તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ગુજરાત ભાજપાની બુથ સ્તર સુધીની સંગઠનાત્મક કાર્યપદ્ધતિ ઉદાહરણરૂપ છે: ગુજરાતે હંમેશા દેશને દિશા આપવાનું કાર્ય કર્યું છે :તરુણ ચુગ
નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને તમામ ક્ષેત્રે અગ્રેસર બનાવી શાંતિ, સુરક્ષા અને વિકાસનો પર્યાય બનાવ્યું ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ગુજરાત ભાજપાના પ્રભારી તરુણ ચૂગજી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પ્રદેશ કાર્યશાળા યોજાઈ:નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા ૨૫ વર્ષમાં દેશના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી તરીકે સૌ નાગરિકોને ગૌરવ થાય તેવું નેતૃત્વ કર્યું છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ:ગુજરાત મોડલનો અર્થ માત્ર ઔદ્યોગિક વિકાસ નહિ; ગામ, ખેડૂત, મહિલા, બાળક, યુવા, શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી, ઉદ્યોગ, પ્રવાસન, ટેક્નોલોજી અને સુશાસનનો સમન્વિત વિકાસ: જગદીશભાઈ વિશ્વકર્મા ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઑક્ટોબર સુધી ચાલનારા ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અને તેના આયોજન સંદર્ભે માહિતી આપતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે નરેન્દ્રભાઈ મોદીને દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવા પર ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઓકટોબર સુધી ચાલનારા ભાજપાના ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ગુજરાત ભાજપાના પ્રભારી તરુણ ચૂગજી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી. આ બેઠકમાં ‘સેવા સંકલ્પ અભિયાન‘ના રાષ્ટ્રીય ટીમના ઝોન ઇન્ચાર્જ આશિષ સેલારજી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુગજીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભગવાન સોમનાથ, ભગવાન દ્વારકાધીશની ધરતી એવી ગરવી ગુજરાતની ધરતી પ્રત્યે સમગ્ર દેશને માન છે. ગુજરાતે હંમેશા દેશને દિશા આપવાનું કાર્ય કર્યું છે. આ જ ધરતીના પૂજ્ય મહાત્મા ગાંધીજીએ દેશના સ્વતંત્રતા આંદોલનને દિશા આપી, શ્રી સરદાર પટેલે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પ ને સિદ્ધિ સુધી લઈ જઈ આઝાદી બાદ દેશના એકીકરણનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું.
તેમણે કહ્યું કે, ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી કોંગ્રેસ -યુપીએ શાસન દરમિયાન દેશ ભ્રષ્ટાચાર, કુશાસન તથા આતંકવાદ સામે લાચારીના ગર્તમાં ડૂબેલો હતો, દેશમાં નિરાશા અને હતાશા નો માહોલ હતો, હવે આ દેશનું કંઈ ન થઈ શકે તેવું વાતાવરણ બન્યું હતું તેવા સમયે ૨૦૧૪માં ગુજરાતે દેશને શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વરૂપમાં એક મજબૂત, નિર્ણાયક અને દૂરંદેશી નેતૃત્વ આપ્યું, દેશમાં ત્રણ દાયકા બાદ દેશની જનતાએ પૂર્ણ બહુમતની સરકાર બનાવી અને તેનું પરિણામ આજે આપણી સામે છે. છેલ્લા ૧૨ વર્ષમાં દેશે તમામ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. ભારત આજે ૧૧ માં ક્રમાંકે થી છલાંગ લગાવી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારત છે. વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અનેક દેશોના અર્થતંત્ર ખોરવાઈ ગયા પણ ભારતનો વિકાસદર ૭.૮% રહ્યો છે જે નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વ અને સફળ કૂટનીતિનું પરિણામ છે. આજે આતંકવાદને મુંહતોડ જવાબ આપવામાં આવે છે, ઘર માં ઘુસીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવે છે. આ નવું ભારત છે.
