તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
ગુજરાતમાં દિવાળી ટાણે ગંભીર વીજ સંકટના એંધાણ: ગામડાઓ બાદ હવે ઔદ્યોગિક ક્ષેત્ર પર ઝીંકાયો ૮ કલાકનો વીજકાપ, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માગી ૧,૦૦૦ મેગાવોટ વીજળી
ઓક્ટોબર મહિનામાં જ વીજમાગે તોડ્યા તમામ રેકોર્ડ; પિક અવર્સમાં સર્જાયેલી અછતને કારણે સુરત, જામનગર અને ઉત્તર ગુજરાતના ઉદ્યોગોમાં રોષની લાગણી, તહેવારોની સિઝનમાં ઉત્પાદનને મોટો ફટકો પડવાની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ ન થવા અને અતિશય ગરમીના માહોલને કારણે દિવાળીના તહેવારો પૂર્વે જ રાજ્યમાં ગંભીર વીજ સંકટ ઘેરાયું છે. ગામડાઓમાં અવારનવાર વીજળી ડૂલ થવાની ઘટનાઓ બાદ હવે રાજ્યના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો પર ૮ કલાક સુધીનો ફરજિયાત વીજકાપ લાદવામાં આવ્યો છે, જેના કારણે શહેરો અને ઉદ્યોગ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઓક્ટોબર મહિનામાં જ રાજ્યની પીક વીજમાગ ૨૯,૮૨૨ મેગાવોટની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીને વટાવી ગઈ છે, જે ઉનાળાના જૂન મહિનાના આંકડા કરતા પણ વધુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના પીક અવર્સ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સતત વધી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં તો વીજ વપરાશ રેકોર્ડબ્રેક ૧૦,૦૦૦ મેગાવોટને વટાવી ગયો છે અને માત્ર એક જ સપ્તાહમાં તેમાં ૨,૦૦૦ મેગાવોટનો તોતિંગ ઉછાળો આવ્યો છે. દિવસે સોલાર અને પવન ઊર્જાથી વીજળી મળી રહે છે, પરંતુ સૂર્યાસ્ત પછી સોલાર ઉત્પાદન બંધ થઈ જતા સાંજના સમયે વીજળીની ભારે તંગી સર્જાય છે. આ અછતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે વધારાની ૧,૦૦૦ મેગાવોટ વીજળીની માંગણી કરી છે, જેના પર કેન્દ્ર તરફથી હકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો છે.
વીજ સંકટની સીધી અસર હવે રાજ્યના ઔદ્યોગિક એકમો પર જોવા મળી રહી છે. વીજ કંપનીઓ દ્વારા વિવિધ જિલ્લાઓમાં અઠવાડિયાના ચોક્કસ દિવસોમાં વીજકાપ લાદવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર અને હાલોલમાં સાંજે ૪:૦૦ થી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવાની સૂચના અપાઈ છે, જ્યારે પાટણમાં દર રવિવારે અને જામનગરમાં પીજીવીસીએલ દ્વારા દર શુક્રવારે ૭ થી ૮ કલાકનો વીજકાપ લાદવામાં આવ્યો છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં પણ ટેક્સટાઈલ અને અન્ય ઉદ્યોગો માટે સાંજના ૪ થી રાત્રે ૧૨ વાગ્યા સુધીના સમયગાળામાં વીજકાપની જાહેરાત કરવામાં આવી છે.
દિવાળીના તહેવારો ટાણે જ અચાનક આવેલ આ ૮ કલાકના વીજકાપથી વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ભારે રોષ ફેલાયો છે. વેપારીઓનું કહેવું છે કે તહેવારોની આ સિઝનમાં ગ્રાહકોના ઓર્ડર પૂરા કરવાના હોય છે, માલ રવાના કરવાનો હોય છે અને પેમેન્ટ વસૂલવાનું હોય છે. સાંજે ૪:૦૦ થી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધીના સમયગાળામાં વીજ પુરવઠો બંધ રહેવાથી દિવસ અને રાત બંને શિફ્ટની કામગીરી ખોરવાઈ જશે, જેનાથી ઉત્પાદન, પેકિંગ અને ડિસ્પેચની પ્રક્રિયાઓને ગંભીર ફટકો પડશે અને લાખો શ્રમિકોની રોજીરોટી જોખમમાં મુકાશે.
ઉદ્યોગ જગત દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જો વીજ બચત કરવી અનિવાર્ય જ હોય, તો શટડાઉનનો સમય સાંજે ૭:૦૦ થી સવારે ૭:૦૦ વાગ્યા સુધીનો રાખવો જોઈએ, જેથી દિવસ દરમિયાન ઉત્પાદન અને માલની હેરફેર રાબેતા મુજબ ચાલુ રાખી શકાય. પ્રવર્તમાન પરિસ્થિતિ જોતા જો જલદીથી કોઈ યોગ્ય આયોજન નહીં કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારો બાદ શહેરી વિસ્તારોમાં પણ વીજકાપનું સંકટ વધુ ગંભીર બની શકે છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
