તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે ગુજરાત સરકારની નર્સિંગ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલ : 8 સુપર-સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સથી તૈયાર થશે નિષ્ણાત નર્સો
રાજ્યની સરકારી નર્સિંગ કોલેજોમાં ક્રિટિકલ કેર, ઓન્કોલોજી, કાર્ડિયોલોજીથી લઈને નિયોનેટલ સુધીના એક વર્ષના પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સ શરૂ, દર્દીઓને મળશે વૈશ્વિક કક્ષાની સુપર-સ્પેશિયાલિટી સારવાર

ગાંધીનગર, તા. 12 : ગુજરાત સરકાર રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યમાં અધતન હોસ્પિટલોના નિર્માણની સાથે નર્સિંગ સ્ટાફને પણ અત્યાધુનિક તબીબી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. જેનો સીધો લાભ ગુજરાતના નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધારા સ્વરૂપે મળશે, એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, રાજ્ય સરકાર દ્વારા નર્સોની કાર્યક્ષમતામાં વધારો કરવા અને દર્દીઓને સુપર-સ્પેશિયાલિટી સારવાર પૂરી પાડવાના ઉમદા હેતુથી વિવિધ સ્પેશિયલાઇઝ્ડ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યની સરકારી નર્સિંગ કોલેજો, મેડિકલ કોલેજો, GMERS અને અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત મેડિકલ કોલેજો ખાતે એક વર્ષના 'પોસ્ટ બેઝિક ડિપ્લોમા' કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં ઉપલબ્ધ 8 સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ
- ક્રિટિકલ કેર નર્સિંગ: ICUમાં દાખલ ગંભીર દર્દીઓની સારવાર માટે
- *ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર નર્સિંગ*: અકસ્માત અને કુદરતી આફતો સમયે તાત્કાલિક સારવાર માટે
- *નિયોનેટલ નર્સિંગ*: નવજાત શિશુની વિશેષ સંભાળ માટે
- *કાર્ડિયોલોજી નર્સિંગ*: હૃદયરોગના દર્દીઓની સારવાર માટે
- *ઓન્કોલોજી નર્સિંગ*: કેન્સરના દર્દીઓની સારવાર અને કીમોથેરાપી માટે
- *સાયકિયાટ્રિક નર્સિંગ*: માનસિક સ્વાસ્થ્યના દર્દીઓની સારવાર માટે
- *ઓર્થો એન્ડ રિહેબિલિટેશન નર્સિંગ*: હાડકાંના દર્દીઓ અને પુનર્વસન માટે
- *બર્ન્સ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ નર્સિંગ*: દાઝેલા દર્દીઓ અને પ્લાસ્ટિક સર્જરી પછીની સંભાળ માટે
નર્સ પ્રેક્ટિશનર મિડવીફરી (NPM) કોર્સ
માતૃ અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવાના લક્ષ્ય સાથે રાજ્યની 6 સરકારી નર્સિંગ કોલેજોમાં GNM/B.Sc. (Nursing) પછીનો 18 માસનો 'ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર મિડવીફરી' કોર્સ શરૂ કરાયો છે. આ કોર્સમાં હાલ કુલ 120 બેઠકો ઉપલબ્ધ છે. આ કોર્સ પૂર્ણ કરનાર નર્સ સામાન્ય પ્રસૂતિ સ્વતંત્ર રીતે કરાવી શકશે.
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર ગુજરાતની તમામ નર્સોની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવે છે. કોરોના કાળ હોય કે કુદરતી આફત, અથવા અન્ય આફતોમાં ગુજરાતની નર્સોએ હંમેશા અગ્રેસર રહીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "રાજ્ય સરકારની આ શૈક્ષણિક પહેલથી આગામી સમયમાં નર્સિંગ સ્ટાફ માત્ર સેવક જ નહીં, પરંતુ તબીબી ક્ષેત્રના 'સ્પેશ્યાલિસ્ટ' તરીકે ઉભરી આવશે. જેનાથી સામાન્ય નાગરિકોને પણ મેટ્રો સિટી જેવી સુપર-સ્પેશિયાલિટી સારવાર જિલ્લા કક્ષાએ જ ઉપલબ્ધ થશે."
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
