News of Tuesday, 29th September 2026
ગુજરાતના એરપોર્ટ પર ફ્લાઈટનો જમાવડો :સુરત અને વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટ્સનું ઇમરજન્સી ડાયવર્ઝન
મુંબઈમાં ખરાબ વાતાવરણના કારણે વિમાની સેવા ખોરવાઈ: સુરત એરપોર્ટ પર 9 અને વડોદરા એરપોર્ટ પર 4 સહિત 13થી વધુ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક આવેલા પલટા અને ભારે ખરાબ હવામાનના કારણે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનોનું લેન્ડિંગ મુશ્કેલ બન્યું છે. સુરક્ષાના કારણોસર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા મુંબઈ તરફ જઈ રહેલી અનેક ફ્લાઇટ્સને ગુજરાતના સુરત અને વડોદરા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો તાકીદનો નિર્ણય લેવાયો છે.
સુરત એરપોર્ટ પરથી મળતી તાજી વિગતો અનુસાર, કોઈમ્બતુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટને પણ વાતાવરણની ખરાબીના કારણે સુરત ડાયવર્ટ કરવામાં આવી છે, જેમાં 224 મુસાફરો સવાર છે. આ અગાઉ 8 ફ્લાઇટ્સ સુરત ઉતારવામાં આવી હતી. આમ, અત્યાર સુધીમાં કુલ 9 ફ્લાઇટ્સને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના અલગ-અલગ પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ અટવાયેલા મુસાફરોની દેખરેખ અને રહેવા-જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
બીજી તરફ, વડોદરાના હરણી એરપોર્ટ ખાતે પણ મુંબઈ જતી ૪ મહત્વપૂર્ણ ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. જેમાં એર ઇન્ડિયાની હૈદરાબાદ-મુંબઈ (AI 2447), વિજયવાડા-મુંબઈ (AI 599), ઇન્દોર-મુંબઈ (AI 1780) અને ઇન્ડિગોની દિલ્હી-મુંબઈ (6E 329) ફ્લાઇટનો સમાવેશ થાય છે. મુંબઈમાં હવામાન સામાન્ય થયા બાદ અને વાતાવરણ સાફ થતાં જ તમામ ફ્લાઇટ્સને તબક્કાવાર મુંબઈ તરફ રવાના કરવામાં આવશે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