તરુણ ચુગજીએ કહ્યું કે, ૨૦૦૧ માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ મોદીજીએ ગુજરાતમાં વીજળી, પાણી, રોડ- રસ્તાની સમસ્યા દૂર કરી, ગુજરાતને તમામ ક્ષેત્રે અગ્રેસર બનાવી શાંતિ, સુરક્ષા અને વિકાસનો પર્યાય બનાવ્યું. ગુજરાત મોડેલે સમગ્ર દેશમાં વિશ્વાસ જગાવ્યો અને ઐતિહાસિક જનાદેશ સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રધાનમંત્રી બનાવ્યા. નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ગરીબ, ખેડૂતો, યુવાનો, મહિલાઓના સપના સાકાર કરતી સરકાર છે. દેશની દાયકાઓ જૂની સમસ્યાઓનું સમાધાન મોદી સરકારે કર્યું છે. દેશે વિકાસ, સુશાસન, સુરક્ષા, ગરીબ કલ્યાણના માનાંકોમાં અદભૂત પ્રદર્શન કર્યું છે.
તરુણ ચુગજીએ છેલ્લા ૧૨ વર્ષમાં ‘મોદી સરકાર‘ દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસકાર્યો અને દેશને સુરક્ષિત કરવા લેવાયલા પગલાંઓ, આત્મનિર્ભરતા તરફ આગળ વધતું ભારત સહિતના વિષયો અંગે વિસ્તૃત છણાવટ કરી જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી અને વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ પણ ભારતની પ્રગતિ રોકી નથી શકી. આજે મોદીજી ભારતના હિતને પ્રથમ રાખીને પ્રધાનસેવકના રૂપમાં અવિરતપણે કાર્યરત છે નરેન્દ્રભાઇ મોદી ભારતની સંસ્કૃતિ અને વારસાને દુનિયાના મંચ પર સ્થાપિત કરી રહ્યા છે.
તરુણ ચુગજીએ ગુજરાત ભાજપાની બુથ સ્તર સુધીની સંગઠનાત્મક કાર્યપદ્ધતિને ઉદાહરણરૂપ ગણાવી હતી અને નરેન્દ્રભાઇ મોદીના સેવા અને સમર્પણના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવા પર એક મહિના સુધી ચાલનારા અભિયાન હેઠળ જનભાગીદારી સાથે થનારા વિવિધ કાર્યક્રમોના સફળ આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા ૨૫ વર્ષમાં દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌ નાગરિકોને ગૌરવ થાય તેવું નેતૃત્વ કર્યું છે. વિરોધીઓએ દેશના વિકાસમાં રોડાં નાખવામાં, ભ્રામક અપપ્રચાર અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી તેમ છતાંય પ્રજાનો વિશ્વાસ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રત્યેક ક્ષેત્રમાં થયેલા સકારાત્મક બદલાવ અને ઐતિહાસિક કામગીરીમાં કાયમ રહ્યો છે. આજે મોદીજીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે.
ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, મોદીજીએ મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રા આજે તેમના દિશાદર્શન હેઠળ આગળ વધી રહી છે. ગુજરાત આજે ફાઇનાન્સિયલ ડિસિપ્લિનની બાબતમાં અગ્રેસર તેમજ રોકાણકારો માટે પ્રથમ પસંદ છે. તેમણે સૌને નરેન્દ્રભાઇ મોદીના સરકારના વડા તરીકે જનતાના આશીર્વાદથી ૨૫ વર્ષ પૂર્ણ થવા પર ગુજરાત અને દેશમાં ભાજપા સરકારમાં થયેલા કાર્યોની માહિતી સાથે જનતા વચ્ચે જવા આહ્વાન કર્યું હતું.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીને સતત ૨૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. એક સામાન્ય ગરીબ પરિવારમાં જન્મ થી લઇ ગુજરાતના મુખ્યમંત્રી, દેશના પ્રધાનમંત્રી અને વૈશ્વિક નેતા બનવા સુધીની તેમની યાત્રા અંત્યંત પ્રેરણાદાયી છે. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ ભૂકંપ પછીના પુનર્નિર્માણ, પાણી, વીજળી, કૃષિ, રોજગાર અને ઔદ્યોગિક વિકાસ જેવા અનેક પડકારોની પરિસ્થિતિમાં ગુજરાતના લાંબા ગાળાના સર્વાંગી વિકાસની દિશા નક્કી કરી. તેમણે વિકાસને કોઈ એક વિસ્તાર કે વર્ગ સુધી મર્યાદિત રાખવાને બદલે સર્વાંગી, સર્વસ્પર્શી અને જનભાગીદારી આધારિત કાર્યપદ્ધતિ વિકસાવી જે ગુજરાત મોડલ તરીકે ઓળખાયુ. ગુજરાત મોડલનો અર્થ માત્ર ઔદ્યોગિક વિકાસ નહિ; તેમાં ગામ, ખેડૂત, મહિલા, બાળક, યુવા, શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી, ઉદ્યોગ, પ્રવાસન, ટેક્નોલોજી