<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ગુજરાતઃ ૯ મહિનામાં આવ્‍યું ૪૪,૦૪૧.૭ કરોડનું સીધું વિદેશી રોકાણ

FDI ઇનફલોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

અમદાવાદ તા.૫: ગુજરાત સીધા વિદેશી રોકાણમાં ત્રીજા ક્રમે પહોંચ્‍યું છે. ડિપાર્ટમેન્‍ટ ફોર પ્રમોશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રી એન્‍ડ ઇન્‍ટરનલ ટ્રેડ (DPIIT) ના ડેટા અનુસાર, એપ્રિલ અને ડિસેમ્‍બર ૨૦૨૫ વચ્‍ચે રાજ્‍યમાં આશરે  ૪૪,૦૪૧.૭ કરોડનું સીધું વિદેશી રોકાણ આવ્‍યું હતું. એપ્રિલ-સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ના ગાળામાં ઘટાડા બાદ રાજ્‍યએ ફરી ટોચના ૫ રાજ્‍યમાં પોતાનું સ્‍થાન મેળવ્‍યું  હોવા છતાં ભારતના કુલ FDI ઇનફલોમાં ગુજરાતનો હિસ્‍સો ઘટ્‍યો છે.

DPIIT ના ડેટા મુજબ, ગુજરાતમાં જ્‍ઝત્‍ ઇનફલોમાં વાર્ષિક ધોરણે ૧૯.૩% નો ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષે સમાન ગાળામાં આ રોકાણ રૂ. ૪૬,૬૮૭.૦૪ કરોડ હતું. ઇનફલોમાં થયેલા આ ઘટાડાને કારણે એપ્રિલ-ડિસેમ્‍બર ૨૦૨૪ના સમયગાળામાં ગુજરાત રાષ્ટ્રીય સ્‍તરે બીજા સ્‍થાનેથી ત્રીજા સ્‍થાને આવી ગયું હતું. વર્ષ ૨૦૨૪ માં ભારતના કુલ FDI માં ગુજરાતનો હિસ્‍સો ૧૩.૭% હતો, જે ૨૦૨૫ ના સમાન ગાળામાં ઘટીને ૧૦.૪% થયો હતો, જે અન્‍ય રાજ્‍યો તરફથી વધેલી સ્‍પર્ધા સૂચવે છે.

મહારાષ્ટ્ર ૧૫,૩૮૭.૪૬ મિલિયન ડોલર FDI ઈનફલો સાથે પ્રથમ, કર્ણાટક૧૧,૧૫૯.૦૯ મિલિયન ડોલર FDI ઈનફલો સાથે બીજા,  ગુજરાત૪,૯૯૦.૮૯ મિલિયન ડોલર FDI ઈનફલો સાથે ત્રીજા, તમિલનાડુ ૩,૮૯૦.૬૫ મિલિયન ડોલર FDI ઈનફલો સાથે ચોથા અને હરિયાણા ૩,૮૪૪.૪૮ મિલિયન ડોલર FDI ઈનફલો સાથે પાંચમા ક્રમે છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે, રિન્‍યુએબલ એનર્જી અને સેમિકન્‍ડક્‍ટર જેવા ક્ષેત્રોએ નવા રોકાણો આકર્ષ્‍યા છે, જ્‍યારે ફાર્મા કંપનીઓએ પણ વિસ્‍તરણ કરવાનું ચાલુ રાખ્‍યું છે. પરંપરાગત અને ઉભરતા બંને ક્ષેત્રો સારું પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં ડેટા સેન્‍ટરના વ્‍યવસાયોમાં પણ મજબૂત ગતિ જોવા મળી રહી છે.

આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે,  GIFT સિટી રાજ્‍યમાં રોકાણ લાવવા માટે એક મહત્‍વપૂર્ણ સેન્‍ટર રહ્યું છે.  સેમિકન્‍ડક્‍ટર, ગ્રીન એનર્જી, ડેટા સેન્‍ટર, ફાર્મા અને સંરક્ષણ ક્ષેત્રમાં સતત પ્રગતિ સાથે ગુજરાત FDI ઇનફલોમાં ફરીથી ટોચનું સ્‍થાન મેળવવાની ક્ષમતા ધરાવે છે

ગુજરાતમાં અમદાવાદે મુખ્‍ય ઇન્‍વેસ્‍ટમેન્‍ટ હબ તરીકે વર્ચસ્‍વ જાળવી રાખ્‍યું છે. શહેરે ૨,૬૩૧.૪૦ મિલિયન ડોલરનું રોકાણ આકર્ષ્‍યું છે, જે રાજ્‍યના કુલ ઇનફલોના અડધાથી વધુ છે. ગાંધીનગર ૬૬ મિલિયન ડોલર સાથે બીજા ક્રમે રહ્યું હતું.

(10:50 AM IST)