તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
ગુજરાતમાં મોસમી વરસાદનો ૨૮.૭૮ ટકા કોટો ભરાયો : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૨ જિલ્લાના ૧૬૫ તાલુકાઓમાં મેઘમહેર : વલસાડના પારડીમાં સૌથી વધુ ૮.૧૯ ઇંચ અને નવસારીના ખેરગામમાં ૭.૯૫ ઇંચ વરસાદ ખાબક્યો : રાજ્યના ૬ જળાશયો ઓવરફ્લો થતાં હાઇ એલર્ટ જાહેર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૨૨૪ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ : સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૭.૭૭ ટકા જળસંચય : રાજ્યમાં ખરીફ ઋતુનું વાવેતર પ૯.૫૯ ટકા નોંધાયું : NDRF અને SDRF ની ૩૫ ટુકડીઓ રાહત-બચાવ કામગીરી માટે રાજ્યમાં તૈનાત

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસુ ૨૦૨૬ ની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ ૨૮.૭૮ ટકા એટલે કે ૨૬૧.૫૯ મિલીમીટર (૧૦.૩૦ ઇંચ) વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા ૩૦ વર્ષના સરેરાશ ૯૦૯ મિલીમીટર વરસાદની સરખામણીએ રાજ્યના જુદા જુદા ઝોનમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૪૩.૩૬ ટકા (૬૬૮.૬૫ મિલીમીટર) નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ૩૦.૨૫ ટકા (૨૩૦.૫૮ મિલીમીટર), પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૯.૬૯ ટકા (૧૬૧.૨૪ મિલીમીટર), ઉત્તર ગુજરાતમાં ૧૪.૬૬ ટકા (૧૦૭.૦૫ મિલીમીટર) અને કચ્છ ઝોનમાં ૩.૪૨ ટકા (૧૭.૧૦ મિલીમીટર) વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ ૨૫૨ તાલુકાઓમાંથી ૧૬ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ (૧૦૦૦ મિલીમીટરથી વધુ) વરસાદ વરસી ચૂક્યો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૨ જિલ્લાના ૧૬૫ તાલુકાઓમાં સરેરાશ ૧૪.૨૫ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધામા નાખ્યા છે, જેમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં સૌથી વધુ ૮.૧૯ ઇંચ (૨૦૮ મિલીમીટર) અને નવસારી જિલ્લાના ખેરગામમાં ૭.૯૫ ઇંચ (૨૦૨ મિલીમીટર) વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત વલસાડના નાનાપોંઢામાં ૭.૧૭ ઇંચ, વાપીમાં ૭.૧૭ ઇંચ અને વલસાડ તાલુકામાં ૭.૦૫ ઇંચ વરસાદ પડ્યો છે. આજના દિવસ દરમિયાન સવારે ૦૬:૦૦ થી સાંજે ૧૬:૦૦ કલાક સુધીમાં નવસારીના વાંસદામાં ૪.૫૭ ઇંચ, ચીખલીમાં ૩.૯ ઇંચ, ડાંગના વઘઈમાં ૩.૩૯ ઇંચ, નવસારીમાં ૩.૧૯ ઇંચ અને ગણદેવીમાં ૩.૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં વિપુલ પ્રમાણમાં નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યની મુખ્ય જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં ૨,૨૬,૪૦૨ એમસીએફટી સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના ૬૭.૭૭ ટકા જેટલો છે. આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના ૪૦.૯૦ ટકા (૨,૨૮,૧૮૪ એમસીએફટી) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના ૬ ડેમ ૧૦૦ ટકા ભરાઈને ઓવરફ્લો થયા છે. જેમાં અમરેલીનો ધાતરવડી અને સુરજવડી, ભવનાગરનો રોજકી અને શેત્રુંજી, સુરેન્દ્રનગરનો વાંસલ અને તાપીનો દોસવાડા ડેમ પૂર્ણ ભરાતાં હાઇ એલર્ટ પર મૂકાયા છે. આ સિવાય અન્ય ૬ ડેમ હાઇ એલર્ટ, ૨ ડેમ એલર્ટ અને ૧૩ ડેમ વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.
વરસાદી સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા માટે NDRF ની ૧૧ ટુકડીઓ અને SDRF ની ૨૪ પ્લાટૂન મળી કુલ ૩૫ ટીમો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે NDRF ની ૩ અને SDRF ની ૯ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યના ૧૧ જિલ્લાઓમાંથી કુલ ૮,૩૨૪ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાંથી સુરત જિલ્લામાંથી સૌથી વધુ ૪,૬૮૩ અને નવસારીમાંથી ૨,૧૧૩ લોકોનું સ્થળાંતર કરાયું છે. હાલમાં ૩,૭૧૧ લોકો રેસ્ક્યુ શેલ્ટરમાં આશ્રય લઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ૨૧ જુલાઈથી ૨૪ જુલાઈ ૨૦૨૬ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
વરસાદ અને ભરાયેલા પાણીના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વાહનવ્યવહાર માટે કુલ ૨૨૪ રસ્તાઓ બંધ થયા છે. બંધ થયેલા રસ્તાઓમાં ૧ સ્ટેટ હાઇવે (ખેડા જિલ્લામાં), ૧ અન્ય માર્ગ અને ૨૨૨ પંચાયત હસ્તકના રસ્તાઓનો સમાવેશ થાય છે. જિલ્લાવાર વિગત જોઈએ તો નવસારીના ૧૧૦, તાપીના ૮૧, સુરતના ૧૧ અને વલસાડના ૪ પંચાયત માર્ગો બંધ થયા છે. બીજી તરફ, વીજ પુરવઠાની વાત કરીએ તો અસરગ્રસ્ત થયેલા તમામ ૩,૪૦૨ ગામડાઓનો વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. કુલ ૭,૧૩૧ ફીડરોમાંથી ૭,૧૨૦ પૂર્વવત કરાયા છે જ્યારે ૧૧ ફીડર સમારકામ હેઠળ છે.
કૃષિ ક્ષેત્રની વિગતો મુજબ, રાજ્યમાં સામાન્ય વાવેતર વિસ્તાર ૮૫,૩૦,૮૦૩ હેક્ટરની સામે ૨૦ જુલાઈ ૨૦૨૬ સુધીમાં ૫૦,૮૩,૦૭૯ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે, જે સરેરાશ ૫૯.૫૯ ટકા જેટલું થાય છે. જેમાં સૌથી વધુ વાવેતર મગફળીનું ૧૬,૪૮,૧૧૫ હેક્ટર (૮૬.૦૫ ટકા) અને કપાસનું ૧૮,૭૫,૮૪૪ હેક્ટર (૭૮.૭૧ ટકા) વિસ્તારમાં થયું છે. આ સિવાય ડાંગર ૨૫.૩૮ ટકા, મકાઈ ૭૭.૫૦ ટકા, તુવેર ૫૩.૨૩ ટકા અને સોયાબીન ૮૮.૪૦ ટકા વિસ્તારમાં વવાઈ ચૂક્યા છે. મોસમ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
