તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
નારી શક્તિની રક્ષામાં ગુજરાતનો દેશમાં ડંકો, અત્યાર સુધીમાં 7.30 લાખ કિશોરીઓને HPV રસીનું અમૃતકવચ પૂરું પાડી ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે : કેન્દ્ર સરકારે કામગીરી બિરદાવી
દીકરીઓનું સ્વાસ્થ્ય એ રાજ્ય સરકાર માટે સૌથી મોટું પુણ્યકાર્ય, કેન્દ્રએ વધુ 2.72 લાખ ડોઝ ફાળવ્યા : 14 વર્ષની વંચિત કિશોરીઓ માટે રસીકરણ અભિયાન 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવાયું, તમામ સરકારી હોસ્પિટલોમાં વેક્સિન તદ્દન મફત : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.29 : કોઈપણ રાષ્ટ્રની આશા અને સંસ્કૃતિનો આધાર તેની નારીશક્તિ પર રહેલો છે. જ્યારે વાત દીકરીઓના સ્વાસ્થ્યની આવે, ત્યારે ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી ઇતિહાસ રચ્યો છે. ગર્ભાશયના મુખના કેન્સર જેવા ગંભીર રોગ સામે દીકરીઓને આજીવન રક્ષણ આપવા શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનમાં ગુજરાતે માત્ર 3 મહિનામાં સૌ ટકા દીકરીઓનું સફળ રસીકરણ કરીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગર્ભાશયનું કેન્સર એ મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં સૌથી ચિંતાજનક રોગો પૈકીનો એક છે, પરંતુ યોગ્ય સમયે અપાયેલી રસી આ રોગને સંપૂર્ણપણે અટકાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતે આ ઝુંબેશને એક 'મહાયજ્ઞ'ની જેમ ઉપાડી હતી, જેના પરિણામે અત્યારસુધીમાં 14 વર્ષની પાત્રતા ધરાવતી અંદાજિત 7.30 લાખથી વધુ કિશોરીઓને HPV વેક્સિનેશન હેઠળ આવરી લેવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને કેન્દ્ર સરકારે 7 સપ્ટેમ્બરે રાજ્ય માટે વધુ 2.72 લાખ HPV રસીના ડોઝ ફાળવ્યા હતા. આ અભિયાનને વધુ વેગ આપવા માટે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા 'સેવા પર્વ' (તા.17 થી 26 સપ્ટેમ્બર 2026) દરમિયાન રસીકરણ ઝુંબેશનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશના પ્રથમ દિવસે જ રાજ્યની 71 હજારથી વધુ દીકરીઓનું રસીકરણ કરીને નવો વિક્રમ સર્જાયો હતો. માત્ર 10 દિવસના 'સેવા પર્વ' દરમિયાન કુલ 1.47 લાખથી વધુ કિશોરીઓને સુરક્ષાકવચ પૂરું પાડીને સરકારે નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.
રાજ્ય સરકાર માટે દીકરીના સ્વાસ્થ્યથી વધીને બીજું કોઈ પુણ્યનું કામ હોઈ ન શકે. આ પવિત્ર મહાયજ્ઞની આખરી સફળતા વાલીઓની જાગૃતિ પર જ નિર્ભર કરે છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
જે 14 વર્ષની દીકરીઓ કોઈ કારણસર રસી લેવાથી વંચિત રહી ગઈ હોય, તેમના વાલીઓએ વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. વાલીઓની સુવિધા માટે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની મુદત લંબાવીને 31 ડિસેમ્બર 2026 કરી છે. હવે રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો, જિલ્લા તથા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો અને તમામ CHC તથા PHC કેન્દ્રો પર 14 વર્ષની દરેક કિશોરી માટે આ જીવનરક્ષક રસી તદ્દન મફત ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