અને સુશાસનનો સમન્વિત વિકાસ સમાયેલો છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડલથી શરૂ થયેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની રાષ્ટ્રસેવાની યાત્રા આજે ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘વિકસિત ભારત–૨૦૪૭’ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યોતિગ્રામ, સુજલામ્ સુફલામ્, નર્મદા આધારિત સિંચાઈ, વાયબ્રન્ટ ગુજરાત, GIFT City, ધોલેરા, SWAGAT ફરિયાદ નિવારણ વ્યવસ્થા સહિત વિકાસ અને સુશાસનના પ્રકલ્પો દ્વારા ગુજરાતને નવી દિશા આપનાર નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રધાનમંત્રી તરીકે અંત્યોદય, સુશાસન અને આત્મનિર્ભરતાને કેન્દ્રમાં રાખી જનધન, ઉજ્જ્વલા, આયુષ્માન ભારત, આવાસ, જલ જીવન મિશન, DBT, UPI, ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા સહિતની અનેક પહેલો દ્વારા સામાન્ય નાગરિકના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. કલમ ૩૭૦ નાબૂદી, શ્રીરામ મંદિર નિર્માણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવા સંસદભવન તથા વિશ્વમંચ પર ભારતની વધતી પ્રતિષ્ઠા સાથે સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટ એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર જેવી નિર્ણાયક કાર્યવાહી દ્વારા આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ભારતની સુરક્ષા અને રાષ્ટ્રીય સ્વાભિમાનને નવી મજબૂતી આપી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદ, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવવાદ અને અંત્યોદય, શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના સુશાસન તથા સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રીય એકતાની ભાવનાને આગળ ધપાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યાત્રા સેવા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાની યાત્રા છે. ‘સેવા અને સમર્પણ’ અભિયાનને જનભાગીદારીનું સ્વરૂપ આપી તેમણે કાર્યકર્તાઓને વધુમાં વધુ લોકોને કાર્યક્રમ સાથે જોડવા, તેનો સકારાત્મક સંદેશને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા, લાભાર્થી નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા અને નરેન્દ્રભાઇ મોદીની છેલ્લા ૨૫ વર્ષની નિસ્વાર્થ કામગીરી અને જનવિશ્વાસ સાથેની યાત્રાને જનજન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
સેવા સંકલ્પ અભિયાનની રાષ્ટ્રીય ટીમના સદસ્ય અને ઝોન ઇન્ચાર્જ આશિષ સેલારજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સતત ૨૫ વર્ષ સુધી જનતા દ્વારા સરકારના વડા તરીકે ચુંટાવું એ અતૂટ જનવિશ્વાસનું પ્રતિક છે. દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળ સંદર્ભે તેમણે કહ્યું કે છેલ્લા ૧૨ વર્ષમાં દુનિયાના અનેક દેશોમાં રાજકીય અસ્થિરતા થઈ છે અને વારંવાર વડા બદલાયા છે. પરંતુ ભારતમાં નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનસેવક તરીકે પ્રસ્થાપિત કરેલી વિકાસ અને સુશાસનની રાજનીતિને નાગરિકોએ સમર્થન આપી સતત ત્રણ વખત પ્રધાનમંત્રી બનાવ્યા છે. દેશની જનતાને ભાજપાની વિચારધારા અને નેતૃત્વ પર ભરોસો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે સતત ૨૫ વર્ષ સુધી હેડ ઓફ સ્ટેટ તરીકે બેદાગ કામગીરી કરી જનતાનો અતૂટ વિશ્વાસ સંપાદિત કર્યો છે. દેશ આજે સકારાત્મક પરિવર્તન દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે શ્રી મોદીજીએ સમર્પિત ભાવ સાથે દેશહિતમાં કરેલા વિવિધ કાર્યો અંગે વાર્તાલાપ કર્યો હતો અને સેવા સંકલ્પ અભિયાન સાથે વધુમાં વધુ નાગરિકોને જોડવા અનુરોધ કર્યો હતો.
પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પ્રસંગે ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઑક્ટોબર સુધી ચાલનારા ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અને તેના સુચારુ અને સુવ્યવસ્થિત આયોજન સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આશીર્વાદનો દીવડો કાર્યક્રમ હેઠળ દરેક બૂથ પર લાભાર્થી પરિવારો દ્વારા દીવો પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવશે. આ દીવો ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સામૂહિક સંકલ્પનું પ્રતીક બનશે. શાળાઓમાં ‘વિકસિત ભારત’ તથા વડાપ્રધાનના સેવા કાર્યો આધારિત ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. બાળકોની કલ્પનામાં રહેલું વિકસિત ભારત પરિવાર અને સમાજ સુધી પહોંચે તે માટે પ્રદર્શનો પણ યોજાશે. વડાપ્રધાનના ૨૫ વર્ષના સેવા કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને દેશના પરિવર્તનની ગાથાને સંગીતમય શેરી નાટક દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે. આંગણવાડી કેન્દ્રોમાં બાળકો તથા તેમની માતાઓની સહભાગિતાથી પોષણ, આરોગ્ય અને મહિલા કલ્યાણની યોજનાઓ અંગે સરળ ભાષામાં માહિતી આપવામાં આવશે. આંગણવાડી કાર્યકરોનું સન્માન, બાળકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ યોજાશે.
તેમણે કહ્યું કે, દરેક ગામ અને જિલ્લામાં વિવિધ દિશાઓમાંથી સેવા જ્યોતિ સાથે યાત્રાઓ નીકળી એક નિર્ધારિત સ્થળે એકત્ર થશે અને ‘વિકસિત ભારત ૨૦૪૭’નો સામૂહિક સંકલ્પ લેવાશે. યાત્રા દરમિયાન વડાપ્રધાનના સેવા કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ તથા સ્થાનિક લાભાર્થીઓના અનુભવો રજૂ થશે.
ગુજરાતની પવિત્ર નદીઓનું જળ એકત્ર કરી વડનગરથી વારાણસી સુધી બાઇક યાત્રા યોજાશે અને કાશી વિશ્વનાથજીને જળાભિષેક કરવામાં આવશે. પરત યાત્રામાં ગંગાજળ વડનગર લાવી વડનગર સ્થિત ભગવાન હાટકેશ્વર મહાદેવને જળાભિષેક કરવામાં આવશે. મુખ્ય જાહેર સ્થળોએ એક નિર્ધારિત દિવસે વિશાળ ‘હ્યુમન રંગોળી’નું આયોજન કરવામાં આવશે. યુવાનો, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ, પ્રોફેશનલ્સ અને ગ્રાસરૂટ ઇનોવેટર્સને માટે ઇનોવેશન ચેલેન્જ યોજાશે. પસંદ થયેલા ઇનોવેટર્સ પોતાના નવા ઉકેલો નિષ્ણાતો સમક્ષ રજૂ કરશે અને શ્રેષ્ઠ ઇનોવેશન્સને રાષ્ટ્રીય સ્તરે આગળ વધારવામાં આવશે.
આ પ્રદેશ કાર્યશાળામાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા, ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, રાષ્ટ્રીય મંત્રીઓ જગદીશભાઈ પટેલ,રોહનભાઈ ગુપ્તા, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમાંગભાઈ જોશી, પ્રદેશ મહામંત્રીઓ અનિરૂદ્ધભાઈ દવે,ડૉ. પ્રશાંતભાઈ કોરાટ,અજયભાઈ બ્રહ્મભટ્ટ,હિતેન્દ્રસિંહ ચૌહાણ, આસામના પ્રદેશ અધ્યક્ષ દિલીપ સાઈકિઆજી, પ્રદેશ પદાધિકારીઓ , અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ બ્રીજેશભાઈ મેરજા, અભિયાનની પ્રદેશ ટીમ, સાંસદઓ, ધારાસભ્યઓ, મહાનગરના મેયર જિલ્લા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા/મહાનગરના પ્રમુખ- પ્રભારી- મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં સ્વાગત પ્રવચન પ્રદેશ મહામંત્રી અને અભિયાનના પ્રભારી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા સંચાલન ધારાસભ્ય અને અભિયાનની પ્રદેશ ટીમના સભ્ય કેયુરભાઈ રોકડીયાએ કર્યું હતું
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
