<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

જીએસટી અપીલ વિલંબના આધારે રદ કરવામાં આવી નહીં શકે : હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે એપેલેટ ઓથોરિટીના આદેશો રદ કરી ફરી સુનાવણીનો આદેશ કર્યો

 

 

અમદાવાદ, તા. ૧પ : જીએસટી રિટર્ન ભરવામાં વેપારીએ કરેલી ભૂલ સુધારવા માટે અરજી કરવામાં આવ્‍યા બાદ અધિકારીએ નિર્ણય કર્યો હોય તો જે દિવસે વેપારીએ અપીલ કરી હોય તેમાં મૂળ તારીખ ગણવામાં આવવી જોઈએ. જેથી તેની અપીલ રદ કરવામાં આવી શકે નહીં તેવો આદેશ ગુજરાત હાઇકોર્ટે કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટના જસ્‍ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્‍ટિસ વૈભવી ડી. નાણાવટીની બેન્‍ચે જણાવ્‍યું હતું કે જીએસટી કાયદાની કલમ ૧૬૧ હેઠળ સમયસર સુધારા અરજી દાખલ થઈ હોય અને તેના પર આદેશ અપાયો હોય, ત્‍યારે એપેલેટ ઓથોરિટીએ તે કાર્યવાહી ધ્‍યાને લેવી ફરજિયાત છે. આવા કેસમાં અપીલની સમયમર્યાદા રેક્‍ટિફિકેશન ઓર્ડર મળ્‍યાની તારીખથી ગણવાની રહેશે, કારણ કે કાનન ઈન્‍ટરનેશનલ પ્રા. લિ. સહિતના કરદાતાઓની રિફંડ અરજી ૩ ઓક્‍ટોબર, ૨૦૨૨ના રોજ અધિકારી દ્વારા ફગાવી દેવાઈ હતી. કરદાતાઓએ નિયત ૯૦ દિવસમાં એટલે કે ૨ જાન્‍યુઆરી, ૨૦૨૩ના રોજ સેક્‍શન ૧૬૧ હેઠળ ભૂલ સુધારણા (રેક્‍ટિફિકેશન) અરજી કરી હતી. અધિકારીએ આ અરજી ૧૪ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૩ના રોજ નામંજૂર કરી હતી. કરદાતાઓએ ૧૧ જાન્‍યુઆરી, ૨૦૨૪ના રોજ બંને ઓર્ડર સામે એપેલેટ ઓથોરિટીમાં અપીલ કરી હતી. એપેલેટ ઓથોરિટીએ રેક્‍ટિફિકેશન ઓર્ડરને બદલે મૂળ ૩ ઓક્‍ટોબર, ૨૦૨૨ના ઓર્ડરથી સમય ગણી અપીલ મોડી હોવાનું કહી રદ કરી નાખી હતી. જેથી વેપારીએ ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે એપેલેટ ઓથોરિટીના આદેશો રદ ઠેરવ્‍યા છે અને મામલો ફરીથી સુનાવણી માટે રિમાન્‍ડ કર્યો છે. કોર્ટે નિર્દેશ આપ્‍યો છે કે અરજદારોને સાંભળવાની પૂરતી તક આપીને આગામી ૧૨ અઠવાડિયાની અંદર મેરિટના આધારે નવેસરથી નિર્ણય કરવામાં આવે. જોકે, કોર્ટે સ્‍પષ્ટ કર્યું હતું કે જો સુધારા આદેશની તારીખથી પણ અપીલ કાયદેસરની સમયમર્યાદા બહાર હોય તો જ ઓથોરિટી તેને રદ કરી શકે છે. હાઈ કોર્ટે આપેલા આ આદેશને કારણે અનેક વેપારીઓને અપીલના કેસમાં ઘણી રાહત મળશે તેવું જાણકારો કહી રહ્યા છે.

(1:46 PM IST)