તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
થરાદ ખાતે વિજયાદશમી નિમિત્તે જાગીરદાર યુવા સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રા અને શસ્ત્રપૂજન યોજાયું
રાજપૂતી પોશાક અને કેસરિયા સાફામાં સજ્જ ક્ષત્રિય સમાજના રાજવીઓ, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા:નાણદેવી માતાજીના મંદિરેથી નીકળેલ શોભાયાત્રા ડેઝર્ટ હોટલ ખાતે પૂર્ણ થઈ:પરંપરાગત શસ્ત્રપૂજન યોજાયું: વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનોએ રાજવીઓનું શાલ અને પુષ્પહારથી સન્માન કર્યું

વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે વિજયાદશમીના પાવન પર્વે જાગીરદાર યુવા સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રા અને શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય જાગીરદાર સમાજના રાજવીઓ, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પરંપરાગત રાજપૂતી પોશાક, કેસરિયા સાફા અને વાહનો પર લહેરાતી કેસરિયા ધજાઓએ સમગ્ર શોભાયાત્રાને ભવ્ય અને આકર્ષક બનાવી હતી.
વિજયાદશમીના પવિત્ર તહેવાર નિમિત્તે જાગીરદાર યુવા સંગઠન, વાવ-થરાદ જિલ્લા દ્વારા થરાદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના ક્ષત્રિય જાગીરદાર સમાજના રાજવીઓ, સામાજિક આગેવાનો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત રાજપૂતી વેશભૂષા, સફેદ વસ્ત્રો અને કેસરિયા સાફામાં સજ્જ યુવાનોએ શોભાયાત્રામાં રાજપૂતી સંસ્કૃતિ અને પરંપરાની ઝલક રજૂ કરી હતી.
થરાદના નાણદેવી માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા હનુમાન ગોળાઈ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ડેઝર્ટ હોટલ ખાતે પૂર્ણ થઈ હતી. પદયાત્રા ઉપરાંત બાઈક અને કારની વિશાળ રેલી પણ યોજાઈ હતી. વાહનો પર લહેરાતી કેસરિયા ધજાઓ અને પરંપરાગત પોશાકમાં સજ્જ સમાજના લોકો શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા.
શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ડેઝર્ટ હોટલ ખાતે પરંપરાગત રીતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજવીઓ દ્વારા વિવિધ શસ્ત્રોનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું. વિજયાદશમીના પર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં વાવના રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ, થરાદના રાજવી અને નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
આ નિમિતે ભોરલ ગજેન્દ્રસિંહ ચૌહાણ, ગુમાનસિંહ માડકા, દિયોદરના લક્ષ્મણસિંહ વાઘેલા અને ફોરણાના ભરતસિંહ વાઘેલા સહિત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન થરાદના વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રાજવીઓનું શાલ ઓઢાડી અને પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આમ, વિજયાદશમીના પાવન અવસરે થરાદમાં ક્ષત્રિય જાગીરદાર સમાજની પરંપરા, એકતા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
