તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મહેસૂલ વિભાગમાં જમીન દફતર નિરીક્ષક વર્ગ-૨ની ૧૬૫ ખાલી જગ્યાઓ પર ઝડપી ભરતી પ્રક્રિયા શરૂ!
વિધાનસભામાં મંત્રી ઋષિકેશ પટેલની મોટી જાહેરાત; સીધી ભરતી અને પ્રમોશન દ્વારા ખાલી પદો સત્વરે ભરાશે, તાલુકા કક્ષાએ નાગરિકોને મળશે ઝડપી વહીવટી સેવાઓ

ગાંધીનગર, તા. ૦૯: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના યુવાનો અને નાગરિકો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મહેસૂલ વિભાગ અંતર્ગત જમીન દફતર નિરીક્ષક (Land Record Inspector), વર્ગ-૨ સંવર્ગની ખાલી પડેલી ૧૬૫ જગ્યાઓ સત્વરે ભરવા માટેની વહીવટી પ્રક્રિયા પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપતાં આરોગ્ય અને મહેસૂલ મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની માહિતી આપી હતી.
મંજૂર થયેલા મહેકમ સામે ૧૬૫ જગ્યાઓ ખાલી:
મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં મહેસૂલ વિભાગ હેઠળ જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ સંવર્ગની કુલ ૩૨૬ જગ્યાઓ મંજૂર થયેલી છે. આ મંજૂર થયેલા મહેકમ પૈકી હાલના તબક્કે ૧૬૧ જગ્યાઓ પર અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે, જ્યારે બાકીની ૧૬૫ જગ્યાઓ ખાલી છે. સરકારી તંત્રમાં નિવૃત્તિ કે અન્ય કારણોસર જગ્યાઓ ખાલી થવી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને વહીવટી સમીક્ષા બાદ હવે આ તમામ પદો ભરવાનો નિર્ણય લેવાયો છે.
સીધી ભરતી અને બઢતી (Promotions) દ્વારા પ્રક્રિયા પૂર્ણ થશે:
ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા અંગેની નીતિ સ્પષ્ટ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, જમીન દફતર નિરીક્ષકની આ ખાલી જગ્યાઓ સત્વરે ભરવા માટે નિયમાનુસાર સીધી ભરતી (Direct Recruitment), પ્રમોશન (બઢતી) તેમજ સેમી-ડાયરેક્ટ બઢતી જેવા વિવિધ વિકલ્પો દ્વારા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
તાલુકા મથકે નાગરિકોના કામો ઝડપથી ઉકેલાશે:
આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાથી તાલુકા કક્ષાએ મહેસૂલી અને જમીન દફતર સંબંધિત વહીવટી સેવાઓ વધુ સુદ્રઢ, પારદર્શી અને સુસંચાલિત બનશે. તમામ સંબંધિત કામગીરી એક જ કાર્યાલય ખાતેથી શક્ય બનતાં તાલુકા મથકે આવતા સામાન્ય નાગરિકો અને ખેડૂતોને પોતાના જમીન માપણી કે દસ્તાવેજી કામો માટે ધક્કા નહીં ખાવા પડે અને સેવાઓ ઝડપી અને સરળ બનશે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
