<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ગુજરાત ATS નો મોટો ખુલાસો :PSI બનવાની તૈયારી કરતો યુવક પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતો

ગુજરાત ATS એ દેશવિરોધી પ્રવૃત્તિઓ અને ISIS જેવું મોડ્યુલ ઊભું કરવાના ષડયંત્રમાં સામેલ બે યુવકો, ઇરફાન પઠાણ અને મુરશદની ધરપકડ કરી

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ દેશમાં અશાંતિ ફેલાવવાના અને કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપવાના મનસૂબા ધરાવતા બે યુવકોની ધરપકડ કરી છે. ઇરફાન પઠાણ અને મુરશદ નામના આ બે આરોપીઓ ભારતમાં ISIS જેવું મોડ્યુલ ઊભું કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા અને હિંસક વિચારધારાનો પ્રસાર કરી રહ્યા હતા.

 

ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી ઇરફાન પઠાણ સિદ્ધપુરનો રહેવાસી છે અને તેણે MSC સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે ઇરફાન ગુજરાત પોલીસમાં જોડાવવા માટે PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ની શારીરિક કસોટી (Physical Test) પણ પાસ કરી ચૂક્યો હતો. તે લેખિત પરીક્ષા આપે તે પહેલા જ ATSએ તેના દેશવિરોધી મનસૂબા શોધી કાઢીને તેને દબોચી લીધો હતો. આ આરોપીઓ પોતાના જેવી જ માનસિકતા ધરાવતા યુવાનોને એકઠા કરી ફંડિંગ અને હથિયારો મેળવવા માટેના પ્રયાસોમાં પણ કાર્યરત હતા.

 

તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓના નિશાના પર ભારતના જાણીતા રાજકીય નેતાઓ અને RSSના લીડરો હતા. કટ્ટરપંથી વિચારો ફેલાવવા માટે તેઓએ વોટ્સએપ પર 12થી 13 જેટલા ગ્રુપ એક્ટિવ કર્યા હતા. આ ગ્રુપમાં તેઓ ISIS અને અન્ય આતંકી સંગઠનોના વીડિયો અને મેસેજ વાયરલ કરતા હતા. હાલમાં આ ગ્રુપમાં અન્ય 13 જેટલા સભ્યો હોવાની માહિતી મળી છે, જેમના પર ATSની ચાંપતી નજર છે.

(10:41 PM IST)