<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના જન્મદિવસે ભવ્ય સેવાયજ્ઞ : આરોગ્ય, રોજગાર, શિક્ષણથી લઈ સામાજિક સહાય સુધીના અનેક લોકોપયોગી કાર્યક્રમો યોજાશે

'જનસેવા પરમોધર્મ'ના સંકલ્પ સાથે ધારાસભ્ય હાર્દિક પટેલના જન્મદિવસે વિરમગામમાં સેવા અને આશીર્વાદ સંમેલન, હજારો લોકોને મળશે લાભ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના  ધારાસભ્ય હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે આગામી 20 જુલાઈ, સોમવારના રોજ સવારે 10.00 કલાકે વિરમગામ તાલુકાના વાંસવા ચાર રસ્તા ખાતે "જનસેવા પરમોધર્મ"ના સંકલ્પ સાથે 'સેવાકીય કાર્યો અને આશીર્વાદ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. જનસેવા ટ્રસ્ટ ગુજરાત, વિરમગામ વિધાનસભા ભાજપ પરિવાર અને જનસેવા કાર્યાલયના સંયુક્ત આયોજન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં વિવિધ સેવાકીય અને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ હજારો લોકોને આપવામાં આવશે.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ  જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. જ્યારે રાજવી પરિવારના સાણંદ સ્ટેટના મહારાણા ધ્રુવરાજસિંહ વાઘેલા, કટોસણ સ્ટેના નામદાર ઠાકોર સાહેબ ધર્મપાલસિંહ ઝાલા તથા ગાંગડ સ્ટેટના મહારાણા રધુવીરસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ  શૈલેષભાઈ દાવડા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રભારી કશ્યપભાઈ શુક્લ સહિત અનેક આગેવાનો હાજર રહેશે. આ ઉપરાંત સાંસદ  ચંદુભાઈ શિહોરા, પૂર્વ મંત્રી  પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, ધારાસભ્યો બાબુભાઈ જે. પટેલ (દસક્રોઈ), કનુભાઈ કોળી પટેલ (સાણંદ-બાવળા), કિરીટસિંહ ડાભી (ધોળકા), કાળુભાઈ ડાભી (ધંધુકા), પી. કે. પરમાર (પાટડી-દસાડા), બાબુસિંહ જાદવ (વટવા) અને સુમાજી ઠાકોર (બહુચરાજી) સહિતના મહાનુભાવો તેમજ સંતો-મહંતો પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે તેમજ વિરમગામના જય ભવાની ચાર રસ્તાનું નામકરણ કરવામાં આવશે. ગર્ભવતી મહિલાઓના લાભાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રક્તદાન કરનાર દાતાઓને વિશેષ ભેટ પણ આપવામાં આવશે. યુવાનો માટે રોજગારી મેળો યોજાશે, જ્યારે ઓક્કુરા હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક આંખોની તપાસ તથા મોતીયાના ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઉપરાંત ધારાસભ્ય હાર્દિક પટેલના સ્વર્ગસ્થ પિતા ભરતભાઈ પટેલની સ્મૃતિમાં વિરમગામ શહેરને શબવાહિની અર્પણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સુવિધા મજબૂત બને તે માટે બીજા તબક્કામાં 27 લાખના ખર્ચે 18 ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવશે.
સામાજિક સંગઠનોને પ્રોત્સાહનરૂપે ધારાસભ્યના વાર્ષિક પગારમાંથી વિવિધ સમાજોને કુલ રૂ. 1.11  લાખની સહાય આપવામાં આવશે. જેમાં 16 ગામ સોલંકી રાજપૂત સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ, ચુંવાળ 84 રાજપૂત સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ, ભરવાડ સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ કમીજલા, વિરમગામ-માંડલ-દેત્રોજ અને રામપુરા તાલુકા ઠાકોર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ, ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ તેમજ 27 માંડલ વિસ્તાર ઠાકોર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિને પ્રત્યેક રૂ. 1.11  લાખની આર્થિક સહાય અર્પણ કરવામાં આવશે.
સેવાકીય કાર્યક્રમના ભાગરૂપે ઝાયડસ સીતાપુર હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન શિબિર પણ યોજાશે. જેમાં જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન, મૂત્રરોગ નિષ્ણાત (યુરોલોજિસ્ટ) તેમજ હાડકાં અને સાંધાના રોગોના નિષ્ણાત (ઓર્થોપેડિક) દ્વારા આરોગ્ય તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વજન અને ઊંચાઈનું માપન તથા આરોગ્ય માર્ગદર્શન જેવી નિઃશુલ્ક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષ દરમિયાન ધારાસભ્ય હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2022માં વનથળ ખાતે 7,000 લાભાર્થીઓની આંખોની નિઃશુલ્ક તપાસ, 5,400 લાભાર્થીઓને ચશ્માંનું વિતરણ અને 132 લાભાર્થીઓને નિ:શુલ્ક મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. વર્ષ 2023માં વિરમગામ ખાતે 30 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન, 300 કુપોષિત બાળકોને પોષણયુક્ત કિટ, 15 વિધવા બહેનોને સિલાઈ મશીન, 15 દિવ્યાંગોને ટ્રાયસિકલ તેમજ 27 આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ₹ 5,000 થી ₹64,000 સુધીની નિ:શુલ્ક સહાય આપવામાં આવી હતી.
વર્ષ 2024માં વિઠલાપુર (તા. માંડલ) ખાતે વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ, 7 વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સંપૂર્ણ ફી સહાય અને વિરમગામ વિધાનસભાની આશા બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2025માં વિરમગામ ખાતે કોળી પટેલ સમાજની મહિલા છાત્રાલયમાં 100 લાભાર્થીઓ માટે સોલાર પેનલ સ્થાપિત કરી લોકાર્પણ કરાયું, 670 મહિલા ધૂન મંડળોને વાંસળીઓનું વિતરણ, પ્રથમ તબક્કામાં ₹25.50 લાખના ખર્ચે 17 ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરનું વિતરણ તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા બે મહિલા ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીને પરીક્ષણ મશીન અર્પણ કરવામાં આવ્યું હતું.
આમ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "રાજનીતિ એ સેવાનું માધ્યમ છે"ના વિચારને કેન્દ્રમાં રાખીને ધારાસભ્ય  હાર્દિક પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના જન્મદિવસને ઉજવણી કરતાં વધુ જનકલ્યાણ અને સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમ તરીકે ઉજવી રહ્યા છે. આ વર્ષે પણ આરોગ્ય, શિક્ષણ, રોજગાર, સામાજિક સહાય અને ગ્રામ વિકાસને સ્પર્શતા વિવિધ કાર્યક્રમો દ્વારા મોટી સંખ્યામાં લોકોને સીધો લાભ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે

(7:23 PM IST)