<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

દેશભરમાં રોકાણ માટે ગુજરાત સૌથી અગ્રેસર અને મોખરાનું રાજ્ય : નીતિ આયોગના પ્રથમ ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં મેળવ્યું ગૌરવપૂર્ણ પ્રથમ સ્થાન

૫૬.૬ના સર્વોચ્ચ સ્કોર સાથે મહારાષ્ટ્ર અને તમિલનાડુને પાછળ છોડી મેળવી ઐતિહાસિક સિદ્ધિ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસની ક્ષિતિજો સર કરતું રાજ્ય

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @2047’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતે રોકાણ અને ઔદ્યોગિક મોરચે એક સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નીતિ આયોગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા દેશના સૌપ્રથમ ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં ગુજરાતે ૫૬.૬ના સર્વોચ્ચ સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. દેશના ૧૭ અગ્રણી રાજ્યોના વિસ્તૃત મૂલ્યાંકનમાં ગુજરાતે મહારાષ્ટ્ર (૫૩.૭) અને તમિલનાડુ (૫૩.૩) જેવા ઔદ્યોગિક રાજ્યોને પછાડીને ભારતનું સૌથી 'ઇન્વેસ્ટમેન્ટ-ફ્રેન્ડલી' રાજ્ય હોવાનું બહુમાન મેળવ્યું છે.

 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં રાજ્ય સરકારની સુદ્રઢ ઉદ્યોગલક્ષી નીતિઓ, પારદર્શક વહીવટી માળખું અને વ્યવસાયિક સુધારાઓને આ આંકડા દ્વારા રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ માન્યતા મળી છે. નીતિ આયોગનો આ સર્વે કુલ ૮૪ ઝીણવટભર્યા સૂચકાંકો અને ૮ મુખ્ય વૈચારિક સ્તંભોના આધારે રાજ્યોનું સચોટ મૂલ્યાંકન કરે છે.

 

સિંગલ-વિન્ડો ક્લિયરન્સ અને પ્રભાવશાળી શ્રમ વાતાવરણ:

નીતિ આયોગના અહેવાલમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે ગુજરાતની નીતિગત સ્થિરતા અને વેપાર-ઉદ્યોગ માટેનું સાનુકૂળ વાતાવરણ વૈશ્વિક રોકાણકારોને આકર્ષવામાં મુખ્ય ચાવીરૂપ સાબિત થયું છે. રાજ્યનું iNDEXTb (ઇન્ડસ્ટ્રિઅલ એક્સટેન્શન બ્યૂરો) રોકાણકારોને સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સાથે એન્ડ-ટુ-એન્ડ પાયાની તમામ સહાય પૂરી પાડે છે, જેથી ઉદ્યોગ સ્થાપવાની પ્રક્રિયા અત્યંત ઝડપી, સરળ અને ભ્રષ્ટાચારમુક્ત બની છે. ઉદ્યોગોને જરૂરી NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) પણ સમયસર અને વાજબી ખર્ચે મળી રહે તેવી ઓનલાઇન પારદર્શક સિસ્ટમ કાર્યરત છે. તદુપરાંત, આવશ્યક સેવાઓમાં હડતાલ પરના કાયદાકીય પ્રતિબંધને કારણે ગુજરાતમાં શ્રમ વિક્ષેપ (લેબર ડિસરપ્શન)ની સમસ્યા નહિવત્ છે, જે ઉદ્યોગપતિઓને અત્યંત સુરક્ષિત અને સ્થિર વાતાવરણ પૂરું પાડે છે.

 

પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ અને વૈશ્વિક કનેક્ટિવિટી:

ગુજરાતનું અદ્યતન ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણકારોની પ્રથમ પસંદગી રહ્યું છે. ધોલેરા SIR, GIFT City, સાણંદ, દહેજ, ઝઘડિયા અને સાયખા જેવા આધુનિક ઔદ્યોગિક ક્લસ્ટર્સ ઉદ્યોગપતિઓને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ પ્રદાન કરે છે, જેથી ઉદ્યોગોની સ્થાપના અને તેનું સંચાલન ત્વરિત શરૂ કરી શકાય છે. આ જ મજબૂત ઇકોસિસ્ટમના કારણે રાજ્યની દ્વિવાર્ષિક 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' દેશ-વિદેશના અબજોપતિ રોકાણકારોને આકર્ષવામાં વૈશ્વિક ફલક પર સફળ રહી છે.

