<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ભરૂચ-નર્મદા સરહદે પોલીસની રહેમનજર કે ઘોર બેદરકારી? પ્રતિબંધિત ઘાણીખૂટ બ્રિજ પર લોખંડના એંગલો તોડી કન્ટેનર પસાર થઈ ગયું

ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ જવાનોની કામગીરી સામે અનેક સવાલો: નશામાં ધૂત ડ્રાઈવરે બેરિકેડ્સ તોડ્યા છતાં પોલીસ કેમ લાચાર રહી?*

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ભરૂચ અને નર્મદા જિલ્લાને જોડતા મહત્વના એવા ઘાણીખૂટ બ્રિજ પરથી ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ હોવા છતાં, કાયદાના લીરેલીરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશથી અમદાવાદ જતું એક તોતિંગ કન્ટેનર બ્રિજ પર લગાવેલી લોખંડની સુરક્ષા એંગલો તોડીને પસાર થઈ જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાએ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનોની સતર્કતા પર મોટા સવાલો ઊભા કર્યા છે.
મળતી માહિતી મુજબ, કન્ટેનર નંબર GJ 27 TF 3078 ઉત્તરપ્રદેશના પ્રતાપગઢથી કપાસ ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. ઘાણીખૂટ બ્રિજની મર્યાદા અને સુરક્ષાને ધ્યાને રાખી ત્યાં ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મોટા વાહનો અંદર ન પ્રવેશે તે માટે લોખંડની મજબૂત એંગલો (બેરિયર) લગાવવામાં આવી છે. જોકે, આ કન્ટેનરે તમામ સુરક્ષા અવરોધોને તોડી પાડી બ્રિજ પાર કરી લીધો હતો.
ડ્રાઈવર નશામાં હતો ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કન્ટેનરનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ નશામાં હોવાને કારણે તેણે વાહન ઊભું રાખવાને બદલે એંગલો સાથે અથડાવી દીધું હતું અને બ્રિજ પાર કરી ગયો હતો.
અમે ડ્રાઈવરને રોકવાની કોશિશ કરી હતી, પણ તે વાહન હંકારી ગયો હતો." અને બીજી બાજુ પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં? આ ઘટના બાદ સ્થાનિકો અને મુસાફરોમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
બીજી બાજુ ડ્રાઈવરે એવો બચાવ કર્યો છે કે ગાડીનો 'ગિયર' પડી રહ્યો નહતો. જો ગિયર નહતો પડતો, તો ગાડી ચેકપોસ્ટ સુધી કેવી રીતે પહોંચી? એ પણ એક સવાલ છે.
જો કન્ટેનર ચાલક નશામાં હતો અને એંગલો તોડી રહ્યો હતો, તો સ્થળ પર હાજર લાઠીધારી જવાનોએ તેને આગળ વધતા કેમ ન રોક્યો? પ્રતિબંધ હોવા છતાં આટલું મોટું વાહન બ્રિજ પર ચડી ગયું, જો બ્રિજને નુકસાન થયું હોત અથવા મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર કોણ?
આ કન્ટેનર નશામાં ધૂત ચાલકે હંકારીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે કે પછી પોલીસની મિલીભગતથી આ "સેટિંગ" પાર પડ્યું છે, તે દિશામાં તપાસ થવી અનિવાર્ય છે. હાલમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને જવાબદાર પોલીસ જવાનો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

(10:36 PM IST)