તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ગુજરાતની નિકાસને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપવા 'ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ' (GEPC) ની સ્થાપના : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઐતિહાસિક પહેલ
MSME અને સ્ટાર્ટઅપ્સને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવા વિશેષ સંસ્થાકીય માળખું ઊભું કરાયું : જિલ્લાવાર નિકાસ યોજનાઓ ઘડીને 'મેડ ઇન ગુજરાત' બ્રાન્ડને વૈશ્વિક ઓળખ અપાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતને વૈશ્વિક નિકાસ ક્ષેત્રે વધુ મજબૂત અને અગ્રેસર સ્થાન અપાવવા માટે રાજ્ય સરકારે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને દૂરગામી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ અને સેવાઓને આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યાપક ઓળખ અપાવવા માટે ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC) ની સ્થાપના કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ વિશેષ હેતુવાળી સંસ્થા (SPV) નાના-મોટા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટે વરદાન સાબિત થશે.
કંપની સ્વરૂપ અને સંચાલન વ્યવસ્થા:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને ઉદ્યોગ વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગત ૩ નવેમ્બર, ૨૦૨૬ના ઠરાવ અનુસાર GEPC ની સ્થાપના કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૮ હેઠળ રાજ્ય સરકારની સંપૂર્ણ માલિકીની બિનનફાકારક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે કરવામાં આવી છે, જેનું રજિસ્ટર્ડ કાર્યાલય ગાંધીનગર ખાતે રહેશે. આ કંપનીની પ્રારંભિક અધિકૃત અને પેઇડ-અપ મૂડી રૂ. ૧ લાખ નક્કી કરાઈ છે, અને ૧૦૦ ટકા શેર મૂડી રાજ્યપાલશ્રીના નામે અધિકૃત નોમિનીઓ પાસે રહેશે. આ કાઉન્સિલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મુખ્ય સચિવ અધ્યક્ષ તરીકે, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ ઉપાધ્યક્ષ તરીકે અને ઉદ્યોગ કમિશનર મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપશે, જેમાં વિવિધ મહત્ત્વના વિભાગોના ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે.
એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સ માટે માર્ગદર્શન અને ટેક્નોલોજીનો ઉપયોગ:
રાજ્યના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ આપવા માટે રચાયેલી ટાસ્ક ફોર્સ અને GRIT ના અહેવાલના આધારે તૈયાર થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ MSME અને સ્ટાર્ટઅપ્સને વિદેશી બજારની માંગ અને નિયમોથી માહિતગાર કરવાનો છે. GEPC દ્વારા નિકાસકારોને બિઝનેસ કન્સલ્ટન્સી, મેન્ટરિંગ, ડિજિટલ ટ્રેડ પ્લેટફોર્મ, ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન, ટ્રેડ ફાઇનાન્સ તથા લોજિસ્ટિક્સ સહયોગ પૂરો પાડવામાં આવશે. વૈશ્વિક વેપારની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિકાસ પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેઇન, ઇન્ડસ્ટ્રી ૪.૦ અને ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન અપાશે.
જિલ્લાવાર નિકાસ યોજનાઓ અને વૈશ્વિક બ્રાન્ડિંગ:
નિકાસના વિકાસને માત્ર મોટા શહેરો પૂરતો સીમિત ન રાખતા જિલ્લા સ્તરે પહોંચાડવા માટે દરેક જિલ્લાની વિશેષતા મુજબ 'ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન' બનાવવામાં આવશે. સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં સ્થાપિત કરવા માટે વિશેષ માર્કેટિંગ અભિયાનો ચલાવવામાં આવશે. આ ઉપરાંત, આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે સ્થાનિક વિકલ્પો વિકસાવવા અને બૌદ્ધિક સંપદા અધિકારો (પેટન્ટ-ટ્રેડમાર્ક) મેળવવામાં પણ ઉદ્યોગોને પૂરતો સહકાર આપવામાં આવશે, જેનાથી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવો વેગ મળશે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
