તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
હેલ્મેટના કડક અમલ અંગે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ: સરકાર અને પોલીસ તંત્રની ઝાટકણી કાઢી આપી આકરી તાકીદ
બીજા રાજ્યોમાં બેય સવારો માટે હેલ્મેટ ફરજિયાત તો ગુજરાતમાં કેમ નહીં? ડ્રાઇવિંગ કરતી વખતે વીડિયો કોલ અને ભારે વાહનોના ત્રાસ સામે કોર્ટે ઉઠાવ્યા વેધક સવાલો

અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે કથળતી જતી ટ્રાફિક વ્યવસ્થા અને સતત વધતા જીવલેણ અકસ્માતો અંગે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતી વખતે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે અત્યંત કડક અને આકરું વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસની બેન્ચે દ્વિચક્રી વાહનચાલક તેમજ પાછળ બેસનાર સહ-સવાર (પીલિયન રાઇડર) બંને માટે હેલ્મેટનો નિયમ કોઈપણ જાતના અપવાદ વિના સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અને સખત રીતે અમલી બનાવવાની સત્તાવાર તાકીદ કરી છે.
સુનાવણી દરમિયાન અદાલતે પોલીસ તંત્રની ઢીલી નીતિ અને કામગીરી સામે આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, "દેશના અન્ય તમામ રાજ્યોમાં વાહનચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત હોય, તો ગુજરાત આમાંથી બાકાત કેમ રહી શકે?" અદાલતે ટિપ્પણી કરી હતી કે બહારના રાજ્યોમાંથી આવતા લોકો ગુજરાતના રસ્તાઓ પર વિના હેલ્મેટે બિન્દાસ ફરતા વાહનચાલકોને જોઈને અચરજ પામે છે. રાજ્યમાં કાયદો અસ્તિત્વમાં હોવા છતાં તેનો અમલ કરાવવામાં પોલીસ તંત્ર તદ્દન વામણું પુરવાર થઈ રહ્યું છે અને આ નિયમો માત્ર થોડા દિવસોની ઝુંબેશ પૂરતા જ કાગળ પર રહી જાય છે. હેલ્મેટ એ દંડથી બચવાનું સાધન નથી પરંતુ માનવજીવનની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે.
હાઇકોર્ટે શહેરી વિસ્તારોના મુખ્ય માર્ગો પર દિવસ દરમિયાન બેફામપણે દોડતાં તોતિંગ ડમ્પરો અને સિમેન્ટ મિક્સર ટ્રકોના ત્રાસ સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. માર્ગો પર થતા કરુણ અકસ્માતો અંગે ઊંડી ચિંતા દર્શાવતા કોર્ટે નોંધ્યું હતું કે અકસ્માત સર્જાયા બાદ ઓળખ ન થઈ શકે તે હેતુથી આવા ભારે વાહનોની નંબર પ્લેટ જાણીબુઝીને માટી કે કાદવથી ઢાંકેલી રાખવામાં આવે છે, જેની સામે પોલીસે આકરાં પગલાં લેવા અનિવાર્ય છે.
આ ઉપરાંત, વાહન હંકારી રહ્યા હોય ત્યારે મોબાઇલ ફોનના બેફામ ઉપયોગ અંગે અદાલતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું કે રસ્તાઓ પર દર બીજો વાહનચાલક ફોન પર વાત કરતો નજરે પડે છે. હવે તો સ્થિતિ એટલી હદે વણસી છે કે લોકો વાહન ચલાવતી વખતે વીડિયો કોલ કરે છે અને ડેશબોર્ડ પર ફોન ગોઠવીને મૂવીઝ જુએ છે. આવી જીવલેણ બેદરકારી માત્ર પોતાના માટે જ નહીં પરંતુ રસ્તા પર જતાં અન્ય નિર્દોષ નાગરિકોના જીવ માટે પણ મોટું જોખમ ઊભું કરે છે.
બીજી તરફ, રાજ્ય સરકારે સુનાવણી દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે લેવાયેલા વિવિધ પગલાંઓની વિગતો અદાલત સમક્ષ રજૂ કરી હતી. સરકારે જણાવ્યું કે રાજ્યમાં હાલ ૬૫૦ નવા ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનો તહેનાત કરી દેવાયા છે અને ટૂંક સમયમાં વધુ ૩,૨૬૧ જવાનોની ભરતી કરવામાં આવશે. અમદાવાદ શહેરને પાઇલટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરીને SVNIT સુરત સાથે સંકલન સાધીને ટ્રાફિક હોટસ્પોટ્સ અને બોટલનેક વિસ્તારો અંગે વૈજ્ઞાનિક સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
