<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ : તમામ પ્રવાહ અને ITIના તાલીમાર્થીઓ માટેની હોલટિકિટ ઓનલાઇન જાહેર

તાજેતરમાં ૧૧મી જૂનથી બોર્ડની અને ૧૫મી જૂને ITIના ઉમેદવારોની અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાશે : શાળાઓ અને સંસ્થાઓએ સત્તાવાર વેબસાઇટ પરથી ઇન્ડેક્ષ નંબર દ્વારા પ્રવેશપત્ર ડાઉનલોડ કરી સહી-સિક્કા સાથે વિદ્યાર્થીઓને આપવાના રહેશે

 ગાંધીનગર:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યની શૈક્ષણિક આલમ માટે બે મહત્વપૂર્ણ અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. બોર્ડના સચિવ આર.આર. વ્યાસની સહીથી જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસએસસી) અને સંસ્કૃત પ્રથમા તેમજ ધોરણ-૧૨ (એચએસસી) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક-૨૦૨૬ની પરીક્ષાઓ આગામી તા.૧૧/૦૬/૨૦૨૬ થી શરૂ થવા જઈ રહી છે. આ તમામ પરીક્ષાઓ માટે નોંધાયેલા ઉમેદવારોના પ્રવેશપત્ર (હોલટિકિટ) તા.૦૧/૦૬/૨૦૨૬ના રોજ બપોરના ૧૫:૦૦ કલાકથી ઓનલાઇન પોર્ટલ પર લાઈવ કરી દેવામાં આવ્યા છે.

 શાળાઓએ લોગીન આઈડી અને મોબાઈલ નંબરથી ડાઉનલોડ પ્રક્રિયા કરવાની રહેશે

રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોએ પોતાના જે-તે ધોરણ તથા પ્રવાહના ઇન્ડેક્ષ નંબર અને શાળાના નોંધાયેલા મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી.નો ઉપયોગ કરીને બોર્ડની સત્તાવાર વેબસાઇટો પરથી હોલટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમા માટે ssc.gsebht.in, વિજ્ઞાન પ્રવાહ માટે sci.gsebht.in અને સામાન્ય પ્રવાહ તેમજ સંસ્કૃત મધ્યમા માટે gen.gsebht.in પર લોગીન કરવાનું રહેશે, જ્યારે gsebht.in અથવા gseb.org પરથી પણ આ હોલટિકિટ મેળવી શકાશે. શાળાઓએ આ હોલટિકિટની પ્રિન્ટ કાઢી આવેદનપત્ર મુજબ વિષય અને માધ્યમની પૂરતી ખરાઈ કરવાની રહેશે.

 ફોટા પર અડધી સહી અને સિક્કો મારવાનો કડક આદેશ

બોર્ડની માર્ગદર્શિકા મુજબ, ડાઉનલોડ કરાયેલી હોલટિકિટ પર નિયત જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, વિદ્યાર્થીની સહી, વર્ગશિક્ષકની સહી અને શાળાના આચાર્યનો સહી-સિક્કો કરવાનો રહેશે. આચાર્યની અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે લગાવવાનો રહેશે. આ ઉપરાંત, હોલટિકિટના પાછળના ભાગે જે-તે પ્રવાહની પરીક્ષા લક્ષી સૂચનાઓ પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે ફરજીયાત સુપ્રત કરવાની રહેશે. ઓનલાઇન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં વિદ્યાર્થીએ હોલટિકિટ અને સૂચનાપ્રત મેળવ્યા બદલ સહી આપવાની રહેશે. જો આવેદન અને હોલટિકિટના વિષયોમાં કોઈ વિસંગતતા જણાય, તો દિન-૩ માં તમામ આધારો સાથે બોર્ડની ગાંધીનગર કચેરીની સંબંધિત શાખાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

 શિક્ષકોના નિમણૂકપત્ર (Assessment Order) પણ ઓનલાઇન કરાયા

બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પૂરક-૨૦૨૬ પરીક્ષાના ઉત્તરવહી પરીક્ષણ કાર્ય માટે શિક્ષકોના નિમણૂકપત્ર (Assessment Order) પણ હોલટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવ્યા છે. શાળાઓએ આ ઓર્ડર ડાઉનલોડ કરી નિયત વિગતો ભરીને જે-તે શિક્ષકને આપવાના રહેશે. નિમણૂકપત્રની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકોની સહી મેળવી શાળાના રેકર્ડ પર રાખવાની રહેશે અને તેની એક નકલ શાળા કક્ષાએ સાચવવાની રહેશે. આ વ્યવસ્થાથી મૂલ્યાંકન કામગીરી સમયસર શરૂ કરી શકાશે.

 ITI તાલીમાર્થીઓની અંગ્રેજી વિષયની પરીક્ષા ૧૫મી જૂને યોજાશે

અન્ય એક યાદીમાં બોર્ડના સચિવ આર.આર. વ્યાસે જણાવ્યું છે કે રાજ્યની માન્ય તમામ આઈ.ટી.આઈ. (ITI) ના તાલીમાર્થીઓ જેઓ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના અંગ્રેજી (૦૧૩) વિષયની પરીક્ષા પૃથક ઉમેદવાર તરીકે આપી રહ્યા છે, તેમની પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૬ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાક થી ૦૬:૧૫ કલાક સુધી યોજવામાં આવશે. આ વિદ્યાર્થીઓની હોલટિકિટ પણ તા.૦૧/૦૬/૨૦૨૬ ના રોજ બપોરે ૧૫:૦૦ વાગ્યાથી બોર્ડની વેબસાઇટ gen.gsebht.in, gsebht.in અથવા gseb.org પર ઉપલબ્ધ કરાવી દેવાઈ છે.

 ITI આચાર્યો માટે બોર્ડની વિશેષ સૂચનાઓ

ITI ના આચાર્યોએ સંસ્થાને ફાળવેલ ઇન્ડેક્ષ નંબર અને નોંધાયેલા મોબાઇલ કે ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી આ હોલટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. આમાં પણ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, વિદ્યાર્થી, વર્ગશિક્ષક અને આચાર્યના સહી-સિક્કા (ફોટા પર અડધી સહી અને સિક્કો આવે તે રીતે) કરવાના રહેશે. હોલટિકિટની પાછળ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની સૂચના નં.૧ થી ૨૩ પ્રિન્ટ કરીને વિદ્યાર્થી તેમજ આચાર્યની સહી સાથે આપવાની રહેશે અને વિતરણ યાદીમાં તાલીમાર્થીની સહી લેવાની રહેશે. વિષય કે અન્ય કોઈ વિસંગતતાના કિસ્સામાં દિન-૩ માં બોર્ડની ગાંધીનગર કચેરી ખાતેની સામાન્ય પ્રવાહ (ક-૧) શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે.

(3:33 PM IST)