News of Thursday, 9th July 2026
ગ્રીન એનર્જીમાં ગુજરાતનો દેશભરમાં ડંકો : ભારતની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં રાજ્યનો સિંહફાળો ૧૭.૮૨ ટકા થયો : સ્થાપિત ક્ષમતા ૫૦.૩૮૬ ગીગાવોટના ઐતિહાસિક શિખરે પહોંચી
ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે પૂર્વે જ અક્ષય ઊર્જા ક્ષેત્રે ગુજરાતે પ્રસ્થાપિત કરી સર્વોપરિતા : પવન ઊર્જામાં દેશભરમાં પ્રથમ અને સૌર ઊર્જામાં દ્વિતીય ક્રમ હાંસલ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ૨.૩૭ લાખ રોજગારીના સર્જન સાથે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૫ ગીગાવોટનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: દર વર્ષે ૧૦ જુલાઈએ મનાવવામાં આવતા 'ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે' એટલે કે વૈશ્વિક ઊર્જા સ્વાવલંબન દિવસ પૂર્વે જ નવીનીકરણીય ઊર્જા (રિન્યૂએબલ એનર્જી) ના ક્ષેત્રમાં ગુજરાતે દેશભરમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વર્ષ ૨૦૭૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાનું અને ૨૦૩૦ સુધીમાં દેશની ૫૦ ટકા વીજળી પરંપરાગત ઇંધણને બદલે સ્વચ્છ ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવવાનો સંકલ્પ કર્યો છે. આ રાષ્ટ્રીય લક્ષ્યને સાકાર કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સૌથી અગ્રેસર રાજ્ય સાબિત થયું છે. રાજ્યની કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતા ૫૦.૩૮૬ ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે, જે દેશની કુલ અક્ષય ઊર્જા ક્ષમતામાં સૌથી વધુ ૧૭.૮૨ ટકાનો ફાળો ધરાવે છે.
પવન અને સૌર ઊર્જામાં દેખાડ્યો દબદબો: પવન ઊર્જામાં ગુજરાત દેશમાં પ્રથમ:
ગુજરાત અક્ષય ઊર્જાના મુખ્ય બંને ઘટકો પવન અને સૌર ઊર્જામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. દેશમાં પ્રથમ વિંડ પાવર પોલિસી જાહેર કરનાર ગુજરાત આજે ૧૫,૮૫૦.૫૬ મેગાવોટ ક્ષમતા સાથે પવન ઊર્જા સ્થાપિત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે બિરાજમાન છે. પવન ઊર્જામાં સૌથી વધુ ૮,૧૯૧.૪૨ મેગાવોટનો સિંહફાળો એકલા કચ્છ જિલ્લાનો છે. આ ઉપરાંત જામનગર (૧,૯૮૬.૧૫ મેગાવોટ), દેવભૂમિ દ્વારકા (૧,૩૪૩.૨૪ મેગાવોટ), અમરેલી (૯૯૨.૯૦ મેગાવોટ), રાજકોટ (૮૬૯.૬૦ મેગાવોટ), ભાવનગર (૬૨૬.૨૦ મેગાવોટ), મોરબી (૬૧૨.૧૦ મેગાવોટ), સુરેન્દ્રનગર (૫૦૦.૬૦ મેગાવોટ) અને પાટણ (૨૦૮.convert૨૦ મેગાવોટ) જિલ્લાઓએ પણ પવન વેગે પ્રગતિ કરી છે. બીજી તરફ, સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતામાં ૩૨,૩૦૨.૭ મેગાવોટ સાથે રાજ્ય દેશમાં બીજા સ્થાને છે.
રૂફટોપ સોલારમાં દેશના કુલ ઇન્સ્ટોલેશનમાં ૨૧ ટકા હિસ્સો એકલા ગુજરાતનો:
ઘર વપરાશ અને ઉદ્યોગોમાં સોલાર પેનલ લગાવવાની બાબતમાં એટલે કે રૂફટોપ સોલાર ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્યમાં ૧૩.૪૫ લાખથી વધુ ઇન્સ્ટોલેશન દ્વારા ૭,૪૦૮.૧૦ મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, જે દેશના કુલ રૂફટોપ સોલારના ૨૧ ટકાથી વધુ છે. વર્ષ ૨૦૧૬થી રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજનાઓ અને ત્યારબાદ શરૂ થયેલી પીએમ સૂર્ય ઘર યોજનાના કારણે આ ક્ષેત્રને બૂસ્ટર ડોઝ મળ્યો છે. ખેતી ક્ષેત્રની વાત કરીએ તો, પીએમ-કુસુમ યોજના (કોમ્પોનેન્ટ-બી) હેઠળ મે ૨૦y૨૬ સુધીમાં ૨૨,૭૯૨ સ્વતંત્ર ઓફ-ગ્રીડ સોલાર વોટર પંપ સ્થાપિત કરી ૧૬૨.૬૨ મેગાવોટની ક્ષમતા ઊભી કરાઈ છે.
વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ કચ્છના ખાવડામાં આકાર લઈ રહ્યો છે:
મે ૨૦૨૬ સુધીના સત્તાવાર આંકડા અનુસાર, રાજ્યની કુલ ૩૨,૩૦૨.૭ મેગાવોટ સૌર ક્ષમતામાં ૨૩,૨૫૯.૨૭ મેગાવોટ ગ્રાઉન્ડ-માઉન્ટેડ પ્રોજેક્ટ્સ, ૧,૪૩૪.૬૬ મેગાવોટ હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ તથા ૨૦૦.૪૮ મેગાવોટ ઓફ-ગ્રીડ સિસ્ટમનો સમાવેશ થાય છે. રાજ્યના મુખ્ય સોલાર પાર્કમાં ચારણકા (૭૪૯ મેગાવોટ), રાધાનેસડા (૭૦૦ મેગાવોટ) અને ધોલેરા (૩૦૦ મેગાવોટ) કાર્યરત છે. જ્યારે કચ્છનો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક ૩૭.૩૫ ગીગાવોટની આયોજિત ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ બની રહ્યો છે, જ્યાં મે ૨૦૨૬ સુધીમાં જ ૧૫.૫૪ ગીગાવોટ ક્ષમતા નોંધાઈ ચૂકી છે.
સુદ્રઢ સરકારી નીતિઓ અને 'અક્ષય ઊર્જા સેતુ' પોર્ટલ બન્યા આશીર્વાદરૂપ:
ગુજરાતની આ વૈશ્વિક સફળતા પાછળ રાજ્ય સરકારની ૧૯૯૩ની પ્રથમ વિંડ પોલિસીથી લઈને ૨૦૦૯, ૨૦૧૫, ૨૦૨૧ની સૌર ઊર્જા નીતિઓ, ૨૦૧૬ની વેસ્ટ-ટુ-એનર્જી અને ૨૦૧૮ની હાઇબ્રિડ પોલિસીઓનું મોટું પ્રદાન છે. હાલમાં ૨૪ ડિસેમ્બર ૨૦૨૫થી ૩૧ ડિસેમ્બર ૨૦૩૦ સુધી અમલમાં રહેનારી 'ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025' અને ૨૦૨૩ની નીતિ દ્વારા ક્ષમતાની મર્યાદાઓ હટાવીને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS), જૂના પવન પ્રોજેક્ટ્સનું રીપાવરિંગ, વર્ચ્યુઅલ નેટ મીટરિંગ અને ગ્રીન જોબ્સને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આ ઉપરાંત 'અક્ષય ઊર્જા સેતુ' ઓનલાઈન પોર્ટલ દ્વારા ગ્રીડ કનેક્ટિવિટી અત્યંત સરળ અને પારદર્શક બનાવાતા પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થઈ રહ્યા છે. આ સમગ્ર વિકાસથી રાજ્યમાં અંદાજે ૨.૩૭ લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ ગ્રીન રોજગારીનું સર્જન થયું છે.
ભવિષ્યનો મહાપ્લાન: ૨૦૩૦ સુધીમાં ૧૦૫ ગીગાવોટનો લક્ષ્યાંક:
ગુજરાત નવીનીકરણીય ઊર્જાના ભવિષ્ય તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. મે ૨૦૨૬ની સ્થિતિએ રાજ્યમાં કુલ ૧,૫૩૧ જેટલા નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે, જેમાં ૧,૩૨૦ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ (૩.૩૭૭ ગીગાવોટ), ૧૧૫ પવન ઊર્જા પ્રોજેક્ટ્સ (૩.૯૧૩ ગીગાવોટ) અને ૯૬ હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ (૪.૮૬૯ ગીગાવોટ) સામેલ છે. ગાંધીનગરમાં યોજાયેલી RE-INVEST 2024 કોન્ફરન્સ દરમિયાન ગુજરાતે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૫ ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો અત્યંત મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંક પૂર્ણ થતાં જ ભારતની ૫૦૦ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાના રાષ્ટ્રીય સંકલ્પમાં એકલું ગુજરાત ૨૦ ટકા જેટલો જંગી ફાળો આપીને વિશ્વ સમક્ષ ગ્રીન એનર્જીનું મોડેલ પૂરું પાડશે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
