તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ગુજરાત સરકારની પ્રજાભિમુખ પહેલ: ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન બની હજારો નાગરિકો માટે આશાનું નવું કિરણ
સુરક્ષા સેતુ’થી ‘જીવન રક્ષા’ સુધીની સંવેદનશીલ સફર : 24 કલાકની નિઃશુલ્ક અને ગોપનીય સેવા, વર્ષ 2025માં 18 હજારથી વધુ અને 2026માં અત્યાર સુધી 19,526 કોલ્સ

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :ક્યારેક જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર માત્ર એક ફોનકોલ જેટલું હોય છે... ક્યારેક કોઈ અજાણી વ્યક્તિના શબ્દોમાં રહેલી હૂંફ, કોઈની ધીરજપૂર્વક સાંભળેલી વાત કે સમયસર મળેલી મદદ કોઈનું આખું જીવન બદલી નાખે છે. આવી જ માનવતાની હૂંફ ગુજરાત સરકારની ‘જીવન આસ્થા સુસાઇડ પ્રિવેન્શન એન્ડ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન’ પૂરી પાડી રહી છે. ગુજરાત સરકારના પ્રજાકલ્યાણલક્ષી અભિગમ અને ગૃહ વિભાગના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસે 'સુરક્ષા સેતુ પ્રોજેક્ટ' અંતર્ગત શરૂ કરેલી આ હેલ્પલાઇન આજે માત્ર એક ટેલિફોન નંબર રહી નથી પરંતુ માનસિક તણાવ, હતાશા અને જીવન પ્રત્યે નિરાશા અનુભવતા નાગરિકો માટે વિશ્વાસ, હૂંફ અને આશાનો આધાર બની છે.
10 સપ્ટેમ્બર, 2015 (વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ) થી શરૂ થયેલી 'જીવન આસ્થા' છેલ્લા 11 વર્ષથી સતત કાર્યરત છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષક, ગાંધીનગર દ્વારા સંચાલિત આ સેવા દિવસ-રાત, અઠવાડિયાના સાતેય દિવસ નિઃશુલ્ક અને સંપૂર્ણ ગોપનીય રીતે ઉપલબ્ધ છે. અહીં આવતો દરેક કોલ માત્ર કોલ નથી પરંતુ એક વ્યક્તિની વ્યથા, એક પરિવારની ચિંતા અને ઘણી વખત એક અમૂલ્ય જીવનને બચાવવાની તક હોય છે.
*એક ફોનકોલ... અને જીવન ફરી જીવવાની તક
‘જીવન આસ્થા’ની સૌથી મોટી સફળતા એ છે કે તે માત્ર કાઉન્સેલિંગ પૂરતું સીમિત નથી. સંકટની ગંભીરતા જણાય ત્યારે કાઉન્સેલર પોલીસ કંટ્રોલ રૂમ અને સ્થાનિક પોલીસ સાથે તાત્કાલિક સંકલન કરી સ્થળ પર મદદ પહોંચાડે છે. એટલે એક તરફ ફોન પર સંવેદનશીલ સંવાદ ચાલે છે અને બીજી તરફ જમીન પર જીવન બચાવવાની કામગીરી શરૂ થઈ જાય છે. આ વિશ્વાસનું પરિણામ તેના આંકડાઓમાં પણ જોવા મળે છે. વર્ષ 2025 દરમિયાન 18,000 કોલ્સ પ્રાપ્ત થયા હતા, જ્યારે વર્ષ 2026માં અત્યાર સુધી 19,526 કોલ્સ જીવન આસ્થા સુધી પહોંચ્યા છે. વર્ષ 2025-26 દરમિયાન ગુજરાત પોલીસ અને જીવન આસ્થાની સંયુક્ત ટીમોએ આશરે 40 અત્યંત ગંભીર કિસ્સાઓમાં ત્વરિત રેસ્ક્યૂ ઇન્ટરવેન્શન કરીને નાગરિકોના અમૂલ્ય જીવ બચાવ્યા છે.
