<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ ૨૦૨૬નો ભવ્ય પ્રારંભ: ૧૯ દેશોના ૧૦૮ ખેલાડીઓ બતાડશે દમ

૨૦૩૬ ઓલમ્પિકની તૈયારીઓ વચ્ચે અમદાવાદમાં આજથી ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધા શરૂ, ૨૯ ભારતીય એથ્લેટ્સ સહિત ૨૦૦થી વધુ સ્પર્ધકો વિવિધ ૨૫ કેટેગરીમાં કરશે મુકાબલો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ ૨૦૩૬માં યોજાનાર ઓલમ્પિક ગેમ્સ માટેની ભવ્ય તૈયારીઓ વચ્ચે આજથી ચાર દિવસીય રોમાંચક "વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ ૨૦૨૬"નો શાનદાર પ્રારંભ થયો છે, જેમાં ભારત સહિત ચીન, મેક્સિકો, ઈરાક અને સ્લોવેકિયા જેવા ૧૯ દેશોના ૧૦૮ પેરા એથ્લેટ્સ સહિત કુલ ૨૦૦થી વધુ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતના ૨૯ ખેલાડીઓ સહિત દેશ-વિદેશના સ્પર્ધકો વિવિધ ૨૫ કેટેગરીમાં પોતાના શ્રેષ્ઠ કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે મેદાન પર ઉતર્યા છે.

આ સ્પર્ધા અંગે વિગતવાર માહિતી આપતા ટીમ ઈન્ડિયાના ફિઝીયોથેરાપિસ્ટ ડૉ. શાઈન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સ્થિત સાઈ (SAI) કેમ્પમાં ખેલાડીઓએ સઘન તાલીમ મેળવી છે અને કુલ ૫૮ સભ્યોના ભારતીય કન્ટિજન્ટમાં ૨૯ ખેલાડીઓ ઉપરાંત ૧૦ કોચ અને સપોર્ટ સ્ટાફ તથા ૧૯ વ્હીલચેર એથ્લેટિક્સ માટે અટેન્ડન્ટ્સ સામેલ છે. કમ્પાઉન્ડ અને રિકર્વ જેવી વિવિધ કેટેગરીમાં ડિવિઝન પ્રમાણે મુકાબલા યોજાઈ રહ્યા છે, જ્યાં ભારતીય આર્ચર્સ હાલ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને આ વૈશ્વિક મંચ પર આપણી ટીમ ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ અને પ્રેરિત છે.

ભૂતકાળમાં પણ ગુજરાત અને ભારતે અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓનું સફળ આયોજન કર્યું છે, અને આ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ આગામી સમયમાં દેશમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે રમતગમતના વ્યાપને વધુ મજબૂત બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. રાજ્ય સરકાર અને ખેલ મહાકુંભ જેવા આયોજનોના માધ્યમથી તળિયેથી પ્રતિભાશાળી ખેલાડીઓને નિખારવાની જે પરંપરા રહી છે, તેણે આ વૈશ્વિક મંચ પર ભારતીય એથ્લેટ્સનોત્મસાહ અને આત્મવિશ્વાસ અનેકગણો વધારી દીધો છે.

આ ચાર દિવસીય રોમાંચક સ્પર્ધાની પૂર્ણાહુતિ બાદ વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફીથી सम्मानित કરવામાં આવશે, જે આગામી ઓલમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ માટે ખેલાડીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે. વહીવટી તંત્ર દ્વારા સ્ટેડિયમ અને આસપાસના પરિસરમાં દર્શકો અને ખેલાડીઓ માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, જેથી આ વૈશ્વિક મહાકુંભ યાદગાર બની રહે.

(11:18 AM IST)