<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ઈંધણ બચત અને કરકસર માટે વડાપ્રધાનના અપીલ હેઠળ ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સુરક્ષા કાફલામાં ધરખમ ઘટાડો

પીએમ મોદીની અપીલ બાદ દેશમાં સાદગીનો નવો પવન : સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કાફલામાંથી પોણા ભાગની ગાડીઓ હટાવી તો હર્ષભાઈ સંઘવીએ હવે ગૃહ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજવાનો આદેશ કર્યો

 ગાંધીનગર :  દેશમાં ઈંધણની બચત કરવા અને સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આહવાનને ગુજરાત સરકાર દ્વારા સહર્ષ સ્વીકારી લેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પોતે પોતાના સુરક્ષા કાફલામાં વાહનોની સંખ્યા અડધી કરી દઈને સમગ્ર દેશને પર્યાવરણ સંરક્ષણ અને સાદગીનો પ્રેરક સંદેશ આપ્યો છે. પીએમની આ પહેલથી હવે વીઆઈપી મૂવમેન્ટ દરમિયાન સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે. આ માર્ગદર્શનને અનુસરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ પોતાના સુરક્ષા કોન્વે અને કાર્યશૈલીમાં તાત્કાલિક અસરથી મોટો ફેરફાર કર્યો છે.

 

 સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો કાફલો ટૂંકો થયો, રાજુલામાં માત્ર 2 ગાડી સાથે પહોંચ્યા:

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પેટ્રોલ-ડીઝલની કરકસરના હેતુથી પોતાના કાફલામાંથી 4 ગાડીઓ દૂર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે મુખ્યમંત્રીનો કાફલો જે અગાઉ ઘણો મોટો રહેતો હતો, તેના બદલે માત્ર 3 ગાડીઓનો જ રહેશે. મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી છે કે જ્યારે તેઓ વિવિધ જિલ્લાઓના પ્રવાસે જશે ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવતા વધારાના સુરક્ષા વાહનોનો તેઓ ઉપયોગ કરશે નહીં. આ નિર્ણયનો પ્રત્યક્ષ અનુભવ અમરેલીના રાજુલા ખાતે જોવા મળ્યો હતો, જ્યાં મુખ્યમંત્રી એક હોસ્પિટલના કાર્યક્રમમાં 10થી વધુ વાહનોના બદલે માત્ર 2 કાર સાથે પહોંચ્યા હતા.

 

 નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો વર્ચ્યુઅલ બેઠકો પર ભાર:

બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ઈંધણ અને સમયના બચાવ માટે મહત્વના વહીવટી સુધારા કર્યા છે. હર્ષભાઈ સંઘવીએ નિર્ણય લીધો છે કે હવે ગૃહ વિભાગની સમીક્ષા બેઠકોમાં બહારગામના ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર રૂબરૂ બોલાવવાને બદલે વીડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલી જોડવામાં આવશે. આ પગલાથી અધિકારીઓની મુસાફરીમાં વપરાતા ઈંધણની મોટી બચત થશે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ પણ પોતાના અંગત કાફલામાં ઘટાડો કર્યો છે અને હવે તેમના કાફલામાં પણ માત્ર 3 જ ગાડીઓ રહેશે.

 

વડાપ્રધાનના પગલે ગુજરાતના આ બંને શીર્ષ નેતાઓએ લીધેલા નિર્ણયની જનતામાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે. આ સાદગીપૂર્ણ અભિગમથી માત્ર સરકારી તિજોરી પરનું ભારણ જ નહીં ઘટે પરંતુ ઈંધણની બચત દ્વારા પર્યાવરણને પણ ફાયદો થશે. મંત્રાલયો અને સરકારી વિભાગોમાં હવે કરકસરના આ નવા મોડલને અપનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જે ભવિષ્યમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ સાબિત થશે.

(10:42 AM IST)