News of Saturday, 15th August 2026
મહેસાણામાં 'વંદે માતરમ્' નાટકનું ભવ્ય મંચન: 'તારક મહેતા'ના પોપટલાલ, અય્યર અને ચાલુ પાંડે સહિત મહાભારતના 'શ્રીકૃષ્ણ' નીતિશ ભારદ્વાજની પ્રેરક ઉપસ્થિતિ!
માત્ર ૭ જ દિવસની સઘન રાત-દિવસની મહેનત બાદ સંસ્કાર ભારતીના કલાકારોએ ૧૫૦ વર્ષના ગૌરવશાળી ઈતિહાસને મંચ પર જીવંત કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.

મહેસાણા: મહેસાણા શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમનો એક અનોખો અને અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો હતો. સંસ્કાર ભારતી જિલ્લા સમિતિ દ્વારા આયોજિત 'સ્વરાજનો શંખનાદ: વંદે માતરમ્' શીર્ષક હેઠળના ભવ્ય નાટકે સમગ્ર ટાઉનહોલમાં ઉપસ્થિત મહેસાણાવાસીઓને ભારતીય આઝાદીના સંગ્રામ અને રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ના ૧૫૦ વર્ષ જૂના ગૌરવવંતા ઈતિહાસના રંગે રંગી દીધા હતા.
આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી નાટકનું આયોજન યુવા પેઢીમાં દેશપ્રેમ, સમર્પણ અને રાષ્ટ્રભાવનાનું સિંચન કરવાના પવિત્ર હેતુથી કરવામાં આવ્યું હતું. નાટકનું લેખન અને દિગ્દર્શન પ્રોફેસર કમલ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. સૌથી આશ્ચર્યજનક અને પ્રશંસનીય બાબત એ રહી કે કલાકારોએ સખત પરિશ્રમ કરીને માત્ર સાત જ દિવસની અલ્પ સમયમર્યાદામાં આટલી મોટી ભવ્ય પ્રસ્તુતિ તૈયાર કરી મંચ પર સફળતાપૂર્વક પેશ કરી હતી, જેને નગરજનોએ તાલીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
કાર્યક્રમમાં દેશભક્તિના આ ઉત્સવને ચાર ચાંદ લગાવવા માટે કળા અને મનોરંજન જગતની અનેક નામાંકિત હસ્તીઓ પધારી હતી. બી.આર. ચોપરાની વિખ્યાત 'મહાભારત' સિરિયલમાં શ્રીકૃષ્ણનું અમર પાત્ર ભજવનાર અભિનેતા નીતિશ ભારદ્વાજ તેમજ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના લોકપ્રિય પાત્રો પત્રકાર પોપટલાલ (શ્યામ પાઠક), અય્યર અને ઈન્સ્પેક્ટર ચાલુ પાંડેએ ખાસ હાજરી આપીને સ્થાનિક કલાકારોનો ઉત્સાહ બેગણો કર્યો હતો. આ સિવાય જાણીતા હાસ્ય સમ્રાટ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ અને પદ્મશ્રી હાજીભાઈ રમકડુંની ગરિમામય ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
