News of Monday, 2nd November 2026
ગાંધીનગરના ડભોડિયા હનુમાનજી મંદિરમાં દિવાળીની ઉજવણી માટે ભવ્ય તૈયારીઓ:આ વર્ષે 11,111થી વધુ તેલના ડબ્બાથી દાદાનો મહાભિષેક કરાશે
મધરાતે મહાઆરતી યોજાશે. મંદિરને ફૂલો અને ધાર્મિક થીમથી સજાવાયુ :પાંચ હજાર કિલો બુંદીનો પ્રસાદ તૈયાર થયો:10થી 11 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના:ધનતેરસથી બેસતા વર્ષ સુધી વિશેષ આયોજન.

ગાંધીનગર :દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગર જિલ્લાના પ્રસિદ્ધ સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે મંદિરમાં 11,111થી વધુ તેલના ડબ્બા દ્વારા હનુમાનજી દાદાનો મહાભિષેક કરવામાં આવશે. 6 નવેમ્બરની મધરાતે મહાઆરતી સાથે આ ધાર્મિક આયોજનનો પ્રારંભ થશે. મંદિર પરિસરથી લઈને સમગ્ર ડભોડા ગામને આકર્ષક રોશની, ફૂલો અને ધાર્મિક થીમથી શણગારવામાં આવ્યું છે. અંદાજે 10થી 11 લાખ શ્રદ્ધાળુઓ દિવાળીના દિવસોમાં દાદાના દર્શને પહોંચે તેવી શક્યતા છે. આ તહેવાર દરમિયાન મંદિરમાં આયોજિત ધનતેરસના દિવસે મહા આરતી કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ પર પણ કરવામાં આવશે.
ડભોડિયા હનુમાનજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસ અને કાળી ચૌદસ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 6 નવેમ્બરની મધરાતે 12 વાગ્યે મહાઆરતી યોજાશે. આ સાથે હનુમાનજી દાદાને 11,111થી વધુ તેલના ડબ્બા અર્પણ કરીને મહાભિષેક કરવામાં આવશે. શ્રદ્ધાળુઓને મંદિર પરિસરમાંથી જ તેલના ડબ્બા મળી રહે તે માટે બુકિંગની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેલના ડબ્બાનું બુકિંગ ₹2,700ના દરે કરવામાં આવી રહ્યું છે. ધનતેરસના દિવસે યોજાનારી મહાઆરતીનું જીવંત પ્રસારણ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ પર પણ કરવામાં આવશે.
ડભોડિયા હનુમાનજી મંદિર સાથે એક રસપ્રદ લોકવાયકા જોડાયેલી છે. કહેવાય છે કે વર્ષ 1877માં અમદાવાદ-હિંમતનગર રેલવે લાઇનનું કામ શરૂ થયું હતું. તે સમયે હનુમાનજીની મૂર્તિની આસપાસ પુલનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તેનું સ્ટ્રક્ચર વારંવાર નમી જતું હતું. આ સમસ્યાના ઉકેલ માટે અંગ્રેજ સરકારે હનુમાનજીને તેલ ચઢાવવાની માનતા રાખી હતી. ત્યારબાદ બાંધકામનું કામ સરળતાથી પૂર્ણ થયું હોવાનું કહેવાય છે.
આ લોકવાયકા સાથે જોડાયેલી તેલ અર્પણ કરવાની પરંપરા વર્ષ 1897થી ચાલી રહી છે અને આજે પણ અકબંધ છે. રેલવે વિભાગ દ્વારા પણ દર વર્ષે શ્રદ્ધાપૂર્વક તેલનો ડબ્બો લાવીને દાદાને અર્પણ કરવામાં આવે છે. મંદિરમાં તેલ ચઢાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગર્ભગૃહમાં રાખવામાં આવેલા પાત્રમાં તેલ રેડવામાં આવે છે, જે પાઇપલાઇન મારફતે હનુમાનજીનાં ચરણો સુધી પહોંચે છે. ત્યારબાદ આ તેલ એકત્રિત કરીને જરૂરિયાતમંદ લોકોને રાહત દરે આપવામાં આવે છે, જેથી તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે.
આ વર્ષે મંદિર પરિસરને ઓમકાર, શિવલિંગ, ડમરુ અને રંગબેરંગી ફૂલોની થીમથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. મંદિરની સાથે ડભોડા ગામના મુખ્ય વિસ્તારોમાં પણ આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે. દર્શને આવતા ભક્તો માટે અંદાજે 5,000 કિલો બુંદીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. 6 નવેમ્બરે લોકગાયક યોગેશદાન ગઢવીની ઉપસ્થિતિમાં સંતવાણી અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બેસતા વર્ષના દિવસે સવારે 5થી બપોરે 12 વાગ્યા સુધી અન્નકૂટનાં દર્શનનો લાભ મળશે. ત્યારબાદ 10 નવેમ્બર, 2026ના રોજ બપોરે 12 વાગ્યે બેસતા વર્ષની વિશેષ મહાઆરતી યોજાશે.
સ્વયંભૂ હનુમાનજી દાદામાં શ્રદ્ધા ધરાવતા ભક્તો મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવે છે. મંદિરના અંદાજ મુજબ, ધનતેરસથી લઈને બેસતા વર્ષ સુધીના દિવાળી પર્વ દરમિયાન અંદાજે 10થી 11 લાખ શ્રદ્ધાળુઓ દાદાનાં દર્શન કરશે. આ વર્ષે પણ ભક્તોની સુવિધા અને દિવાળી પર્વની ભવ્ય ઉજવણી માટે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
