<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

શતાબ્દી વર્ષમાં ઈતિહાસ રચશે ગુજરાત: ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં અમદાવાદ સત્તાવાર રીતે સ્વીકારશે ૨૦૨૬નો ધ્વજ અને હોસ્ટ બેટન

​વર્ષ ૧૯૩૦માં કેનેડાથી શરૂ થયેલી વૈશ્વિક રમતગમતની સફરના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા અવસરે ૨૦૩૦ની મેગા ટૂર્નામેન્ટની યજમાની ભારતને મળી, વૈશ્વિક ફલક પર અમદાવાદનો ભવ્ય દબદબો

​અમદાવાદ:વૈશ્વિક રમતગમત જગતમાં ભારત અને ખાસ કરીને ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ નજીક આવી રહી છે. ગ્લાસગો ખાતે યોજાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ના ભવ્ય સમાપન સમારોહ દરમિયાન અમદાવાદ સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો સત્તાવાર ધ્વજ અને 'હોસ્ટ બેટન' સ્વીકારશે. આ પ્રતિકાત્મક હસ્તાંતરણની સાથે જ વર્ષ ૨૦૩૦માં યોજાનારી આગામી કોમનવેલ્થ ગેમ્સના સત્તાવાર યજમાન તરીકે અમદાવાદની સફર અને તૈયારીઓનો વિધિવત પ્રારંભ થઈ જશે.

​સમગ્ર વિશ્વ માટે આ રમત ઉત્સવ એટલા માટે પણ ખાસ બની રહેશે કારણ કે વર્ષ ૨૦૩૦ની આ યજમાની સાથે કોમનવેલ્થ ગેમ્સ પોતાના ગૌરવશાળી ઈતિહાસના ૧૦૦ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ વૈશ્વિક મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટના શતાબ્દી વર્ષની ઉજવણીના સાક્ષી બનવાનું બહુમાન આ વખતે ભારતના મેગા સિટી અમદાવાદને મળ્યું છે. આ ભવ્ય સોંપણી બાદ અમદાવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતના નકશા પર એક નવો ઈતિહાસ અંકિત કરવા માટે સજ્જ બનશે.

​અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે રમાતી આ પ્રતિષ્ઠિત મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટની શરૂઆત સર્વપ્રથમ વર્ષ ૧૯૩૦માં કેનેડાના હેમિલ્ટન શહેરમાંથી કરવામાં આવી હતી. ત્યારથી શરૂ થયેલી આ રોમાંચક રમતયાત્રા પોતાના અસ્તિત્વના એક સૈકા બાદ એટલે કે ૨૦૩૦માં જ્યારે અમદાવાદના આંગણે પહોંચશે, ત્યારે તે ભારતીય રમતગમતના ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે લખાશે. ગ્લાસગોના મંચ પરથી મળનારી આ સત્તાવાર જવાબદારી બાદ અમદાવાદ આગામી સમયમાં વિશ્વભરના એથ્લેટ્સને આવકારવા માટે અત્યારથી જ વૈશ્વિક કક્ષાના આયોજન તરફ કદમ વધારશે.

(1:04 PM IST)