તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
રાજ્યની શાળાઓના નવા બાંધકામને લીલી ઝંડીઃ રૂ.૩૩૦ કરોડના પ્રોજેક્ટથી શિક્ષણ માળખામાં થશે મોટા ફેરફાર
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી શરતો મુજબ તમામ બાંધકામ કામો માટે ટેકનિકલ મંજૂરી ફરજિયાત રહેશેઃ માર્ગ અને મકાન વિભાગની ડિઝાઈન અને PWD મેન્યુઅલ મુજબ જ કામગીરી કરાશે

અમદાવાદ,તા.૧૫: ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને મોડેલ શાળાઓના ભૌતિક માળખાને મજબૂત બનાવવા માટે મોટા પાયે ખર્ચ કરવાની તૈયારી શરૂ કરી છે. વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન રાજ્યભરની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવા મકાનો, કમ્પાઉન્ડ વોલ અને રિપેરિગના કામો માટે કુલ રૂ.૩૩૦ કરોડના પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ઘણા વિસ્તારોમાં વર્ષોથી શાળાઓમાં પૂરતી વર્ગખંડ વ્યવસ્થા, સુરક્ષા દીવાલ અને મરામતની સમસ્યાઓ હતી. ખાસ કરીને ગ્રામ્ય અને આદિજાતિ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે પૂરતી શૈક્ષણિક સુવિધા ઊભી કરવા સરકાર હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખાસ ફોકસ કરી રહી છે.
આ મંજૂરી હેઠળ બિન-આદિજાતિ વિસ્તારો માટે સૌથી મોટો હિસ્સો ફાળવાયો છે. અહીં રૂ.૨૧૦ કરોડના ખર્ચથી ૬૯ શાળાઓમાં નવા બાંધકામ થશે. ઉપરાંત ૭૬ શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ બનાવાશે અને કેટલીક શાળાઓમાં રિપેરિગ તથા રિનોવેશનના કામ હાથ ધરાશે.
આદિજાતિ વિસ્તારોમાં પણ શિક્ષણ સુવિધાઓ સુધારવા માટે રૂ.૮૦ કરોડ ફાળવાયા છે. જેમાં ૧૭ શાળાઓમાં નવા મકાનો, ૩૨ શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ અને અનેક શાળાઓમાં રિપેરિગના કામ થશે. સરકાર ખાસ અંગભૂત વિસ્તારોમાં પણ ૨૨ શાળાઓ માટે રૂ.૪૦ કરોડના નવા બાંધકામને મંજૂરી આપી છે.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી શરતો મુજબ તમામ બાંધકામ કામો માટે ટેકનિકલ મંજૂરી ફરજિયાત રહેશે. માર્ગ અને મકાન વિભાગની ડિઝાઈન અને PWD મેન્યુઅલ મુજબ જ કામગીરી કરાશે. જ્યાં જમીન સંપાદનની જરૂર પડશે ત્યાં પહેલાં તે પ્રક્રિયા પૂર્ણ કરાશે ત્યારબાદ જ વર્ક ઓર્ડર અપાશે.
સૂત્રોનું કહેવું છે કે, ઘણા પ્રોજેક્ટમાં પર્યાવરણ, વન વિભાગ અથવા રેલવે વિભાગની મંજૂરી જરૂરી બનતી હોવાથી સમયમર્યાદા ઉપર ખાસ નજર રાખવામાં આવશે. સરકાર દ્વારા પ્રોજેક્ટમાં વિલંબ ન થાય તે માટે વિભાગોને પહેલાથી જ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
આ વખતે સુરક્ષા મુદ્દે પણ સરકાર ખાસ ગંભીર દેખાઈ રહી છે. બાંધકામ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગાઈડલાઈન અને સલામતીના ધોરણોનું પાલન ફરજિયાત બનાવાયું છે. સાથે જ કોન્ટ્રાક્ટરો માટે ‘કોન્ટ્રાક્ટર્સ ઓલ રિસ્ક' વીમા પોલિસી પણ જરૂરી રાખવામાં આવી છે.
શિક્ષણ જગત સાથે જોડાયેલા વર્તુળોમાં માનવામાં આવે છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યની અનેક સરકારી શાળાઓમાં લાંબા સમયથી રહેલી માળખાકીય સમસ્યાઓમાં રાહત મળશે. ખાસ કરીને ગામડાં અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને વધુ સુરક્ષિત અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળી શકશે
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
