તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'મન કી બાત'ના ૧૩૮મા સંસ્કરણ નિમિત્તે ગુજરાત ભાજપા દ્વારા રાજ્યભરમાં વિવિધ ક્ષેત્ર અને સમાજના વર્ગોને સાંકળતા વિશેષ કાર્યક્રમોનું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મેમનગરમાં અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આણંદના સાગોળપૂરામાં ઉપસ્થિત રહ્યા : રાજ્યના ૫૦ હજારથી વધુ બુથ પર નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્થાનિક નાગરિકો સાથે કાર્યક્રમ નિહાળ્યો

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમના તા. ૨૭ સપ્ટેમ્બરે પ્રસારિત થયેલા ૧૩૮મા સંસ્કરણ નિમિત્તે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં ૨૫ સ્થળોએ વિવિધ ક્ષેત્ર અને સમાજના વિવિધ વર્ગોને જોડતા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, ડોક્ટરો, પ્રબુદ્ધ નાગરિકો, સહકારી આગેવાનો, લાભાર્થીઓ, સામાજિક તથા સહકારી આગેવાનો, માલધારીઓ, કૂલીઓ, રિક્ષાચાલકો, વડીલો સહિતના વિવિધ વર્ગના નાગરિકોએ ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ સાથે જ રાજ્યના ૫૦ હજારથી વધુ બુથ પર ભાજપા આગેવાનો અને કાર્યકર્તાઓએ સ્થાનિક નાગરિકો સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મેમનગર, અમદાવાદ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય લાઇબ્રેરીમાં યોજાયેલા ‘મન કી બાત’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ‘મન કી બાત’ કાર્યક્રમ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આણંદ જિલ્લાના સાગોદપૂરા ખાતે ઉપસ્થિત રહી ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો. પ્રદેશ પદાધિકારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ભાજપા આગેવાનો અને કાર્યકરો નિયત સ્થાને ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના બગડા ગામે ખેડૂતો, સુરત રેલવે સ્ટેશન ખાતે કૂલીઓ, રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના અમરાપુર ખાતે આવેલા અમરાપુર શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓ, મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે લાભાર્થીઓ તથા વલસાડ જિલ્લાના વાપી ખાતે વાપી મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમના સામૂહિક શ્રવણનું આયોજન કરવામાં આવ્યું હતું. બોરસદના ઠક્કર હોલ ખાતે પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે પણ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો.
અમદાવાદના એ.એમ.એ. હાઉસ, આશ્રમ રોડ ખાતે ડૉક્ટરો, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ચોરા ગામે ખેડૂતો તથા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે કારડિયા રાજપૂત સમાજની સંસ્થામાં સમાજના આગેવાનો સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ઉ. બુ. વિદ્યાલય, શે. ડેમ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, મોરબી જિલ્લાના શ્રી કમલમ કાર્યાલય ખાતે લાભાર્થીઓ, રાજકોટના કાલાવડ રોડ સ્થિત એ.પી. પટેલ કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થિનીઓ, પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે પ્રબુદ્ધ નાગરિકો, વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલી ઝેન સ્કૂલમાં યુવાનો તથા મહેસાણાના કમલાબા હોલ ખાતે સહકારી આગેવાનો સાથે પણ ‘મન કી બાત’ના પ્રસારણને નિહાળવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વાવ-થરાદ જિલ્લાના ભાભર ખાતે શાંતિનગર સોસાયટી પાસે રિક્ષાચાલકો, ખેડા જિલ્લાના ડાકોર ખાતે દંડી સ્વામી આશ્રમમાં સામાજિક આગેવાનો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપૂરી નેસ ખાતે નેસ વિસ્તારના માલધારીઓ તથા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રામપર વેરાવળ ખાતે ખેડૂતો સાથે આ કાર્યક્રમમાં સહભાગીતા કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે સર્વોદય સોસાયટી વૃદ્ધાશ્રમ તથા મહુવા ખાતે ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ વૃદ્ધાશ્રમમાં વડીલો, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં યુવાનો તથા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ડાભા ગામે લાભાર્થીઓ પણ કાર્યક્રમ સાથે જોડાયા હતા.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમો દ્વારા સમાજના વિવિધ વર્ગના નાગરિકોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યા હતા. ‘મન કી બાત’ના માધ્યમથી દેશના વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા જનભાગીદારીના સકારાત્મક પ્રયાસો અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને વધુ વ્યાપક બનાવવા માટે ગુજરાત ભાજપા સંગઠન દ્વારા આ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
