તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપના સાંસદ રાજેશભાઈ પરમાનંદભાઈની ચૂંટણી રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં ઈલેક્શન પીટિશન : નોટિસ ઈશ્યુ કરાઈ
એફિડેવિટમાં પડતર ફોજદારી કેસની માહિતી છુપાવી ગંભીર ગુનો કર્યાનો આક્ષેપ : કોંગ્રેસ નેતા તુષારભાઈ ચૌધરીની અરજી પર જસ્ટિસ એસ.વી. પિન્ટોની કોર્ટે સમન્સ પાઠવ્યા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: તાજેતરમાં રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપના સાંસદ રાજેશભાઈ પરમાનંદભાઈની ચૂંટણીને પડકારતી ઈલેક્શન પીટિશન ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે સુનાવણી હાથ ધરતાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ.વી. પિન્ટો દ્વારા રાજેશભાઈને સમન્સ (નોટિસ) ઈશ્યુ કરવામાં આવી છે.
કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી દ્વારા હાઈકોર્ટમાં આ પીટિશન દાખલ કરવામાં આવી છે. પીટિશનમાં રજૂ કરાયેલી વિગતો અનુસાર, ભાજપના ઉમેદવાર રાજેશભાઈએ રાજ્યસભા ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર સાથેની એફિડેવિટમાં પોતાની સામે કોઈ ફોજદારી કેસ પડતર ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ હકીકતમાં તેમની સામે ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ ગંભીર ગુનાઓ અંગેનો કેસ નોંધાયેલો છે.
વધુમાં, આ ગુનાઓ નોંધાયા બાદ તેઓને અદાલતમાંથી સમન્સ પણ મળેલા છે. આ ફરિયાદ રદ કરાવવા માટે તેઓએ હાઈકોર્ટમાં ક્વોશિંગ પીટિશન પણ દાખલ કરી હતી, જેમાં કોર્ટ તરફથી કોઈ સ્ટે પણ મળ્યો નથી. આમ, પોતાની સામેના કેસ અંગે સંપૂર્ણ જાણકારી હોવા છતાં રાજેશભાઈએ એફિડેવિટમાં ફોજદારી ગુનાની વિગતો છુપાવી હતી, જે અત્યંત ગંભીર બાબત છે. આ બાબતને આધારે પીટિશનમાં તેમની રાજ્યસભાની ચૂંટણી રદ કરવા માંગણી કરવામાં આવી છે.
અદાલતમાં પીટિશનર તુષારભાઈ ચૌધરી વતી ધારદાર દલીલો વકીલ શક્તિસિંહ ગોહિલ તથા ચિંતનભાઈ ચાંપાનેરી દ્વારા કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈ હાઈકોર્ટે સામાવાળા સાંસદને નોટિસ ફટકારી જવાબ તલબ કર્યો છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
