<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

મહેસાણા ચૂંટણી હિંસા કેસમાં કોંગ્રેસ ઉમેદવારના પતિને ગુજરાત હાઈકોર્ટે આપ્યા નિયમિત જામીન

ભાજપના ઉમેદવારના ભત્રીજાની હત્યાના ગુનામાં અરજદારની ભૂમિકા માત્ર બોલાચાલી અને ગાળાગાળી પૂરતી મર્યાદિત હોવાનું કોર્ટનું અવલોકન : અરજદાર પાસેથી કોઈ ઘાતક હથિયાર મળ્યું ન હોવાથી અને પોતે પણ ગંભીર રીતે ઘાયલ હોવાથી હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા

અમદાવાદ : મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારના ભત્રીજાની થયેલી હત્યાના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના ઉમેદવારના પતિને નિયમિત જામીન પર મુક્ત કરવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. જસ્ટિસ હસમુખ ડી સુથારે કેસની પ્રાથમિક વિગતો અને તપાસના કાગળોને ધ્યાનમાં રાખીને નોંધ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં અરજદારની ભૂમિકા માત્ર મૃતક અને અન્ય લોકો સાથે ઝઘડો કરવા તથા ગાળાગાળી કરવા પૂરતી જ મર્યાદિત જણાય છે. અરજદાર પાસે કોઈ જીવલેણ હથિયાર ન હોવાનું અને તેણે મૃતકને કોઈ ગંભીર ઈજા પહોંચાડી ન હોવાનું સામે આવતા અદાલતે તેમની નિયમિત જામીન અરજી મંજૂર કરી છે.

આ કેસની વિગતો મુજબ, મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારની ચૂંટણીમાં અરજદારના પત્ની કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવાર હતા, જ્યારે ફરિયાદીના કાકા ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન ફરિયાદીના કાકાનો પુત્ર હર્ષ રામજીભાઈ ચૌધરી મહેસાણા તાવડીયા ચોકડી રોડ પાસે ઉભો હતો. તે સમયે ઈનોવા અને બોલેરો કારમાં આવેલા આરોપીઓ પૈકી ચાર શખ્સો નીચે ઉભા હતા અને અન્યો કારમાં બેઠા હતા. અરજદારે હર્ષને ત્યાં કેમ ઉભો છે તેમ પૂછીને બોલાચાલી અને ગાળાગાળી શરૂ કરી હતી. દરમિયાન મયુર નામના આરોપીએ હર્ષને લાફો મારી દેતા ફરિયાદી અને મૃતક મિતેન ત્યાં દોડી આવ્યા હતા. આ સમયે ઉશ્કેરાયેલા આરોપી ધવલ ચૌધરીએ મિતેનના માથામાં હુમલો કર્યો હતો અને આરોપી યશે છરી વડે મિતેનની પીઠના ભાગે ઘા ઝીંક્યા હતા. ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો હતો કે અરજદાર સહિત ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને યશ ચૌધરીએ મિતેનને શરીર, હાથ અને પગના ભાગે હથિયારો વડે માર મારતા ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું. આ મામલે હત્યા, રાયોટિંગ, ગેરકાયદેસર મંડળી અને જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે ફરિયાદ પક્ષના કેસ મુજબ પણ અરજદાર પાસે કોઈ ઘાતક હથિયાર મળી આવ્યું નથી. તપાસ અધિકારીના સોગંદનામા અને તપાસના કાગળો પરથી સ્પષ્ટ થાય છે કે અરજદાર માત્ર ફરિયાદી અને અન્ય લોકો સાથે ઝઘડો અને ગાળાગાળી કરી રહ્યા હતા અને તેમણે મૃતકને કોઈ ઈજા પહોંચાડી નથી. ઘટનાના ચાર દિવસ બાદ લેવાયેલા એક સાક્ષીના નિવેદનમાં અરજદારે મૃતકને લાત અને મુક્કા માર્યા હોવાનું જણાવાયું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ નોટ આ વાતને સમર્થન આપતી નથી કારણ કે મૃત્યુનું કારણ શરીરના મહત્વના અંગ પર થયેલી ગંભીર ઈજા છે.

વધુમાં, 5 મે 2026 ના રોજ પંચનામું કરીને એકત્ર કરાયેલા વિડીયો ફૂટેજમાં પણ અરજદાર માત્ર સાક્ષી હર્ષ સાથે ઝઘડો કરતા જોવા મળે છે. કોર્ટે એ બાબતની પણ નોંધ લીધી હતી કે આ ઘટનામાં અરજદાર પોતે પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને પ્રથમ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને હાલ પણ તેમની સારવાર ચાલી રહી છે. મૃતક પર જીવલેણ હુમલો કરવાનો મુખ્ય આરોપ અરજદારના પુત્ર અને ભત્રીજા સામે છે. અરજદાર પાસેથી હવે કંઈ રિકવર કે ડિસ્કવર કરવાનું બાકી રહેતું નથી અને અગાઉના એક ગુનામાં પણ તેઓ નિર્દોષ છૂટી ચૂક્યા છે. આ તમામ સંજોગો અને આરોપોની ગંભીરતાને ધ્યાને લઈ હાઈકોર્ટે અરજદારને નિયમિત જામીન આપવાનો હુકમ કર્યો છે.

(11:47 AM IST)