<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

શાળાઓમાં અનધિકૃત પ્રવેશ અને ફોટોગ્રાફી પર ગુજરાત સરકારની લાલ આંખ : આચાર્યની મંજૂરી વિના પ્રવેશ કરનાર સામે થશે કાયદાકીય કાર્યવાહી

વાલી સમાન જવાબદારીના સિદ્ધાંત હેઠળ બાળકોની સુરક્ષા અને ગોપનીયતા જાળવવા શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર : શાળા પરિસરમાં બિનઅધિકૃત વિડિયોગ્રાફી કરવા પર પણ પ્રતિબંધ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર  : રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા, ગરિમા, ગોપનીયતા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર, હવે કોઈપણ બાહ્ય વ્યક્તિ આચાર્યની પૂર્વ મંજૂરી વગર શાળાઓમાં પ્રવેશ કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ પરવાનગી વગર શાળામાં પ્રવેશ કરશે અથવા વીડિયોગ્રાફી કરવાનો પ્રયાસ કરશે તો તેમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

નવા નિયમો અને માર્ગદર્શિકાની મુખ્ય વિશેષતાઓ:

 * પ્રવેશ પર નિયંત્રણ: કોઈપણ બાહ્ય વ્યક્તિએ શાળા પરિસરમાં પ્રવેશ મેળવવા માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી મેળવવી ફરજિયાત છે, જેમાં માત્ર સત્તાવાર ફરજ પરના અધિકૃત સરકારી અધિકારીઓને જ અપવાદ રાખવામાં આવ્યા છે.

 * મુલાકાતી રજિસ્ટર: શાળામાં આવનાર પ્રત્યેક મુલાકાતીએ પ્રવેશ કરતાં પહેલાં મુલાકાતી રજિસ્ટરમાં પોતાની તમામ વિગતો અચૂક નોંધાવવાની રહેશે.

 * સંવેદનશીલ વિસ્તારોમાં પ્રતિબંધ: વર્ગખંડો, પ્રયોગશાળાઓ, પુસ્તકાલયો, છાત્રાલયો, રમતગમતના મેદાનો કે શૌચાલય જેવા વિસ્તારોમાં બાહ્ય વ્યક્તિઓ આચાર્ય કે અધિકૃત શિક્ષકની લેખિત મંજૂરી વિના પ્રવેશ કરી શકશે નહીં.

 * ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર રોક: શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો કે શૈક્ષણિક પ્રવૃત્તિઓની આચાર્યની મંજૂરી વગર ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, ઇન્ટરવ્યુ, ઓડિયો રેકોર્ડિંગ કે લાઈવ સ્ટ્રીમિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 * ગોપનીયતાની સુરક્ષા: શાળા સત્તાવાળાઓએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી, ફોટા કે વિડિયોનો ક્યારેય અયોગ્ય પ્રસાર કે સંગ્રહ ન થાય, જેથી તેમની સુરક્ષા અને ગૌરવ જળવાઈ રહે.

 * કાયદાકીય પગલાં: જો કોઈ અનાધિકૃત વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરીને શાળામાં પ્રવેશ કરશે, પરિસર છોડવાનો ઇનકાર કરશે કે કામગીરીમાં અવરોધ ઊભો કરશે, તો શાળાના આચાર્ય દ્વારા ત્વરિત સ્થાનિક પોલીસ તેમજ સંબંધિત જિલ્લા કે તાલુકા શિક્ષણાધિકારીને જાણ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.

"In Loco Parentis" (વાલી સમાન જવાબદારી) ના સિદ્ધાંત, બંધારણની કલમ-૨૧ તથા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) ની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ પગલાંથી શાળાઓમાં વધુ સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું થશે.

(9:14 PM IST)