 

લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીના મામલે પણ ગુજરાત મોખરે છે. દેશના કુલ સ્ટેટ હાઇવે નેટવર્કનો આશરે ૧૦ ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ચાર ગણો વધારે છે. આ સિવાય, ભારતમાં રાષ્ટ્રીય એક્સપ્રેસવેની સૌથી વધુ લંબાઈ (અંદાજે ૬૩૫ કિમી) ગુજરાતમાં છે, અને દેશના કુલ રેલ્વે નેટવર્કનો ૭ ટકા ભાગ પણ રાજ્યમાં ધબકે છે, જેનાથી સપ્લાય ચેઇન ખૂબ જ મજબૂત બની છે.

 

ઉદ્યોગો માટે ૨૯ ટકા સસ્તી વીજળી અને અવિરત પાવર સપ્લાય:

ઔદ્યોગિક ક્રાંતિ માટે ઉર્જા ક્ષેત્રે ગુજરાતે પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળીની કિંમત રાષ્ટ્રીય સરેરાશ કરતાં આશરે ૨૯ ટકા જેટલી સસ્તી છે. વીજ દરો પરવડે તેવા હોવાની સાથે-સાથે રાજ્યમાં ઉદ્યોગોને સરેરાશ દરરોજ ૨૩.૮ કલાક અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે છે, જે ભારતના અન્ય મોટા રાજ્યોની સરેરાશ સરખામણીએ ઘણી વધારે છે.

 

દેશની કુલ નિકાસમાં ૩૧ ટકા સિંહફાળો અને મજબૂત નાણાકીય શિસ્ત:

આર્થિક મોરચે ગુજરાતે પોતાના પાયા અત્યંત મજબૂત રાખ્યા છે. ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં એકલા ગુજરાત રાજ્યનું યોગદાન ૩૧ ટકા જેટલું મોટું છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૪ દરમિયાન ગુજરાતનો GSDP વૃદ્ધિ દર સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. રાજ્યમાં પ્રતિ વ્યક્તિ GSDP ₹૨,૬૪,૨૩૨ નોંધાયો છે, જે અન્ય મોટા રાજ્યોની સરેરાશ કરતા ૬૭ ટકા વધુ છે. તે જ રીતે, એમએસએમઇ (MSME) ક્ષેત્રમાં માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે, જે આંતરિક ઔદ્યોગિક માળખાને ગતિશીલ રાખે છે.

 

નાણાકીય વ્યવસ્થાપનમાં પણ અનુકરણીય શિસ્ત દાખવીને નાણાકીય વર્ષ ૨૦૨૪માં રાજ્યની રાજકોષીય ખાધ GSDPના માત્ર ૨.૮૧ ટકા રાખવામાં સફળતા મળી છે, જે તમામ રાજ્યોમાં સૌથી ઓછી છે. જ્યારે રાજ્યની કુલ દેવાદારી GSDPના આશરે ૧૮ ટકા જ છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં આશરે ૪૦ ટકા જેટલી ઓછી હોવાથી લાંબા ગાળાની આર્થિક સ્થિરતા દર્શાવે છે.

 

નવીનતાના પાયા સમાન ૬૧૪ અટલ ટિંકરિંગ લેબ્સ:

નવા યુગના સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં પણ ગુજરાત સદા તત્પર રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૬૧૪ અટલ ટિંકરિંગ લેબ્સ (ATLs) ની સ્થાપના કરીને શિક્ષણ અને સંશોધનનો સંગમ કરાયો છે. પ્રતિ એક લાખની વસ્તી દીઠ ૧.૨૪ અટલ ટિંકરિંગ લેબ્સ સાથે ગુજરાત મોટા રાજ્યોની સરેરાશ કરતાં આશરે ૧૯ ટકા આગળ છે, જે આગામી પેઢીને ઉદ્યોગસાહસિકતા તરફ વાળવા માટે ભવિષ્યનો એક અદભુત પાયો પૂરો પાડે છે.

(1:04 PM IST)