તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મહાસંગ્રામ: ગાંધીનગર મનપા સહિત 8 સ્થળોએ મતદાન વચ્ચે 278 ઉમેદવારોનું ભાવિ સીલ
કુલ 31 વોર્ડની 105 બેઠકો પર 3.38 લાખથી વધુ મતદારો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન
.jpg)
ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની વિવિધ સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ઓખા અને થરા નગરપાલિકા, ખેરાલુ, છોટાઉદેપુર અને બાયડની પેટાચૂંટણીઓ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને પડધરી તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવ્યું છે.
આ ચૂંટણી સંગ્રામમાં કુલ 31 વોર્ડની 105 બેઠકો પર 278 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના 44-44 તથા આમ આદમી પાર્ટીના 32 મળી કુલ 130 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે, જ્યાં 2.59 લાખથી વધુ મતદારો માટે 304 મતદાન મથકો ઊભા કરાયા છે. જેમાંથી 129 સંવેદનશીલ અને 6 અતિ સંવેદનશીલ મથકો પર 1,130 પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓખા નગરપાલિકાના વોર્ડ-4 બિનહરીફ થતાં બાકીના 8 વોર્ડની 32 બેઠકો પર 75 ઉમેદવારો અને થરા નગરપાલિકામાં 24 બેઠકો પર 59 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. જ્યારે ખેરાલુ, છોટાઉદેપુર, બાયડ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને પડધરી તાલુકા પંચાયતની ખાલી બેઠકો પર પણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં સમગ્ર રાજ્યમાં 3.38 લાખથી વધુ મતદારો માટે કુલ 387 મતદાન મથકો પર 2,227 પોલિંગ સ્ટાફ અને 1,385 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના શાસન માટે રવિવારે યોજાયેલા આ મતદાન બાદ તમામ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમ (EVM) મશીનોમાં સીલ કરી દેવામાં આવશે. ચુસ્ત સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયા બાદ આગામી 13 ઓક્ટોબર, મંગળવારના રોજ મતગણતરી હાથ ધરીને પરિણામો જાહેર કરવાની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
