News of Tuesday, 29th September 2026
‘પોષણ માહ–૨૦૨૬’ ની ઉજવણીમાં ૨.૪૩ કરોડથી વધુ પ્રવૃત્તિઓ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર : "આપણી આંગણવાડી, આપણી જવાબદારી" ની ભાવના સાથે રાજ્યવ્યાપી અભિયાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે શુભારંભ : મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા જિલ્લાઓ કામગીરીમાં મોખરે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:ગુજરાત સરકાર દ્વારા "આપણી આંગણવાડી, આપણી જવાબદારી" ની ભાવના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં 'પોષણ માહ-૨૦૨૬' ની વ્યાપક ઉજવણી હાથ ધરવામાં આવી રહી છે. પોષણને એક સફળ જનઆંદોલન બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત આ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા કરાવવામાં આવ્યો હતો.
તાજેતરના આંકડા મુજબ, તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં ગુજરાતે કુલ ૨.૪૩ કરોડથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ નોંધાવીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સફળતામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૫૬.૧૩ લાખ પ્રવૃત્તિઓ તથા અન્ય સંલગ્ન વિભાગો દ્વારા ૧.૮૭ કરોડ જેટલી પ્રવૃત્તિઓ સંપન્ન કરવામાં આવી છે. આ કામગીરીમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ પ્રભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત વિભાગ અને શિક્ષણ વિભાગે સૌથી વધુ યોગદાન આપ્યું છે.
જિલ્લાવાર પરિણામોમાં મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા સમગ્ર રાજ્યમાં અગ્રણી જિલ્લા બન્યા છે. વલસાડ જિલ્લામાં કલેક્ટર દ્વારા વિશાળ પોષણ જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જ્યારે સુરત જિલ્લામાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાસ્થ્યપ્રદ આહાર અને જંકફૂડના વિષય પર વિશેષ જાગૃતિ કેળવવામાં આવી રહી છે.
પોષણ માહ દરમિયાન આહારની વિવિધતા, મિલેટ્સ (શ્રીઅન્ન), કઠોળ, લીલા શાકભાજી, ફળો અને દૂધના સેવન અંગે વિશેષ જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. કાર્યક્રમો હેઠળ પૌષ્ટિક વાનગી નિદર્શન, THR અને મિલેટ્સમાંથી બનેલી વાનગીઓનું પ્રદર્શન તથા પોષણ મેળા યોજાઈ રહ્યા છે. આંગણવાડી કેન્દ્રોમાં ગુણવત્તાયુક્ત ગરમ ભોજન પૂરું પાડીને કમ્યુનિટી ઓનરશિપ મજબૂત કરાઈ રહી છે.
આ સિવાય બાળકના પ્રથમ ૧,૦૦૦ દિવસની સંભાળ, વજન-ઊંચાઈનું નિયમિત માપન, પોષણ ટ્રેકરમાં નોંધણી અને 'પોષણ સંગમ' દ્વારા કુપોષિત બાળકોની ઓળખ કરી સારવાર સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૬માં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સંતૃપ્તિ અભિયાન ચલાવીને ગર્ભવતી અને ધાત્રી માતાઓની નોંધણી પણ વધારવામાં આવી રહી છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
