<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

સુરતના પલસાણામાં રસીકરણ દરમિયાન મોટી બેદરકારી: પેરાસિટામોલની જગ્યાએ ડાયાબિટીસની દવા અપાતા પાંચ બાળકો હોસ્પિટલભેગા

મમતા દિવસના કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીની ગંભીર ભૂલ સામે આવતા પ્રફુલ પાનસેરિયા દ્વારા ત્વરિત સસ્પેન્શનની કાર્યવાહી

પલસાણા : સુરતના પલસાણામાં રસીકરણ કાર્યક્રમ દરમિયાન થયેલી એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. બાળકોને નિયમિત રસી આપ્યા બાદ સામાન્ય રીતે પેરાસિટામોલ કિડ ટેબ્લેટ આપવાની હતી, પરંતુ તેની જગ્યાએ ભૂલથી ગ્લાઇમિપિરાઇડ-૨ એમજી એટલે કે ડાયાબિટીસની ટેબ્લેટ પાંચ બાળકોને આપવામાં આવતા તેમની તબિયત લથડી હતી અને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પલસાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવ હેઠળના સબ સેન્ટર પલસાણા-૦૧ ખાતે મમતા દિવસ અંતર્ગત આયોજિત રસીકરણ કાર્યક્રમમાં આ ઘટના બની હતી. અહીં કુલ સાત બાળકોને રસી અપાઈ હતી, જેમાંથી પાંચ બાળકોને પેરાસિટામોલના બદલે ગ્લુકોઝ ઘટાડવાની ગ્લાઇમિપિરાઇડ દવા અપાતા તેમનામાં આડઅસરના લક્ષણો જણાયા હતા અને તેમને તાકીદે વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવા પડ્યા હતા.

ઘટનાની ગંભીર નોંધ લઈને રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રાથમિક દોષિત જણાઈ આવતા જવાબદાર મહિલા હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓએ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની મુલાકાત લઈને તબીબો સાથે ચર્ચા કરી હતી અને હાલ પાંચેય બાળકોની તબિયત સંપૂર્ણપણે સ્થિર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની સારવારનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પરિવારજનોને સાંત્વના અપાઈ રહી છે. અગાઉ પણ તબીબી ક્ષેત્રે આવી બેદરકારીઓ અટકાવવા માટે માર્ગદર્શિકાઓ આપવામાં આવી છે, ત્યારે આ ઘટના બાદ ભવિષ્યમાં આવી ભૂલો ન પુનરાવર્તે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા વધુ કડક સૂચનાઓ અને સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

(11:37 AM IST)