*સરકારી હોર્ડિંગ બન્યું અંતિમ ક્ષણે આશાનું કિરણ*
અમદાવાદના જમાલપુર બ્રિજ પર બનેલો એક પ્રસંગ જીવન આસ્થાની ઉપયોગિતા અને સંવેદનશીલ કામગીરીનું જીવંત ઉદાહરણ છે. બપોરના 12:06 વાગ્યે ગાંધીનગર હેલ્પલાઇન પર ચાંદખેડાની 27 વર્ષીય યુવતીનો ફોન આવ્યો. ગંભીર પારિવારિક અને માનસિક મુશ્કેલીઓથી કંટાળેલી યુવતી જમાલપુર બ્રિજ પર પહોંચી હતી. જીવનનો અંત લાવવાના વિચારો વચ્ચે રસ્તા પર લગાવાયેલા ગુજરાત સરકારના જીવન આસ્થાના હોર્ડિંગ પર તેની નજર પડી. કદાચ એ ક્ષણે એ હોર્ડિંગ માત્ર એક જાહેરાત નહોતું -તે યુવતી માટે જીવન તરફ પાછા ફરવાનો સંકેત બની ગયું. તેણે હેલ્પલાઇનનો નંબર ડાયલ કર્યો. કાઉન્સેલરે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંકલન કર્યું. પોલીસ ટીમ સમયસર સ્થળ પર પહોંચી. સંવેદનશીલ વાતચીત અને સમજાવટથી યુવતીને સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવી. એક ફોનકોલે નિરાશાની ક્ષણને આશામાં અને અંધકારને જીવનની નવી તકમાં બદલી નાખ્યો.
*ઝુંડાલ કેનાલ પર બે બાળકો માટે માતાને મળ્યું જીવનનું કારણ*
બીજો પ્રસંગ ઝુંડાલ કેનાલનો છે. રાત્રિના સમયે શારીરિક અને માનસિક ત્રાસથી વ્યથિત એક મહિલા, જે દિવ્યાંગ બાળકની માતા પણ હતી, આત્મહત્યા માટે કેનાલ સુધી પહોંચી હતી. પરંતુ સંકટની એ ઘડીએ તેણે જીવન આસ્થાનો સંપર્ક કર્યો. કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક જીવન આસ્થાના કાઉન્સેલર સાથે સંપર્ક કરાવવામાં આવ્યો. કાઉન્સેલરે ટેલિફોનિક કાઉન્સેલિંગ દ્વારા મહિલાને શાંત રાખી, તેની સાથે સતત વાતચીત કરી અને તેને કેનાલથી દૂર રહેવા પ્રેરિત કરી. સાથે જ નજીકની પીસીઆર વાનને સ્થળ તરફ રવાના કરવામાં આવી. એક તરફ ફોન પર શબ્દોની હૂંફ હતી, તો બીજી તરફ સ્થળ પર પોલીસની ત્વરિત કામગીરી. ગુજરાત પોલીસ અને જીવન આસ્થાના સંયુક્ત પ્રયાસોથી મહિલાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી. તેની સાથે તેના બે નિર્દોષ બાળકોનું ભવિષ્ય પણ બચી ગયું.
*જીવન આસ્થા માત્ર હેલ્પલાઇન નહીં, જીવન તરફ પાછા ફરવાનો હાથ*
માનસિક તણાવ કે જીવન પ્રત્યે નિરાશા કોઈ વ્યક્તિની નબળાઈ નથી. આવા સમયે તેને સલાહ કરતાં પહેલાં સાંભળવાની જરૂર હોય છે, નિર્ણય કરતાં પહેલાં સમજવાની જરૂર હોય છે અને એકલતા કરતાં પહેલાં સાથની જરૂર હોય છે. જીવન આસ્થા આ જ સંવેદનાને પોતાની કામગીરીના કેન્દ્રમાં રાખીને નાગરિકો સુધી પહોંચી રહી છે. ગુજરાત સરકારની આ પ્રજાભિમુખ પહેલ એ સંદેશ આપે છે કે મુશ્કેલી કેટલીય મોટી હોય, પરંતુ મદદનો એક રસ્તો હંમેશા ઉપલબ્ધ છે. એક ફોનકોલ કદાચ આખું જીવન બચાવી શકે છે. સંકટની ઘડીએ નાગરિકો માટે ગુજરાત સરકારની નિઃશુલ્ક ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન : 1800-233-3330 ચોવીસ કલાક ઉપલબ્ધ છે. જરૂરિયાતની ક્ષણે આ નંબર સુધી પહોંચવું એટલે નિરાશાની ક્ષણમાં આશાનો હાથ પકડવો અને જીવનને એક વધુ તક આપવી(શબ્દાંકન: સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી,અમદાવાદ )
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
