૦માં સૌથી વધુ ૧૬૭૧ શિક્ષકો, ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૧૩૭ શિક્ષકો અને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૨૬ શિક્ષકોને ભૂલો બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો, ધો-૧૦ના ૧૦૯ શિક્ષકોને ઉત્તરવહી તપાસમાં ૧૦ માર્કથી લઈને ૧૧૨ માર્ક સુધીની ભૂલો કરવા બદલ રૂ. ૧૦૦૦થી લઈને રૂ. ૧૧૨૦૦ સુધીનો દંડ કરાયો છે. આ જ રીતે ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૬૪ શિક્ષકોને ૧થી ૩૦ ગુણની ભૂલ બદલ રૂ. ૧૦૦થી રૂ. ૩૦૦૦ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ દંડિત શિક્ષકોને નોટિસ પાઠવીને ૭ દિવસમાં દંડની રકમ જમા કરાવવા આદેશ આપ્યો છે. જો નિર્ધારિત સમયમાં દંડ ભરવામાં નહીં આવે તો સંબંધિત શાળાના આચાર્યને રૂબરૂ સુનાવણી માટે બોલાવાશે.
બોર્ડના નિયમ મુજબ બોર્ડ પરીક્ષાની કોઈ પણ મૂલ્યાંકન કામગીરીમાંથી શિક્ષક સ્વેચ્છાએ ઇનકાર કરી શકે નહીં, માત્ર ખાસ કિસ્સામાં જ બોર્ડ મુક્તિ આપે છે. છતાં પણ અનેક શિક્ષકો આ કામગીરીમાં ગેરહાજર રહ્યા હતા. આ મામલે અમદાવાદ શહેર ઝચ્બ્એ શાળાનાં આચાર્યોને નોટિસ પાઠવી શિક્ષકો કેમ હાજર ન રહ્યા તેનો ૭ દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે. નિયમ અનુસાર, જો શાળાઓએ શિક્ષકોને મૂલ્યાંકન માટે છૂટા ન કર્યા હોય તો શાળાએ શિક્ષક દીઠ રૂ. ૩૦૦૦નો દંડ ભરવો પડશે. જ્યારે શાળાએ છૂટા કર્યા હોવા છતાં શિક્ષક પોતે ગેરહાજર રહ્યા હોય તો તે દંડની રકમ શિક્ષકે ભરવાની રહેશે. અમદાવાદ શહેરમાં જ ધો-૧૨ સામાન્ય પ્રવાહના ૧૪૦ શિક્ષકો અને ધો-૧૨ સાયન્સના ૧૪૯ શિક્ષકો મૂલ્યાંકન કામગીરીમાં ગેરહાજર જણાતાં તમામ સંબંધિત શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
