News of Saturday, 11th July 2026
તમાકુ, સોપારી, સીગરેટના વેપારીઓને ત્યાં GSTના દરોડા
સ્ટેટ જીએસટીની ટીમે ગુજરાતના ૧૦ સ્થળોએ દરોડા પાડયાઃ ૨૭ પેઢીની કરચોરી સામે આવી : મોટા પ્રમાણમાં બિલ વિના વેચાણ, બિનહિસાબી સ્ટોક અને વાસ્તવિક ટર્નઓવર છુપાવવાના કિસ્સાઓ સામે આવ્યા

અમદાવાદ,તા.૧૧: ગુજરાત રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે પાન મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુ અને ચૂનાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ સામે રાજ્યવ્યાપી તપાસ હાથ ધરીને પ્રાથમિક તપાસમાં જ રૂ.૬.૫૪ કરોડની કરચોરીનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિલ વિના વેચાણ, બિનહિસાબી સ્ટોક અને વાસ્તવિક ટર્નઓવર છુપાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે. વિભાગના જણાવ્યા મુજબ તપાસ હજુ ચાલુ હોવાથી કરચોરીનો આંકડો વધુ વધવાની શક્યતા છે.
SGST વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે ૮ જુલાઈએ અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા અને બાવળા સહિતના વિસ્તારોમાં ૨૭ વેપારીઓના ૪૧ ધંધાકીય સ્થળો પર એકસાથે તપાસ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ વેપારીઓના હિસાબી દસ્તાવેજો, સ્ટોક અને વેચાણના રેકોર્ડની સઘન ચકાસણી કરી હતી.
તપાસ દરમિયાન અનેક સ્થળોએ હિસાબી ચોપડા અને સ્થળ પર ઉપલબ્ધ વાસ્તવિક સ્ટોક વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. ઉપરાંત કેટલાક વેપારીઓ દ્વારા બિલ વિના વેચાણ કરવામાં આવતું હોવાની અને વેચાણની નોંધ હિસાબોમાં કરવામાં ન આવતી હોવાની હકીકત પણ સામે આવી છે. જેના કારણે વાસ્તવિક ટર્નઓવર ઓછો દર્શાવીને GSTની જવાબદારી ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
સ્ટોકમાં તફાવત, બિનહિસાબી વેચાણ અને અન્ય ગેરરીતિઓના આધારે વિભાગે પ્રાથમિક તબક્કે રૂ.૬.૫૪ કરોડની કરચોરી શોધી કાઢી છે. ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, ૨૦૧૭ હેઠળ સંબંધિત વેપારીઓ સામે વેરાની વસૂલાત અને જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વિભાગના જણાવ્યા મુજબ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને બિલ વિના થતાં વેચાણથી બચાવવાનો, વેપારીઓ વાસ્તવિક ટર્નઓવર જાહેર કરે તે સુનિヘતિ કરવાનો અને નિયમિત કરપાલનને પ્રોત્સાહન આપવાનો છે. SGST વિભાગ અન્ય મહત્વના ગ્૨ઘ્ ક્ષેત્રોમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખશે અને ઉપલબ્ધ માહિતીના આધારે કરચોરીના વધુ કેસો શોધી કાઢવામાં આવશે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
