News of Thursday, 23rd July 2026
અતિવૃષ્ટિને પગલે સુરત, નવસારી અને વલસાડ માટે ગુજરાત સરકારે IAS અધિકારીઓને તાત્કાલિક જવાબદારી સોંપી
રેમ્યા મોહન IAS ને નવસારી અને સુરત જિલ્લાઓ તથા આલોક કુમાર પાંડે IAS ને વલસાડ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સર્જાયેલી અતિવૃષ્ટિ અને પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે બે વરિષ્ઠ IAS અધિકારીઓને તાત્કાલિક અસરથી જિલ્લાવાર દેખરેખ અને સંકલનની જવાબદારી સોંપી છે.
સરકારના આદેશ અનુસાર રેમ્યા મોહન IAS (કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન અને હોદ્દાની રૂએ મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ અને એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, ગાંધીનગર) ને નવસારી અને સુરત જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે આલોક કુમાર પાંડે IAS ( સચિવ, આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર)ને વલસાડ જિલ્લાની પરિસ્થિતિ પર દેખરેખ રાખવા મોકલવામાં આવ્યા છે. આ અધિકારીઓએ તાત્કાલિક અસરથી જે તે જિલ્લામાં હાજર થઈને જિલ્લા કક્ષાના અધિકારીઓ તથા અન્ય એજન્સીઓ / વિભાગો સાથે સંકલન કરી કામગીરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અધિકારીઓને તાત્કાલિક અસરથી સંબંધિત જિલ્લાઓમાં હાજર રહી જિલ્લા કલેક્ટર તથા અન્ય સરકારી વિભાગો સાથે સંકલન કરીને રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી છે. અન્ય આદેશ ન થાય ત્યાં સુધી આ અધિકારીઓ સતત મેદાનમાં રહી કામગીરી પર નજર રાખશે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
