<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q-2026) ના પ્રથમ સપ્તાહના ૮,૮૭૦ વિજેતાઓ જાહેર : તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાએથી ઉમેદવારો પસંદ કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો પ્રારંભ : આઠ સપ્તાહની સ્પર્ધા બાદ યોજાશે ગ્રાન્ડ ફાઈનલ : ૧૧.૭૪ કરોડથી વધુની ઈનામી રકમ DBT મારફતે ચૂકવાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી 'ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q-2026)' ના પ્રથમ સપ્તાહમાં ઉત્સાહભેર ભાગ લેનારા વિવિધ વર્ગના ૮,૮૭૦ વિજેતાઓની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. જ્ઞાન, જિજ્ઞાસા અને રાજ્ય તથા દેશના વિકાસ વિશેની જાણકારીને પ્રોત્સાહન આપતી આ ઓનલાઈન ક્વિઝમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં જોડાણ કરી રહ્યા છે.

આ ક્વિઝનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યો હતો. ક્વિઝનું પ્રથમ સપ્તાહ ૨૫ સપ્ટેમ્બરે પૂર્ણ થયું હતું, જેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

વિવિધ કેટેગરીમાં જાહેર કરાયેલા વિજેતાઓની વિગત:
 * શાળા કેટેગરી (ધોરણ ૯ થી ૧૨): ૨૬૫ તાલુકામાંથી ૧૦-૧૦ મુજબ ૨,૬૫૦ વિજેતાઓ અને ૧૭ મહાનગરપાલિકાઓમાંથી ૩૦-૩૦ મુજબ ૫૧૦ વિજેતાઓ જાહેર કરાયા છે.
 * કોલેજ કેટેગરી: ૨૬૫ તાલુકામાંથી ૨,૬૫૦ વિજેતાઓ અને ૧૭ મહાનગરપાલિકાઓમાંથી ૫૧૦ વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે.
 * નાગરિક કેટેગરી: ૩૪ જિલ્લાઓમાંથી ૫૦-૫૦ મુજબ ૧,૭૦૦ વિજેતાઓ તથા ૧૭ મહાનગરપાલિકાઓમાંથી ૫૦-૫૦ મુજબ ૮૫૦ વિજેતાઓ પસંદ કરાયા છે.

પ્રધાનમંત્રીની સેવા યાત્રા અને 'વિકસિત ભારત @ ૨૦૨૭' મુખ્ય વિષય:
G3Q-2026નો મુખ્ય વિષય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની નેતૃત્વ અને સેવા યાત્રા તેમજ 'વિકસિત ભારત @ ૨૦૪૭'નું વિઝન રાખવામાં આવ્યો છે. આ માધ્યમથી નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ, શિક્ષણ, જાહેર સેવા અને ગુજરાત તથા દેશના વિકાસના વિવિધ પાસાઓ અંગે માહિતી મેળવવાની તક મળી રહી છે.

આઠ સપ્તાહ ચાલશે સ્પર્ધા:
કુલ આઠ સપ્તાહ સુધી તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા યોજાયા બાદ જિલ્લા અને રાજ્ય સ્તરે ગ્રાન્ડ ફાઈનલનું આયોજન થશે. સમગ્ર ક્વિઝ માટે ૧૧.૭૪ કરોડ રૂપિયાથી વધુની ઈનામી રકમ રાખવામાં આવી છે, જે ૭૦,૦૦૦થી વધુ વિજેતાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધા બેંક ખાતામાં જમા કરાશે.

બીજા સપ્તાહનો પ્રારંભ:
શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ નાગરિકો અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ ભાગ લેવા અનુરોધ કર્યો છે. ક્વિઝનું બીજું સપ્તાહ ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાશે અને તેના વિજેતાઓની જાહેરાત ૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કરાશે. વિજેતાઓની યાદી અને વિગતવાર માહિતી સત્તાવાર પોર્ટલ www.g3q.ai અથવા quiz.g3q.ai પરથી મેળવી શકાશે.

(5:47 PM IST)