તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ગુજરાત સરકારની નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર: જૂની ગાડી સ્ક્રેપ કરી નવું વાહન ખરીદવા પર ટેક્સમાં ૫૦% ની બમ્પર રાહત મળશે
પ્રદૂષણ ઘટાડવા બંદરો અને વાહનવ્યવહાર વિભાગનું મહત્વનું નોટિફિકેશન; BS-1 અને BS-2 વાહનોના માલિકોને ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી 'COD' ના આધારે સીધો લાભ મળશે

ગાંધીનગર, તા.૦૧: ગુજરાતમાં રસ્તાઓ પર પ્રદૂષણ ઘટાડવા અને અત્યંત જૂના તથા ખટારા જેવા વાહનોની સંખ્યા ઓછી કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે એક મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના બંદરો અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલા અધિકૃત નોટિફિકેશન અનુસાર, જૂના વાહનોને ભંગાર (સ્ક્રેપ)માં આપીને નવું વાહન ખરીદનારા વાહનમાલિકોને મોટર વ્હીકલ ટેક્સમાં ૫૦% સુધીની મોટી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોત્સાહક યોજનાનો સીધો લાભ મેળવવા માટે વાહનચાલકો પાસે ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીમાં અધિકૃત રીતે ઇશ્યૂ થયેલું 'સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ' (COD) હોવું અનિવાર્ય રહેશે.
સરકારી નોટિફિકેશન મુજબ, આ ટેક્સ રાહતનો લાભ ખાસ કરીને બે કેટેગરીના જૂના વાહનોને આપવામાં આવશે. પ્રથમ કેટેગરીમાં ભારત સ્ટેજ-૧ (BS-I) અથવા તેનાથી પણ જૂના એમિશન નિયમો હેઠળ બનેલા તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ અને નોન-ટ્રાન્સપોર્ટ વાહનોનો સમાવેશ થાય છે. જ્યારે બીજી કેટેગરીમાં ભારત સ્ટેજ-૨ (BS-II) નિયમો હેઠળ બનેલા તમામ મધ્યમ અને ભારે માલવાહક વાહનો (ગુડ્સ વ્હીકલ્સ) તેમજ મધ્યમ અને ભારે પેસેન્જર વાહનોને આવરી લેવામાં આવ્યા છે.
નિયમો અનુસાર, જૂના અને વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનો ધરાવતા માલિકો જ્યારે પોતાના વાહનને સરકાર માન્ય અધિકૃત સ્ક્રેપ સેન્ટરમાં જમા કરાવશે, ત્યારે તેમને 'સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ' (COD) આપવામાં આવશે. આ સર્ટિફિકેટના આધારે જ નવી ગાડી ખરીદતી વખતે વાહનચાલકોને આરટીઓ (RTO) મોટર વ્હીકલ ટેક્સમાં અડધોઅડધ માફીનો લાભ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી જૂના વાહનમાલિકોને આર્થિક બચત સાથે નવું આધુનિક વાહન વસાવવાનું પ્રોત્સાહન મળશે.
આ યોજનાનો લાભ લેવા માટે સરકારે સમયમર્યાદા પણ સુનિશ્ચિત કરી છે. જે વાહન માલિકો પાસે ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીમાં ઇશ્યૂ થયેલું 'સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ' હશે, તેમને જ આ ટેક્સ કન્સેશનનો લાભ મળશે. આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે વાહનચાલકોએ આ નિર્ધારિત સમયગાળા દરમિયાન જ પોતાના જૂના વાહનો સ્ક્રેપ કરાવીને સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે.
સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઈ વાહનમાલિકે પોતાના સ્ક્રેપ કરેલા વાહનના સર્ટિફિકેટ (COD) પર એકવાર ટેક્સ રાહત મેળવી લીધી હશે, તો તે જ સર્ટિફિકેટ અથવા તે જ સ્ક્રેપ કરેલા વાહનના આધારે બીજી વખત આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં. એક સર્ટિફિકેટ પર માત્ર એક જ વાર નવા વાહનની ખરીદી પર ૫૦% ટેક્સ માફી આપવામાં આવશે, જેથી કોઈ ગેરરીતિ ન થાય.
રાજ્ય સરકારના આ પર્યાવરણપૂરક નિર્ણયથી રોડ સેફ્ટીમાં સુધારો થશે અને ઝેરી વાયુઓનું ઉત્સર્જન ઘટશે. આગામી દિવસોમાં અધિકૃત સ્ક્રેપિંગ સેન્ટરો પર જૂના વાહનો જમા કરાવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવશે. વાહનવ્યવહાર વિભાગે તમામ વાહનમાલિકોને આ મર્યાદિત સમયગાળાની યોજનાનો મહત્તમ લાભ લેવા અને પ્રદૂષણમુક્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
