<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

ગુજરાત સરકારની દિવાળી ભેટ: ૬૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો અને મહિલાઓ સહિત ૧૪૩ કેદીઓને મળશે ૧૫ દિવસના પેરોલ

પરિવાર સાથે તહેવાર ઉજવવાની તક આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય, વર્ષ ૨૦૦૩થી ચાલી આવતી પરંપરા અંતર્ગત મળી રાહત

ગાંધીનગર:ગુજરાત સરકાર દ્વારા કેદી કલ્યાણ પ્રવૃત્તિઓ અને જેલ સુધારણા યોજનાના ભાગરૂપે દિવાળી પર્વ નિમિત્તે કેદીઓને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવાની સોનેરી તક આપવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની વિવિધ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા કુલ ૧૪૩ કેદીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ૧૫ દિવસના વિશેષ દિવાળી પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે, જેના કારણે કેદીઓના પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દિવાળીના પાવન અવસર પર કેદીઓને પરિવાર સાથે સમય વિતાવવા માટે ૧૫ દિવસની પેરોલ રજા મંજૂર કરવાની ઉત્તમ પરંપરા જાળવવામાં આવે છે. આ ખાસ નીતિ અન્વયે પાત્રતા ધરાવતા મહિલા કેદીઓ તેમજ ૬૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ પુરુષ કેદીઓને પણ આવરી લેવામાં આવ્યા છે, જેથી તેઓ જેલની ચાર દિવાલોથી બહાર આવીને પોતાના સ્વજનો સાથે આનંદપૂર્વક દિવાળીના તહેવારોની ઉજવણી કરી શકે.

સરકારની આ માનવતાવાદી પહેલથી કેદીઓમાં સુધારણાની ભાવના મજબૂત બને છે અને સામાજિક જીવનમાં પુનઃ જોડાવા માટે તેમને પ્રોત્સાહન પણ મળે છે. લાંબા સમયથી જેલમાં રહેલા કેદીઓ પોતાના પરિવારના સભ્યોને મળવા માટે ઉત્સુક હોય છે અને આ પેરોલ રજા તેમના માનસિક સ્વાસ્થ્ય તથા પારિવારિક સંબંધોને સુધારવામાં પણ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

આગામી સમયમાં જેલ પ્રશાસન દ્વારા તમામ પેરોલ પર છૂટેલા કેદીઓની નિયમિત હાજરી અને શિસ્તબદ્ધતા પર કડક નજર રાખવામાં આવશે, જેથી પેરોલની મુખ્ત મુદત પૂરી થયા બાદ તમામ કેદીઓ સમયસર જેલમાં પરત ફરે. તેમજ કેદીઓની સકારાત્મક પુનર્વસન પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે આગામી દિવસોમાં પણ આવી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

(1:22 PM IST)