<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

અમદાવાદમાં 'વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ-૨૦૨૬'નો ભવ્ય પ્રારંભ: ગુજરાત સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ અને ઇન્જરી કેરનું ગ્લોબલ હબ બનશે – અમિતભાઈ શાહ

​કેન્દ્રીય ગૃહમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સ્પર્ધાનો કરાવ્યો વર્ચ્યુઅલ પ્રારંભ: ૧૯ દેશોના ૧૦૮ પેરા આર્ચર્સ વચ્ચે જામશે જંગ

અમદાવાદ :  ​ભારતમાં પ્રથમ વખત આયોજિત 'ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026'નો સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો છે. તા. ૫ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન આયોજિત આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અર્જુન મુંડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
​રમતગમત ક્ષેત્રે ગુજરાતની વૈશ્વિક ઉડાન: અમિતભાઈ શાહ
ઉદ્ઘાટન સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ભારત વિશ્વનું મોટું સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે. ગુજરાત હવે માત્ર રમતગમતની સ્પર્ધાઓ માટે જ નહીં, પરંતુ તાલીમ, આધુનિક સુવિધાઓ અને સાધનોના ઉત્પાદન માટે વૈશ્વિક હબ બનવા જઈ રહ્યું છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ અને સ્પોર્ટ્સ ઇન્જરીના મેડિકલ સાયન્સ ક્ષેત્રે પણ ગુજરાત વિશ્વભરના ખેલાડીઓ માટે પ્રમુખ કેન્દ્ર તરીકે ઉભરી આવશે.
​તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ના ઓલિમ્પિક્સના આયોજન માટે પ્રબળ દાવેદાર છે. ચાલુ વર્ષે જ અમદાવાદ ૧૦થી વધુ આંતરરાષ્ટ્રીય રમતોનું યજમાન બની રહ્યું છે.
​ખેલાડીઓને પ્રોત્સાહન અને પુરસ્કાર
કાર્યક્રમ દરમિયાન વર્લ્ડ આર્ચરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જુઆન કાર્લોસ હોલ્ગાડોના હસ્તે વિશ્વવિખ્યાત પેરા આર્ચર શીતલ દેવીને 'પેરા આર્ચર ઓફ ધ યર'નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારત તરફથી ૨૯ સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતરી છે.
​ગાંધીનગરમાં રૂ. ૩૧૬ કરોડના ખર્ચે 'પેરા-હાઈ પરફોર્મન્સ સેન્ટર'
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'ખેલે તે ખીલે'ના મંત્રથી દેશના સ્પોર્ટ્સ ક્ષેત્રે ૩૬૦ ડિગ્રી બદલાવ આવ્યો છે. ગાંધીનગરમાં રૂ. ૩૧૬ કરોડના ખર્ચે એશિયાનું અત્યાધુનિક પેરા-હાઈ પરફોર્મન્સ સેન્ટર આકાર લઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનામાં અમદાવાદમાં આ પાંચમી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ છે, જે ગુજરાતની આંતરરાષ્ટ્રીય ક્ષમતા દર્શાવે છે.
​૧૯ દેશોના ૧૦૮ ધનુર્ધરો વચ્ચે મુકાબલો
આ ટૂર્નામેન્ટમાં ભારત, ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, યુ.એસ.એ. સહિત કુલ ૧૯ દેશોના ૧૦૮ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, W-1 અને વિઝ્યુઅલી ઇમ્પેર્ડ શ્રેણીઓમાં વિશ્વના શ્રેષ્ઠ પેરા તીરંદાજો વચ્ચે Sabarmati Riverfront ખાતે રોમાંચક સ્પર્ધા જોવા મળશે.

(1:00 PM IST)